શ્રી લોહાણા મહાપરિષદ લોહાણા સમુદાયની એકતા, તેની સમૃદ્ધ પરંપરાઓના જતન અને ભાવિ પેઢીઓને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ અને સમર્પિત વૈશ્વિક સાંસ્કૃતિક સંગઠન છે. વિવિધ ઈનિશિયેટિવ્ઝ અને ઈવેન્ટ્સ થકી આ સંસ્થા વિકાસ, તક અને સમૃદ્ધિને પોષણ આપવાની સાથોસાથ વીરાસતની ઊજવણી કરે છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા શ્રી લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ અને લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF)ના ચેરમેન સતીશભાઈ ડી. વિઠલાણી સાથે તેમની યાત્રા, LIBF પાછળના વિઝન અને ભાવિ માર્ગ વિશે વાતચીત કરવામાં આવી હતી.
સેવા અને પ્રતિબદ્ધતાની યાત્રા
સતીશભાઈ વિઠલાણીએ શ્રી લોહાણા મહાપરિષદ સાથે તેમના નાતા વિશે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીના શિખરના સમયગાળામાં 20 ડિસેમ્બર 2020ના રોજ તેઓ સંસ્થાના પ્રમુખપદે ચૂંટાયા હતા. તેમણે કહ્યું કે, ‘હું શિક્ષણ, હેલ્થકેર તથા સમુદાયને આવરી લેતાં અન્ય આવશ્યક ક્ષેત્રોના લગભગ 27 કેન્દ્રિત મુદ્દાના એજન્ડા સાથે આવ્યો હતો. મેં કોમ્યુનિટીના કલ્યાણ માટે મારો શત પ્રતિશત-100 ટકા સમય સમર્પિત કરવાનું વચન આપ્યું હતું. ગૌરવશાળી વીરાસત ધરાવતી શ્રી લોહાણા મહાપરિષદની સ્થાપના 1952માં થઈ હતી અને સતીશભાઈ આ સંસ્થાના 14મા પ્રેસિડેન્ટ છે. સતીશભાઈએ જણાવ્યું હતું કે, ‘અમારા પ્રથમ પ્રમુખ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા હતા અને પ્રથમ અધિવેશન 26 ડિસેમ્બર 1952માં આઝાદ મેદાન ખાતે યોજાયું હતું. છેક 1989થી મહાપરિષદ સાથે સક્રિયપણે સંકળાયેલા અને ત્રણ પૂર્વ પ્રમૂખો સાથે નિકટતાથી કામ કરનારા સતીશભાઈએ જણાવ્યું હતું કે, ‘મેં ઘણા લાંબા સમય પહેલા જ નક્કી કર્યું હતું કે હું મારા બિઝનેસ કમિટમેન્ટ્સને પૂર્ણ કર્યા પછી જ આવી ઉચ્ચ જવાબદારી હાથમાં લઈશ.’ કોમ્યુનિટીએ તેમનામાં મૂકેલા વિશ્વાસ માટે કૃતજ્ઞતા દર્શાવતા તેમણે ઉમેર્યું હતું કે તેઓ બીજી પાંચ વર્ષની મુદત માટે ફરી ચૂંટાયા છે અને સંસ્થાની સાતત્યપૂર્ણ નેતાગીરી અને સેવામાં તેમના 35થી વધુ વર્ષ વીત્યા છે.
લીડરશિપની ફીલોસોફી અને સંસ્થાકીય વિસ્તરણ
પોતાની નેતૃત્વ ફીલોસોફીની રૂપરેખા આપતા સતીશભાઈએ જણાવ્યું હતું કે, ‘સંસ્થાનો ‘સંન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સમૃદ્ધિ’નો સ્થાપના મંત્ર માર્ગદર્શન આપતો રહ્યો છે. અમારા પુરોગામીઓએ 1952માં જ આ વિઝન પ્રસ્થાપિત કર્યું હતું અને દરેક પેઢી તેની આગવી દૃષ્ટિ સાથે તેને આગળ વધારી રહી છે.’ તેમના કાર્યકાળમાં કોમ્યુનિકેશનની આધુનિકતા, તળિયાના સ્તરે મજબૂત સંપર્ક તેમજ સમકાલીન જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા સંસ્થાને નવો ઘાટ આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમની નેતાગીરી હેઠળ શ્રી લોહાણા મહાપરિષદેનું ભારતમાં સાતમાંથી હવે 15 ઝોન તથા પ્રાદેશિક સબડિવિઝન્સમાં વિસ્તરણ–કરાયું છે. વિદેશમાં સંસ્થાનો વિકાસ ચારમાંથી 10 ઝોનમાં થયો છે. વિશ્વમાં કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા અને બાકીના આફ્રિકા GCC, યુકે અને યુરોપ, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને ફાર ઈસ્ટ સહિત 25 ગ્લોબલ ઝોન્સમાં કામગીરી ચાલી રહી છે.
સતીશભાઈએ સમજાવ્યું હતું કે વિચાર તદ્દન સરળ છે. વિશ્વમાં કોઈ પણ સ્થળે નાના ટાઉનમાં એક લોહાણા સભ્ય રહેતો હોય તો આપણે તેમની પાસે પહોંચવા સમર્થ હોવા જોઈએ. આજે મહાપરિષદ 27 સમર્પિત કમિટીઓ થકી કામ કરે છે તેમજ એજ્યુકેશન, હેલ્થકેર, મેટ્રીમોનીઅલ સર્વિસીસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, લીગલ પ્રોફેશનલ્સ અને ડોક્ટર્સ જેવા પ્રોફેશનલ ફોરમ્સ, મહિલા શાખા, યુવાશાખા, સ્પોર્ટ્સ, રાજકીય સંપર્ક અને સરકારી કર્મચારીઓ સહિત અન્ય ક્ષેત્રોને આવરી લે છે. જેનાથી, તમામ પેઢીઓ અને ભૌગોલિક વિસ્તારોમાં કોમ્યુનિટીને સમગ્રતયા સપોર્ટની ચોકસાઈ થઈ શકે છે. આ LIBF અમારું સૌથી મોટું અને સૌથી મહત્ત્વાકાંક્ષી ફોરમ બની રહેશે.’
સતીશભાઈએ લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વિશે વાત કરતા જણાવ્યું હતું કે આના લોન્ચિંગ પાછળ વિશ્વભરમાં યુવા સંપર્ક અને લોહાણા બિઝનેસ પરસન્સને સાંકળવાનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો. ‘અમને સમજાયું હતું કે યુવાઓ સૌથી વધુ બિઝનેસ, તક અને એન્ટ્રેપ્રીન્યોરશિપ મારફત મજબૂતપણે જોડાય છે.
તેમણે LIBFની યાત્રા સંદર્ભે 2023માં યુગાન્ડામાં ઉદ્ઘાટકીય એડિશનને યાદ કરતા કહ્યું હતું કે ત્યાં 22 દેશમાંથી લગભગ 900 પાર્ટિસિપેન્ટ્સ આવ્યા હતા, આ પછી 2024માં ગાંધીનગર ખાતે આશરે 12,000 અને 2025માં દુબઈ ખાતે 750થી વધુ પાર્ટિસિપેન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા. દરેક એડિશન સાથે અમારાં વૈશ્વિક જોડાણ અને વિશ્વાસ વધુ મજબૂત બનતાં રહ્યાં છે.’
ચોથો LIBF એક્સપો મુંબઈના જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે અને 1.7 લાખ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો હશે. સતીશભાઈએ જણાવ્યું હતું કે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી, RSS ના વડા મોહન ભાગવતજી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પિયુષ ગોયેલ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ અને્ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત રાષ્ટ્રીય અને આધ્યાત્મિક અગ્રણીઓને આમંત્રણો પાઠવી દેવાયા છે.
ઉપસ્થિત રહેનારા બિઝનેસ અગ્રણીઓમાં ઉદયભાઈ કોટક, મયૂરભાઈ માધવાણી, ડો. સુધીરભાઈ રુપારેલીઆ, ચેતનભાઈ ચગ, પરિમલ નથવાણી, રસિકભાઈ કંટારીઆ, યોગેશ માણેક, પ્રદીપભાઈ ધામેચા, રશ્મિભાઈ અને સતીશભાઈ ચટવાણી, બિમલભાઈ કંટારીઆ, કિશોરભાઈ જોબનપુત્રા, સુરુભાઈ માણેક, કૌશિકભાઈ માણેક તેમજ ભારત અને સમગ્ર વિશ્વના લોહાણા ડાયસ્પોરામાંથી અન્ય અગ્રણી એન્ટ્રેપ્રીન્યોર્સ સહિતનો સમાવેશ થાય છે. સતીશભાઈએ જણાવ્યું હતું કે,‘ આ અમારો સૌથી મોટો, વ્યાપક અને સૌથી મહત્ત્વાકાંક્ષી LIBF બની રહેશે, જેમાં બિઝનેસ લીડર્સ, યુવાનો અને ગ્લોબલ લોહાણા કોમ્યુનિટી એક જ પ્લેટફોર્મ પર એકત્ર થશે.’
LIBF એક્સપો 2026: હેતુ સાથે બિઝનેસ
આ વર્ષે 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 સુધી ચાલનારા LIBF એક્સપો 2026માં બિઝનેસ, નેટવર્કિંગ અને વૈશ્વિક સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરાશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ‘આ પ્રદર્શન સૌપ્રથમ બિઝનેસ વિશે છે. 200થી વધુ સ્ટોલ્સ ભારત અને વિદેશના ડેલિગેટ્સની સાથોસાથ મુખ્યત્વે લોહાણા એન્ટ્રેપ્રીન્યોર્સને પ્રદર્શિત કરશે તેમજ ભારત, આફ્રિકા, યુકે, યુએસએ અને અન્ય વિશ્વબજારોમાં પાર્ટનરશિપ્સ અને સંયુક્ત સાહસો માટેની તક સર્જશે.’ તેમણે સમજાવ્યું હતું કે LIBF શ્રી લોહાણા મહાપરિષદના નેજા હેઠળ કાર્ય કરે છે અને તેની કોમર્શિયલ પ્રવૃત્તિઓ બિનનફાકારી કંપની હસ્તક છે જેના ડાયરેક્ટર્સ વિશ્વભરમાંથી લેવાયા છે.
સતીશભાઈએ જણાવ્યું હતું કે, બિઝનેસ ઉપરાંત, એક્સપો જોબ્સ પોર્ટલ, મેન્ટરિંગ પ્રોગ્રામ્સ અને ઈન્વેસ્ટર ઈન્ટરએક્શન્ાસ થકી રોજગાર-નોકરી સર્જન, યુથ એંગેજમેન્ટ, અને સ્ટાર્ટ અપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઈવેન્ટમાં 20 સેક્ટર આધારિત કન્વેન્શન્સ, એવોર્ડ નાઈટ્સ, સમર્પિત યુવા નાઈટ તેમજ મધ્યસ્થ મહાસમિતિની બેઠકો પણ યોજાશે જેના થકી તે સુગ્રથિત ત્રિદિવસીય વૈશ્વિક મેળાવડો બની રહેશે.
આગામી દસકા માટેની કલ્પના
ભવિષ્ય તરફ નજર કરતા સતીશભાઈએ જણાવ્યું હતું કે, આગામી દાયકામાં મહાપરિષદનું પ્રાથમિક ફોક્સ યુવા સશક્તિકરણ, એજ્યુકેશન અને ગ્લોબલ કનેક્ટિવિટી પર રહેશે. તેમણે જણાવ્યું કે, ‘આગામી દશ વર્ષમાં અમારું પ્રથમ લક્ષ્ય યુવાવર્ગને એકસાથે લાવવા્નું રહેશે.’LIBF ઈવેન્ટ્સ દ્વારા એકત્રિત વધારાનું ભંડોળ ભારત અને વિદેશમાં એજ્યુકેશન અને હેલ્થકેર ઈનિશિયેટિવ્ઝ પાછળ ઉપયોગમાં લેવાશે. તેમણે ઉમેર્યું હતું કે, ‘અમારું લક્ષ્ય સ્પષ્ટ છે-ફંડના અભાવે કોઈ પણ લોહાણા વિદ્યાર્થીને ડ્રોપ આઉટ થવાની ફરજ ન પડે. અમારું લક્ષ્ય 100 ટકા સાક્ષરતાનું રહેશે.’
આ વિઝનનો ચાવીરૂપ સ્તંભ વૈશ્વિક લોહાણા કોમ્યુનિટીના મેપિંગ માટેનું ડિજિટલ પ્લેટફોર્મ ‘લોહાણા કનેક્ટ’ બની રહેશે. તેમણે કહ્યું હતું કે, ‘મૂળ વિચાર આપણે કોણ છીએ, આપણે ક્યાં છીએ અને વિશ્વભરમાં આપણે શું કરી રહ્યા છીએ તે જાણવાનો છે.’ આ પ્લેટફોર્મ વિશ્વભરમાં SOS સપોર્ટ, પ્રોફેશનલ નેટવર્કિંગ અને કોમ્યુનિટી સહાયને શક્ય બનાવશે.’ તેમણે કેન્દ્રીય સ્તરે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વાર્ષિક સનામનના ઈનિશિયેટિવ ગ્લોબલ સરસ્વતી સન્માન જેવા ઈનિશિયેટિવ્ઝ વિશે પણ પ્રકાશ પાથર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ‘અમારું લક્ષ્ય શ્રી લોહાણા મહાપરિષદને સ્વનિર્ભર બનાવવાનું છે. લોહાણા કનેક્ટ જેવાં પ્લેટફોર્મ્સ થકી અમે કોમ્યુનિકેશન, ઈવેન્ટ્સ અને આઉટરીચ એક જ છત હેઠળ લાવવા માગીએ છીએ અને સંસ્થા આગામી પેઢીઓ સુધી મજબૂત અને સ્વનિર્ભર બની રહે તેની ચોકસાઈ રાખવા ઈચ્છીએ છીએ.’
(*LIBF એક્સપો 2026 વિશે વધુ વિગતો પાન નંબર 05 પરથી જાણી શકાશે.)


