લેસ્ટરઃ શ્રી પ્રજાપતિ એસોસિયેશન (યુકે) (SPA (UK)) દ્વારા જુલાઈ મહિનામાં પેઢીઓ વચ્ચે એકતા, સાંસ્કૃતિક વિરાસત અને સામુદાયિક સેવાના 50 વર્ષની ભવ્ય ઊજવણી ‘ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય’ની થીમ સાથે ગૌરવપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશવિદેશમાંથી આશરે 1,000 જેટલા સભ્યો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
SPA (UK)ના આસિસ્ટન્ટ સેક્રેટરી દીપકભાઈ મિસ્ત્રીએ મહેમાનોનું સ્વાગત કર્યા પછી લેસ્ટર શાખાના સેક્રેટરી કલ્પનાબહેન મિસ્ત્રી અને પૂર્વ પ્રેસિડેન્ટ જસુબહેન મિસ્ત્રીએ ટુંકા સંબોધનો કર્યાં હતાં. લેસ્ટર શાખા દ્વારા સ્વાગત ગીત પરફોર્મન્સ રજૂ કરાયું હતું. ગોલ્ડન જ્યુબિલી ઊજવણીમાં લોર્ડ લેફ્ટનન્ટ ઓફ લેસ્ટરશાયર માઈકલ કપૂર OBE CStJ, પેરાલિમ્પિયન અને વિમ્બલ્ડન વ્હીલચેર મેન્સ ડબલ ચેમ્પિયન જયંતભાઈ મિસ્ત્રી, SPA (UK)ના 93 વર્ષીય સ્થાપક પ્રેસિડેન્ટ (1975) વસંતભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ટેમસાઈડ બ્રાન્ચ દ્વારા ભરતનાટ્યમ, શાસ્ત્રીય સંગીત અને બોલીવૂડ નૃત્યો અને યોગાસનોની પ્રસ્તુતિ કરાઈ હતી જ્યારે બ્રેડફર્ડ શાખા દ્વારા માઈગ્રેશન અને કોમ્યુનિટી નિર્માણની કથાઓ વર્ણવતું નાટ્ય પરફોર્મન્સ રજૂ કરાયું હતું. લેસ્ટર શાખા દ્વારા પરંપરાગત અને સમકાલીન નૃત્યોને વણી લઈ ગરબા અને રાસની રમઝટ જમાવાઈ હતી. કેક કાપવાના સમારંભમાં વર્તમાન પ્રેસિડેન્ટ પિયુષભાઈ મિસ્ત્રી (બર્મિંગહામ), સ્થાપક પ્રેસિડેન્ટ વસંતભાઈ મિસ્ત્રી (રુગ્બી), પ્રથમ મહિલા પ્રમુખ હંસાબહેન મિસ્ત્રી (બોલ્ટન), પૂર્વ પ્રમુખ જસુબહેન મિસ્ત્રી (લંડન) અને લેસ્ટરશાયરના લોર્ડ લેફ્ટનન્ટ જોડાયાં હતાં.
પ્રજાપતિ કોમ્યુનિટીના સભ્યો 1950થી 1970ના દાયકાઓમાં ઈસ્ટ આફ્રિકાથી સ્થળાંતર કરી યુકે આવ્યા હતા. પરંપરા, સંસ્કૃતિની જાળવણી અને લગ્નો સહિત સભ્યોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી 1974માં SPA (UK)ની સ્થાપના કરાઈ હતી અને આજે યુકેની ગુજરાતી કોમ્યુનિટીમાં સૌથી આદરપાત્ર અને ચેરિટેબલ સંસ્થાઓમાં એક તરીકે નામના ધરાવે છે. સંસ્થા દ્વારા મહિલા સંમેલનો, વરિષ્ઠોના સ્નેહમિલનો, યુથ સ્પોર્ટસ ડે અને સાંસ્કૃતિર ફંડરેઈઝર સહિત ઈવેન્ટ્સ યોજવામાં આવે છે.