વિશ્વની આઠમી અજાયબી: BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન

Thursday 20th August 2015 09:42 EDT
 

લાખો હરિભક્તો અને શુભેચ્છકોના સમર્પણ અને ભક્તિના ફળસ્વરુપે પ્રમુખ સ્વામી મહારાજે તા. ૨૦મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ શુભારંભ કર્યો હતો તે મંદિરને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. આ મહાન પ્રસંગની ૨૦મી વર્ષગાંઠ નિમિત્તે સંપ્રદાયના સર્વે ભક્તજનો અને સમુદાયના લોકો માટે તા. ૨૨ અોગસ્ટ ૨૦૧૫ શનિવાર અને તા. ૨૩ અોગસ્ટ રવિવારના રોજ સાંજે ૬ વાગ્યાથી BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે પ્રેરણાદાયી મહાઉત્સવની ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત બન્ને દિવસે ભવ્ય ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સન્માનીય યોગીજી મહારાજ અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અલૌકિક કલ્પના, સ્વયંસેવકોના પરિશ્રમ તેમ જ વ્યક્તિઓ, પરિવારો અને સ્થાનિક સમુદાયના જીવનમાં મંદિરના પ્રદાનનું બહુમાન કરવામાં આવશે.

'ગુજરાત સમાચાર' દ્વારા 'મંદિર મહોત્સવ' અંગે વાચક મિત્રોને રજે રજની માહિતી મળી રહે તે આશયે તા. ૨૫મી અોગસ્ટ ૧૯૯૫ના અંકમાં સવિશેષ આઠ પાનની પૂર્તિ પ્રકાશીત કરવામાં આવી હતી. તે સમયે સવિસ્તર તસવીરો સાથે રજૂ કરાયેલ માહિતી વાંચીને કેટલાય સપ્તાહો સુધી વાચક મિત્રો તરફથી આવા સત્કાર્ય માટે સરાહના કરવામાં આવી હતી. તે સમયે અમે ટેક્નોલોજીના અભાવ અને અન્ય કારણોસર રંગીન તસવીરો રજૂ કરી શક્યા ન હતા. પરંતુ આ સપ્તાહે વિવિધ પાનાઅો પર તે સમયની રંગીન તસવીરો રજૂ કરાઇ છે.

મંદિરનો શુભારંભ

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આજથી બરાબર ૨૦ વર્ષ પૂર્વે તા. ૨૦મી ઓગસ્ટ, ૧૯૯૫ના દિવસે BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનનો પૂજા, વિધી અને યજ્ઞ બાદ શુભારંભ કર્યો હતો. ‘નીસડન મંદિર’ના નામથી આમ જનતામાં જાણીતા અને લોકપ્રિય એવું આ મંદિર મક્કમ નિર્ધાર અને સમર્પણ, સેવા અને બલિદાનના ગૌરવપૂર્ણ ઈતિહાસથી સમૃદ્ધ છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદનો સુભગ સમન્વય ધરાવે છે.

૧૯૫૦ના દાયકામાં ભારતીયોનું બ્રિટનમાં આગમન થવાનું શરૂ થયું હતું ત્યારે આ પાવન મહાયાત્રાનો આરંભ થયો હતો અને ૧૯૯૨માં તેમાં ભારે ગતિ આવી હતી. વર્ષ ૧૯૯૨ના રવિવાર, તા. ૭ જુલાઈના રોજ અર્લિંગ્ટન વેરહાઉસ (નીસડનમાં પૂર્વ હરિ મંદિરની સામે)ના સ્થળે પૂ.પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે સંપૂર્ણ વેદિક વિધિવિધાન સાથે મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. તે સમયે સમારંભ પછી સ્વામીશ્રીએ 'સનરાઈઝ રેડિયો' પરથી સૌને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, ‘હજારો હરિભક્તો આ પ્રસંગે હાજર હતા. આ મંદિર તમામ માટે ખુલ્લું રહેશે.’

નવેમ્બર ૧૯૯૨માં પાયાના વિક્રમી કોન્ક્રીટ કાર્ય સાથે મંદિરના નિર્માણનો આરંભ થયો હતો. જૂન ૧૯૯૩માં ભારતમાં હજારો કલાકાર - કારીગરો દ્વારા કોતરકામ કરાયેલી શિલાઓનું લંડનમાં આગમન શરૂ થયું હતું અને શિલ્પીઓ, આર્કિટેક્ટ્સ, ઈજનેરો તથા સમર્પિત હજારો સ્વયંસેવકોએ સાથે મળી વિશાળ કોયડા સમાન આ શિલાઓના ફીટિંગ સાથે તબક્કાવાર મંદિરને જોડવાની કામગીરી આરંભી હતી. તીવ્ર ઠંડી, સૂસવાટા મારતાં પવનો, ભારે વરસાદ અને પરસેવે રેબઝેવ કરતી ગરમી વચ્ચે પણ કામગીરી બજાવનારા સ્વયંસેવકોએ ‘સ્મિત સાથે સેવા’ના સૂત્રને ચરિતાર્થ કરી મંદિર નિર્માણ કાર્ય સંપન્ન કર્યું હતું.

