વીએચપી ઇલ્ફર્ડ મંદિરના પૂર્વ પૂજારીનો દાવો ટ્રિબ્યુનલે ફગાવ્યો

Wednesday 01st March 2023 05:30 EST
 
 

લંડનઃ વીએચપી ઇલ્ફર્ડ મંદિરના પૂર્વ પૂજારી અવધેશ તિવારીના પુનઃ નોકરી મેળવવાના દાવાને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ફગાવી દીધા છે. હાઈ કોર્ટ અને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને તેમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)નો વિજય થયો છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિવેદનમાં જણાવાયું હતું કે વીએચપી માટે સંવેદનાત્મક અને નાણાકીય મુશ્કેલીના ગત બે વર્ષ દરમિયાન મિ. તિવારીએ વીએચપી અને અન્ય સભ્યો વિરુદ્ધ વિવિધ કાનૂની દાવા કર્યા હતા. સરકારી લોકડાઉન્સના ગાળામાં ટ્રસ્ટીઓ દ્વારા મૂકાયેલા વિવિધ કોવિડ-19 આરોગ્ય અને સલામતી નિયમોનો ભંગ કરવા બદલ પૂજારી અવધેશ તિવારીને નોકરીમાંથી બરતરફ કરાયા હતા. તિવારીએ માર્ચ 2021માં ગેરવાજબી અને અન્યાયી બરતરફી, કરારના ભંગ, વેતનની ગેરકાયદે કપાત, વૈધાનિક ફરજનો ભંગ અને ડેટા પ્રોટેક્શન એક્ટ 2018ના ભંગ બદલ વીએચપીના ટ્રસ્ટીઓ વિરુદ્ધ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં દાવો કર્યો હતો.
ટ્રિબ્યુનલની આખરી સુનાવણીઓ 8, 9, 10, 14 અને 15 ફેબ્રુઆરી 2023ના ગાળામાં યોજાઈ હતી. ટ્રિબ્યુનલે કોવિડ-19 લોકડાઉન્સના ગાળામાં તિવારીનું વર્તન અયોગ્ય હોવાનું ઠરાવ્યું હતું. એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલની કાર્યવાહીમા જજે ચુકાદો આપ્યો હતો કે તિવારીને નેશનલ મિનિમમ વેજ અનુસાર મળવાપાત્ર વેતનો અને તેમની રજાઓનો પગાર ચૂકવી આપવાનો રહેશે. આ બાબતે વીએચપી ઇલ્ફર્ડ દ્વારા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલની સુનાવણીમાં અગાઉથી જ પેમેન્ટની સંમતિ આપી દીધી હતી. તિવારીની બાકી નીકળતી અંદાજિત લેણી રકમ 15,852.76 પાઉન્ડ થતી હોવાની સંસ્થાની ધારણા છે.
હાઈ કોર્ટમાં અવધેશ તિવારીએ દાખલ કરેલા બદનક્ષી દાવાને કોર્ટે ફગાવી દેતા વીએચપીનો વિજય થયો છે. એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં દાવો કર્યો હોવા છતાં હાઈ કોર્ટમાં પોતાના જ ભાઈ અવિનાશ તિવારી સહિત 24 વિરુદ્ધ બદનક્ષી અને કરારભંગનો દાવો કર્યો હતો. હાઈ કોર્ટના જજસ્ટિસ કોલિન્સ રાઈસે 30 જૂન 2022ની સુનાવણી પછી આ દાવો ફગાવી દીધો હતો. આ જજમેન્ટની સાથોસાથ તિવારીએ હાઈ કોર્ટ પ્રોસિડિંગ્સના કાનૂની ખર્ચ પેટે વીએચપીને 41,972.28 પાઉન્ડ ચૂકવવાના રહેશે તેવો આદેશ પણ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter