લંડનઃ શ્રી કડવા પાટીદાર સમાજે (SKPS) તાજેતરમાં યુકેમાં તેની ઔપચારિક સંસ્થાનો સુવર્ણજયંતી ઉત્સવ રવિવાર, 26 ઓક્ટોબર, 2025 ભારે દબદબા અને ઉત્સાહ સાથે ઉજવ્યો હતો. હેરોમાં કોમ્યુનિટીના વિશાળ કેન્દ્રમાં આયોજિત સમારંભમાં 800થી વધુ સભ્યો અને માનવંતા મહેમાનોએ ઉપસ્થિત રહી કોમ્યુનિટીના સમૃદ્ધ ઈતિહાસ અને સેવા પ્રતિ દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાને વધાવી હતી. હેરોના મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલે સ્થાનિક વિસ્તારમાં સમાજની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાથર્યો હતો.
ઈસ્ટ આફ્રિકા અને ભારતના સૌરાષ્ટ્રમાંથી આવેલા વસાહતીઓએ સૌપ્રથમ 1975માં યુકેમાં શ્રી કડવા પાટીદાર સમાજ (SKPS)ની સ્થાપના કરી હતી અને ત્યારથી તેનો સતત વિકાસ સમુદાયના મજબૂત સ્તંભ સ્વરૂપે થતો રહ્યો છે. સમાજનો ઈતિહાસ તેના સ્થાપકો અને સભ્યોના સમર્પણને વ્યક્ત કરે છે.
ગોલ્ડન જ્યુબિલીનાં વર્ષો દરમિયાન ચાવીરૂપ ઐતિહાસિક સીમાચિહ્નો જોવાં મળ્યા હતાઃ
1992: સોલીઆના કણસાગરા પરિવારના વતી શાંતિલાલ નાથાભાઈ કણસાગરાએ કોમ્યુનિટી સેન્ટર માટે આધારશિલા ગોઠવી હતી.
1993: હેરોના કેનમોર એવન્યુ પર ભવ્ય કડવા પાટીદાર સેન્ટરનું ગોવિંદભાઈ વિરજીભાઈ ધુળાશીઆના હસ્તે સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કોમ્યુનિટીના સભ્યો દ્વારા ઉદાર હાથે દાનભંડોળ થકી જ આ શક્ય બન્યું હતું .
2012: સેન્ટરની સુવિધાક્ષમતાઓ વિસ્તારવા પ્રમોદભાઈ કાલરીઆના હસ્તે નવાં એનેક્સનું ઉદ્ઘાટન
ઉદારતાપૂર્ણ ગોલ્ડન જ્યુબિલી અને પ્રતિબદ્ધતા
સખાવતી કાર્યો પ્રતિ સમાજની અવિચળ પ્રતિબદ્ધતાને દર્શાવવા ગોલ્ડન જ્યુબિલી નોંધપાત્ર ડોનેશન્સનું પ્લેટફોર્મ બની રહેલ છે જે મૂલ્યવાન ઉદ્દેશો માટે શ્રી કડવા પાટીદાર સમાજની સમર્પિતતાને પ્રતિબિંબિત કરે છે.
સમાજ દ્વારા વિવિધ ઉદ્દેશો માટે 30,000 પાઉન્ડનું દાન આપવામાં આવ્યું હતુઃ
● હેરોના મેયર દ્વારા નોમિનેટ કરાયેલી ચેરિટીઝને 2,000 પાઉન્ડનો ચેક અર્પણ કરાયો ● અલ્ઝાઈમર્સ રિસર્ચ યુકેને 4,000 પાઉન્ડનો ચેક ● સ્ટ્રોક એસોસિયેશનને 4,000 પાઉન્ડનો ચેક ● ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ચિલ્ડ્રન્સ ચેરિટી (GOSHCC)ને 4,000 પાઉન્ડનો ચેક ● સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ હેરો એન્ડ બ્રેન્ટને 4,000 પાઉન્ડનો ચેક ● DIABETES UKને 4,000 પાઉન્ડનો ચેક ● PARKINSON‘S UKને 4,000 પાઉન્ડનો ચેક ● DEMENTIA UKને 4,000 પાઉન્ડનો ચેક અપાયો હતો.
● ઓમ ક્રીમેટોરિયમ, અનુપમ મિશન, વેસ્ટ ડ્રેટનને 50,000 પાઉન્ડ (પ્રથમ હપ્તો)નું નોંધપાત્ર દાન આપવામાં આવ્યું હતું .
સમાજ દ્વારા હિન્દુ ઓમ ક્રીમેટોરિયમ, અનુપમ મિશન, વેસ્ટ ડ્રેટનને 109,000 પાઉન્ડના ગણનાપાત્ર દાનની બાહેંધરી આપવામાં આવી હતી.
સમાજ દ્વારા વધુ યોગદાનો આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જેમાં નીચે મુજબ કુલ તાજેતરના અને પડતર ડોનેશન્સનો સમાવેશ થાય છેઃ
● 50,000 પાઉન્ડનો પ્રથમ હપ્તો ઓમ ક્રીમેટોરિયમને આપવામાં આવ્યો છે.
● 59,000 પાઉન્ડનો બીજો હપ્તો ઓમ ક્રીમેટોરિયમને આપવાનો પડતર છે.
શ્રી કડવા પાટીદાર સમાજ વિવિધ કાર્યક્રમો માટે શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડીને અને સખાવતી કાર્યો માટે નોંધપાત્ર યોગદાનો આપીને કોમ્યુનિટીની સેવા કરવામાં ગૌરવ અનુભવે છે. મા ઉમિયાજી આગામી ઘણા વર્ષોમાં માનવસમાજની સેવા કરવાના અમારા પ્રયાસોને માર્ગદર્શન પુરું પાડતાં રહે તેવી પ્રાર્થના છે. સમાજ આપણી સંસ્કૃતિ અને સમૃદ્ધ વીરાસતનું જતન કરવા આપણી ભાવિ પેઢીઓ માટે વધુ કરવાનો નિર્ધાર ધરાવે છે.