નગર યાત્રા

મૂર્તિ પ્રતિષ્ઠા અગાઉ જન્માષ્ટમીના દિવસે શુક્રવાર તા. ૧૮ ઓગસ્ટ, ૧૯૯૫ના પવિત્ર દિને લંડનના હાઇડ પાર્કથી શહેરમાં સુશોભિત ફ્લોટ્સ પર મૂર્તિઓની વિશાળ નગરયાત્રા કાઢવામાં આવી હતી. નગરયાત્રાનો નિયત આરંભ સમય બપોરના ૧ વાગ્યાનો હતો. પરંતુ હાઈડ પાર્કથી નીકળેલી નગરયાત્રામાં કુલ ૨૦ હજાર ભક્તો જોડાયા હતા. તે દિવસે કુદરતે પણ સાથ આપ્યો હતો અને તાપમાન ૩૧ ડીગ્રી સેલ્સિયમ જેટલું નોંધાયું હતું.

નગર યાત્રા સુખરૂપ પાર પડે તે માટે ૩૫૦ સ્વયંસેવકો અને ૧૮૦ પોલીસ ઓફિસર્સે ચાંપતી નજર રાખી હતી. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે પિકાડેલી સર્કસ ખાતે 'સ્ટેચ્યુ ઓફ ઈરોઝ'ની નીચે સુશોભિત મંચ પર આસન ગ્રહણ કર્યું હતું અને ત્યાંથી સમગ્ર યાત્રામાં સામેલ સૌને આશીર્વાદ આપ્યા હતા.

રંગીન વસ્ત્રોમાં સજ્જ યુવાનોએ પરંપરાગત ભારતીય લોકનૃત્યો પરફોર્મ કર્યા હતા અને નાના બાળકોએ ભારતીય સંસ્કૃતિના મહાન પાત્રો અને સંતોનો પરિવેશ ધારણ કર્યો હતો. સેન્ટ્રલ લંડનની શેરીઓમાં હજારોની સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો નગરયાત્રા નિહાળવા ઉભા રહી ગયા હતા. પશ્ચિમી વિશ્વના લાખો લોકોએ પ્રથમ વાર હિન્દુ ભક્તિભાવ અને આરાધનાનું દર્શન કર્યું હતું.

મંદિર મહોત્સવના કાર્યક્રમો

છ દિવસીય મંદિર મહોત્સવના ભાગરુપે વિશ્વ શાંતિ યજ્ઞ સહિત કોમ્યુનિટીના તમામ સભ્યો માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. યુવાનોએ પરંપરાગત નૃત્યો ઉપરાંત, બે નૃત્યનાટિકા ‘કૃષ્ણ લીલા’ અને ‘સંત પરમ હિતકારી’ની ભજવણી કરી હતી. તા. ૧૮થી ૨૩ ઓગસ્ટ ૧૯૯૫ દરમિયાન ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સ્પિરેશન્સ’નું આયોજન કરાયું હતું. મહોત્સવ દરમિયાન બાળકો અને યુવાનો માટે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા અને સ્ત્રી સંમેલન સહિત કોમ્યુનિટીના તમામ સભ્યો માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તે સમયે યોજાયેલા સામૂહિક લગ્ન સમારોહમાં કુલ ૧૧ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા તેમજ ૧૨ નાના બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર અપાયા હતા. ભારતની બહાર સૌ પ્રથમ વખત સૌથી મોટા વિશ્વ શાંતિ યજ્ઞ સંપન્ન થયો હતો. ઉત્સવની પરાકાષ્ઠારૂપે ૨૦ ઓગસ્ટે ઐતિહાસિક મૂર્તિપ્રતિષ્ઠા સાથે પશ્ચિમી વિશ્વમાં સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું સર્જન સાકાર થયું હતું.

સ્વામીશ્રીએ અભિષેક સાથે પવિત્ર મૂર્તિઓમાં પ્રાણ આહ્વાન કરવાની વિધિઓ પૂર્ણ કર્યા પછી નવસ્થાપિત મૂર્તિઓને લોકદર્શન માટે ખુલ્લી મૂકાઈ હતી. સ્વામીશ્રી અને વરિષ્ઠ સાધુઓએ પ્રથમ આરતી ઉતારી હતી. લંડન નગરની ક્ષિતિજે આ મંદિર આધ્યાત્મિક પવિત્રતા અને સત્તાના કિરણો પ્રસરાવતી દિવ્યતાનું ધબકતું પ્રતીક બની રહ્યું છે. પોતાના ગુરુ યોગીજી મહારાજે ૨૫ વર્ષ પહેલા વ્યક્ત કરેલી ઈચ્છાને સ્વામીશ્રીએ મૂર્તિમંત સ્વરૂપ આપ્યું હતું.

