વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ દીપોત્સવ પર્વે યોજાયેલા શાનદાર સમારંભમાં ગુરુહરિ સંત ભગવંત સાહેબજીના હસ્તે આ સન્માન એનાયત થશે. આ પ્રસંગે પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.
ગુજરાતી ભાષા અને સાહિત્યના આજીવન વિદ્યાર્થી-સાધક પ્રો. જગદીશ દવે 1957થી ગુજરાતી ભાષાના અધ્યાપન ક્ષેત્રે સમર્પિત છે. સવિશેષ તો વિદેશમાં ગુજરાતી ભાષાના પ્રસારમાં તેમનું ઉલ્લેખનીય પ્રદાન છે. તેમણે વિદેશવાસી ગુજરાતી પેઢી માટે રચનાત્મક પદ્ધતિઓ અને અભ્યાસક્રમો દ્વારા ગુજરાતી ભાષાના શિક્ષણ-પ્રશિક્ષણની નવી દિશાઓ ખોલી છે. વૈશ્વિક સ્તરે ગુજરાતી ભાષા માટે સરાહનીય યોગદાન બદલ તથા અન્ય સેવાને બિરદાવતાં બ્રિટિશ સરકાર દ્વારા પ્રો. જગદીશ દવેને MBEથી નવાજવામાં આવ્યા છે.
• તારીખઃ 17 ઓક્ટોબર
કાર્યક્રમનું સ્થળઃ અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્સબ્રિજ - UB9 4NA