વિશ્વ ઉમિયાધામનો વર્લ્ડ રેકોર્ડ: મંદિરના 1551 ધર્મસ્તંભના રાફ્ટનું કામ માત્ર 54 કલાકમાં સંપન્ન

Wednesday 24th September 2025 05:38 EDT
 
 

અમદાવાદઃ શહેર નજીક જાસપુર ખાતેના પ્રસિદ્ધ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશ ઉમિયા માતાજીના મંદિરના 1551 ધર્મસ્તંભના રાફ્ટનું કામ 54 કલાકમાં પૂર્ણ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. જગતજનની મા ઉમિયાની કૃપાથી વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામના રાફ્ટનું કાર્ય સમય પહેલા જ અર્થાત 72 ક્લાકને બદલે માત્ર 54 કલાકમાં જ પૂર્ણ થયું છે. 15 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યે શરૂ થયેલું રાફટ કાસ્ટિંગનું કાર્ય 17 સપ્ટેમ્બરે રાત્રે 11 કલાકે પૂર્ણ કરાયું હતું. લગભગ 8,57,500 ઘન ફૂટના રાફટનું કાર્ય સૌથી ઝડપી પૂરું કરવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો છે. આમ, વિશ્વ ઉમિયા ધામે વધુ એક વખત વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
જાસપુરની પવિત્ર ભૂમિ ઉપર વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો હોવા અંગે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે 100 વીઘા જમીનમાં વિશ્વ ઉમિયાધામનું વિશ્વનું સૌથી ઊંચુ 504 ફૂટ મંદિરનું નિર્માણ પામી રહ્યું છે. તે માટે રૂ. 2000 કરોડનો સામાજિક નિધિ સહયોગ પ્રાપ્ત થયો છે, જે વિશ્વની અજાયબી સમાન ગણાશે. ઉમિયા મંદિરનો ગગન વિહાર 1551 ધર્મસ્તંભ ઉપર આકાર લઈ રહ્યો છે. જે ધાર્મિક ક્ષેત્રે વિશ્વનો સૌથી મોટો અને ભારતમાં પ્રથમવાર સૌથી મોટા રાફ્ટ ગણાશે. લગભગ 24 હજાર ઘનમીટર અર્થાત્ 8 લાખ 57 હજાર 500 ઘન ફૂટ જેટલો ક્રોંક્રિટનો રાફ્ટ ભરવામાં આવ્યો છે.
1000થી વધુ એન્જિનિયર, 3000થી વધુ શ્રમિક
આર.પી. પટેલે વધુમાં જણાવ્યું કે 1551 ધર્મસ્તંભ પર બનાવેલા રાફ્ટ કાસ્ટિંગમાં 20 ફૂટ પહોળો 27 કિમી લાંબો રોડ બનાવી શકીએ તેટલા કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સાથે જ અમદાવાદથી મહારાષ્ટ્રના પૂના પહોંચી શકીએ તેટલા સ્ટીલનો ઉપયોગ થયો છે. એટલે અંદાજિત 680 કિમી લાંબો સ્ટીલનો વપરાશ થયો છે. રાફ્ટ કાસ્ટિંગની આંકડાકીય માહિતી આપતા પટેલે કહ્યું કે 24,000 ઘન મીટરનો કોંક્રિટ રાફ્ટ છે, તેમાં 4800 ટન સ્ટીલનો ઉપયોગ થયો છે અને 3600થી વધુ ટન સિમેન્ટનો ઉપયોગ કરાયો છે. રાફ્ટની લંબાઈ 700 ફૂટ અને રાફ્ટની પહોળાઈ 550 ફૂટ છે. રાફ્ટની ઊંડાઈ 8 ફૂટ છે. આ કાર્યમાં 1000થી વધુ એન્જિનિયર અને 3000થી વધુ શ્રમિકોનું યોગદાન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અભિનેતા વિવેક ઓબેરોયે ઉમિયાધામમાં બાંધકામનું નિરીક્ષણ કર્યું
વિશ્વ ઉમિયાધામમાં 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટના કાર્યના આરંભ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અભિનેતા વિવેક ઓબેરોય સાક્ષી બન્યા હતા તેમની ઉપસ્થિતિમાં કાર્યારંભ થતા તેમણે બાંધકામનું નિરીક્ષણ કરી માતાજીના દર્શનનો લાભ લીધો હતો.આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીઓ, દાતાઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter