લંડનઃ શ્રી પ્રજાપતિ એસોસિયેશન યુકે (SPA UK) દ્વારા રવિવાર 27 એપ્રિલ 2025ના રોજ બર્મિંગહામમાં રાધા સ્વામી રસિલા સત્સંગ સેન્ટર ખાતે 45મુ મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. સમુદાય, સંસ્કૃતિ અને નારી શક્તિના આ સીમાચિહ્ન સમાન આનંદસભર ઈવેન્ટમાં યુકેની 14 SPA શાખાઓ તેમજ વિદેશથી પણ 700થી વધુ મહિલાઓએ હાજરી આપી હતી. આ વર્ષે પણ 16 વર્ષથી નાની વયની બાળાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તે પ્રોત્સાહક બાબત હતી.
SPA કોવેન્ટ્રીમાંથી મહિલા કન્વીનર અરૂણાબહેન મિસ્ત્રી અને મહિલા સેક્રેટરી પારુલબહેન મિસ્ત્રીએ સહુનું સ્વાગત કર્યા પછી સમૂહ આરતી અને હૃદયસ્પર્શી પ્રાર્થના (‘સુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુ....’) થકી આધ્યાત્મિક વાતાવરણ રચાયું હતું. બર્મિંગહામ શાખાની મહિલાઓ દ્વારા સ્વાગત ગીત (‘આવો મોંઘેરા મહેમાન કરીએ અંતરથી સન્માન’) રજૂ કરાયું હતું જેમાં અનિતાબહેન એમ મિસ્ત્રી, સુશીલાબહેન મિસ્ત્રી, નયનાબહેન એન મિસ્ત્રી, સુમિબહેન એન મિસ્ત્રી, કીર્તિબહેન પી મિસ્ત્રી, હંસાબહેન બી મિસ્ત્રી, પ્રિશાબહેન જે લાડ અને અનિશાબહેન જે લાડ સહિતના પ્રતિભાશાળી ગ્રૂપે પરફોર્મન્સ આપ્યું હતું.
SPA બર્મિંગહામના પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ જી મિસ્ત્રી અને SPA UK ના પ્રેસિડેન્ટ જસુબહેન મિસ્ત્રીએ સ્વાગત સંબોધનો કર્યાં હતાં. જસુબહેન મિસ્ત્રીએ જુલાઈ મહિનામાં યોજાનારી SPA UKની આગામી 50મી વર્ષગાંઠની ઊજવણી નિમિત્તે સહુને આમંત્રણ પાઠવ્યું હતું.
બર્મિંગહામના દેશનાબહેન કે અને હિમાની આર મિસ્ત્રીએ ડાન્સ પરફોર્મન્સીસથી ઓડિયન્સને મંત્રમુગ્ધ કર્યું હતું. આ પછી, નોટિંગહામ યુનિવર્સિટી હોસ્પિટલ ટ્રસ્ટમાં માઈક્રોબાયોલોજિસ્ટ ભાવિનભાઈ એચ મિસ્ત્રીએ ‘ફૂડ એલર્જીસ એન્ડ ઈનટોલરન્સીસ ઈન ઈન્ડિયન કોમ્યુનિટી’ વિશે સંબોધનમાં ફૂડ એલર્જી વિરુદ્ધ ફૂડ ઈનટોલરન્સીસ વચ્ચેના તફાવતો, સામાન્ય કારણો તેમજ દરેકનો સામનો કેવી રીતે કરવી તેની રસપ્રદ માહિતી આપી હતી. આ સેશનથી મહિલાઓને તેમના પરિવારો અને કોમ્યુનિટીઓમાં આરોગ્યના મહત્ત્વપૂર્ણ વિષયો સંબંધિત જાણકારી પ્રાપ્ત થઈ હતી.
લેસ્ટર શાખાના ભૂમિકાબહેન મિસ્ત્રી, નિકિતાબહેન પ્રજાપતિ, કિંજલબહેન પ્રજાપતિ, જેની પ્રજાપતિ અને મીરાબહેન પ્રજાપતિ દ્વારા સમૂહનૃત્ય રજૂ કરાયું હતું. આ પછી, વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ હતી જેમાં આગામી વર્ષે 46મા મહિલા સંમેલનની યજમાની SPA બોલ્ટન શાખા કરશે તેમ જાહેર કરાયું હતું.
મહિલાઓએ સ્વાદિષ્ટ ભોજનને માણવા સાથે વાતચીતો અને હળવાશપૂર્ણ સમય વીતાવ્યો હતો. આ પછી, ઈવેન્ટના સ્થળે બજાર ભરાયું હતું. રમાબહેન મિસ્ત્રી, રેખાબહેન સોલંકી, દક્ષાબહેન એમ મિસ્ત્રી, સંગીતાબહેન કારીઆ, ઉષાબહેન એચ મિસ્ત્રી, અરૂણાબહેન કે લાડ, રંજનાબહેન એમ. મિસ્ત્રી, જસુબહેન સી મિસ્ત્રી, નલિનીબહેન મિસ્ત્રી અને નિરૂબહેન પી મિસ્ત્રી સાથેની લંડન શાખાએ મનમોહક સાડીઓ અને પરંપરાગત વસ્ત્રો સાથેના ગ્લેમરસ ફેશન શો થકી મેદાન મારી લીધું હતું. ભારતીય વસ્ત્રો, રેશમી અને બાંધણી દુપટ્ટાઓ, હાથબનાવટની જ્વેલરી, ગ્રીટિંગ કાર્ડ્સ, કલામય મહેંદી તેમજ અસંખ્ય ચીજવસ્તુઓ સાથેના સ્ટોલ્સે ભારે રસ જમાવ્યો હતો.
આ પછી, ગરબાની ધૂન સાંભળતાં જ તમામ વયજૂથની મહિલાઓ ડાન્સ ફ્લોર પર આવી ગઈ હતી અને વાતાવરણમાં રસભરી રંગત જામી હતી. રેફલ ડ્રો તેમજ ભારતીય અને બ્રિટિશ રાષ્ટ્રગીતો વગાડાયા પછી સહુએ એકતા, આનંદ અને સાંસ્કૃતિક ગૌરવની અનુભૂતિ સાથે યાદગાર સમારંભમાંથી વિદાય લીધી હતી.