0000

મંદિરના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર

બળદિયા-કચ્છમાં જન્મેલા અને કેન્યા, સીસલ્સ, ભારત અને લંડનમાં બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર તરીકે ખૂબ જ નામના મેળવનાર શ્રી લક્ષ્મણભાઈ રાધવાણીની કંપની ‘લેક્ષીકોન’ તેમજ ‘લક્ષ્મણભાઈ કન્સ્ટ્રકશન’એ આ મંદિરના મુખ્ય કોન્ટ્રાકટર તરીકે જવાબદારી સંભાળી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમનું નામ દેશ વિદેશમાં ખૂબ જ જાણીતું છે.

તેમણે નિસડન મંદિર ઉપરાંત બ્રહ્માકુમારી ગ્લોબલ કો-ઓપરેશ હાઉસ અને સત્તાવીસ ગામ પાટીદાર સમાજ હોલ, વેમ્બલીના મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે પણ સેવાઅો આપી છે.

વાસક્રોફટ – કોન્ટ્રાકટર

જાણવા મળતી વિગત મુજબ નિસડન મંદિરનો ફાઉન્ડેશન સ્ટોન વાસક્રોફટ કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવ્યો હતો. તે ઉપરાંત ‘હવેલી’ના નકશીકામ સિવાયના ‘જોઇનરી’ના લાકડાના કામ માટે વાસક્રોફ્ટ કોન્ટ્રાક્ટરે નિશુલ્ક સેવા આપી હતી અને હજી પણ આપી રહ્યા છે. નિસડન મંદિર ઉંપરાંત વિલ્સડન મંદિર, વેમ્બલી મંદિર, બાલાજી મંદિર, ડડલી ઉપરાંત ઘણા બધા મંદિરોના નિર્માણમાં ‘વાસક્રોફ્ટ’ દ્વારા જોઇનરી અને અન્ય કન્સ્ટ્રકશન કામમાં સેવા આપવામાં આવી છે.

બાગબગીચો ઃ મળતી માહિતી મુજબ મંદિર પરીસરમાં આવેલ લેન્ડર સ્ક્ેપીંગમાં દર વર્ષ સાઉથ લંડનના શ્રીમતી હંસાબેન પટેલ અને સત્સંગીઓ સેવા આપે છે.

મંદિર ઉત્સવના અંશો

* નિર્ધારીત સમય પહેલા મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થયું.

* મંદિર મહોત્સવની તૈયારીઅો ચાર માસ પહેલાથી શરૂ કરાઇ હતી.

* બપોરે ૧-૩૦ કલાકે ભૂતપૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાએ ઝંડો લહેરાવી નગર યાત્રાનો શુભારંભ કર્યો હતો.

* ચાર માઇલ લાંબી નગર યાત્રામાં ૨૦ હજાર ભક્તો જોડાયા હતા.

* નગર યાત્રામાં ૧૭ જેટલા શણગારેલા વાહનોમાં વિવિધ ફ્લોટ્સ રજૂ કરાયા હતા.

* મંદિર પાસેના ગિબન્સ પાર્કમાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરાઇ હતી.

* મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ૨,૦૦૦ યજમાનોએ ભાગ લીધો હતો.

* ત્રણ હજાર સ્વયંસેવકોએ ખડે પગે વ્યવસ્થા સંભાળી હતી.

* ૪૦,૦૦૦ દર્શનાર્થીઅો દર્શન કરી ધન્ય થયા હતા.

* દેશના હોમ સેક્રેેટરી શ્રી માઇકલ હાવર્ડ હોલીડે પર હોવા છતાં ઉપસ્થિત રહ્યા હતા.

* ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલ તથા ભાજપના અગ્રણી એલ.કે. અડવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

* મંદિર મહોત્સવ પ્રસંગે આંતર રાષ્ટ્રીય મહિલા મહોત્સવનું આયોજન કરાયું હતું.

* મંદિર મહોત્સવની નોંધ વિશ્વ વિખ્યાત અખબારો 'ટાઇમ્સ', 'ઇન્ડિપેન્ડન્ટ', 'ટેલિગ્રાફ' અને 'ગાર્ડીનય' જેવા માતબર અખબારોએ પણ લીધી હતી.

* છ દિવસના મંદિર મહોત્સવમાં ઉમેટેલા દોઢથી બે લાખ ભક્તોને વિના તકલીફ પ્રસાદની સેવા આપવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter