વિલ્સડન સ્વામીનારાયણ મંદિર દર્શન માટે ખૂ્લ્લું મૂકાયું

Wednesday 08th July 2020 06:43 EDT
 
 

કોરોના મહામારી વચ્ચે લગભગ ૧૦૫ દિવસ બાદ લંડન સ્થિત વિલ્સડન સ્વામીનારાયણ મંદિર હરિભક્તોને દર્શન માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના કડક પાલન વચ્ચે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા હતા. ભક્તોએ મંદિરમાં એકબીજાથી જરૂરી અંતર જાળવીને ભગવાનના દર્શનની સાથે આરતીનો પણ લાભ લીધો હતો. મંદિરમાં પ્રવેશ પહેલાં સેનેટાઈઝર સહિત વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સેવકોએ તમામ જરૂરી વ્યવસ્થાનું સુંદર આયોજન કર્યું હતું. અંદાજે ૧૦૫ દિવસ પછી ભગવાનના દર્શન કરવા મળતાં શ્રદ્ધાળુઓએ આનંદની લાગણી અનુભવી હતી.

હરિભક્ત અવધિશે જણાવ્યું હતું કે વિલ્સડન સ્વામીનારાયણ મંદિર ૫ જુલાઈના રોજથી દર્શન માટે ખોલવામાં આવ્યું છે. હવેથી ભક્તો દરરોજ સાંજે ૬થી ૮ વાગ્યા સુધી દર્શન કરી શકશે. જ્યારે વિકેન્ડમાં સાંજે ૫થી ૭ સુધી પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે.

પહેલાં દિવસે અંદાજે ૨ હજાર હરિભક્તોએ દર્શન કર્યા હતા. મંદિરમાં સરકારી ગાઈડ લાઈન પ્રમાણે સેનેટાઈઝેશન સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

દરમિયાન આ વર્ષે પ્રથમ વખત ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી કરવામાં આવી હતી. ૨૮ જૂનને રવિવારથી ૫ જુલાઈને રવિવાર સુધી યોજાયેલા પાટોત્સવનું ઓનલાઈન પ્રસારણ કરાયું હતું જેને મોટી સંખ્યામાં હરિભક્તોએ તેમના ઘરે બેઠા નિહાળ્યું હતું. જેમાં દરરોજ સાંજે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર પારાયણનું આયોજન કરાયું હતું. તેમાં ભૂજ સ્વામીનારાયણ મંદિરના સંતોએ કથાવાણીનો લાભ આપ્યો હતો. વધુમાં, દરરોજ સાંજે ક્વીઝ, નાટક, ચર્ચા, નૃત્ય, સંગીત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. આ ઉપરાંત લાઈવ ભજન શો પણ રજૂ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter