શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે 13મા પાટોત્સવની ઉજવણી

Wednesday 12th August 2026 07:45 EDT
 
 

લંડનઃ સ્ટેનમોર, લંડનસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે 13મા પાટોત્સવની ધામધૂમ અને ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 200થી વધુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીમાં ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના પૂજન-અર્ચન તેમજ પંચામૃત અને સુગંધિત પુષ્પો વડે પવિત્ર અભિષેક કરવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણની ભવ્ય શોભાયાત્રામાં ભાવિકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજીની પ્રેરણા અને માર્ગદર્શન થકી સ્થાપિત મંદિરમાં આ પ્રસંગે શ્રેણીબદ્ધ પરંપરાગત સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ધાર્મિક વિધિઓ અને સમારંભ ભારતના અમદાવાદથી ખાસ પધારેલા સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીના હસ્તે કરાયા હતા. આ ધાર્મિક વિધિઓ પછી સ્વામીજીઓએ ચારિત્ર્યનિર્માણ, સમર્પણ, પારિવારિક મૂલ્યો અને સામુદાયિક એકતા પર કેન્દ્રિત આધ્યાત્મિક કથામૃતનું રસપાન કરાવ્યું હતું.

સાધુ પ્રેમવત્સલદાસજીએ લંડન જેવા ઝડપી ગતિશીલ વૈશ્વિક શહેરોમાં મંદિરોના મહત્ત્વને સમજાવતા મૂલ્યોના જતન અને આધ્યાત્મિક કલ્યાણમાં મંદિરોની ભૂમિકાના ઉદાહરણો પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે,‘દરેક ઘરમાં ખોરાકને બગડી જતો અટકાવવા રેફ્રિજરેટર હોવું આવશ્યક છે તેવી જ રીતે આધુનિક યુગમાં માનવના મન, ચારિત્ર્ય અને સાચા મૂલ્યોના રક્ષણ અને જતન માટે સમાજમાં મંદિર હોવાં અનિવાર્ય છે.’ તેમણે અન્ય ઉદાહરણ આપતા કહ્યું હતું કે,‘ વ્યક્તિએ અન્ય દેશમાં પ્રવેશ મેળવવા માટે તે દેશની એમ્બેસીમાંથી ‘વિઝા’ લેવા પડે છે તે જ રીતે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય અક્ષરધામ (મોક્ષ)માં પ્રવેશ મેળવવા મંદિરની ભૂમિકા પૃથ્વી પરની દિવ્ય વિઝા ઓફિસ જેવી છે. તેમણે મંદિરો દ્વારા યોજવામાં આવતી સાપ્તાહિક રવિસભાનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આવી ધર્મસભાથી પરિવારોમાં પ્રેમ પાંગરે છે, બંધુત્વ અને સંવાદિતા મજબૂત થાય છે તેમજ યુવાનોને દુર્ગુણોથી દૂર રહેવા પ્રોત્સાહિત કરે છે, માનસિક શાંતિ અને સેવાની ભાવના કેળવાય છે. શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ મંદિરોની ભૂમિકાને ‘સંસ્કારપીઠ’ તરીકે ગણાવતા કહ્યું હતું કે તેઓ યુકેમાં ઉછરી રહેલી યુવા પેઢીઓને તેમની ભાષા, સાંસ્કૃતિક વિરાસત અને નૈતિક આધારો સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે.

મંદિરના સેક્રેટરી અને ટ્રસ્ટી જાધવજીભાઈ નારણભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે મંદિર દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ વીકએન્ડમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં યુવાનો દ્વારા ભાગ લેવાને પ્રોત્સાહન અપાય છે. તેમણે યુકેમાં જન્મેલી અને ઉછરેલી યુવા પેઢી તેમના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળિયા સાથે જોડાયેલી રહે તેમાં મંદિરોની ભૂમિકાને ભારપૂર્વક સ્પષ્ટ કરવા સાથે કહ્યું હતું કે, ‘અમે યુવાનો દ્વારા સક્રિય ભાગ લેવાય તે માટે સતત પ્રયાસશીલ રહીએ છીએ.’ મંદિરની કમિટીના સભ્ય નીલાબહેન વરસાણીએ પણ આ લાગણીનો પડઘો પાડતાં જણાવ્યું હતું કે, ‘આ પ્રકારના કાર્યક્રમો આપણું મૂળ ક્યાં છે તે સમજવામાં મદદ કરે છે. યુવાન પેઢીઓ માટે આ સમજી શકવાનું અને તેની સાથે જોડાઈ રહેવાનું ખાસ મહત્ત્વનું છે.’

પાટોત્સવ ઉજવણીમાં વિશિષ્ટ મહેમાન તરીકે ABPL ગ્રૂપના ચેરમેન અને સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કુમકુમ મંદિર વતી તેમનું શાલ ઓઢાવી, પુષ્પહાર સાથે પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમના દ્વારા કોમ્યુનિટીને દીર્ઘકાલીન યોગદાનને બિરદાવી પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રી મંથનની ભેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ સી.બી. પટેલને મીડિયાના ‘ભીષ્મ પિતામહ’ ગણાવી યુકે અને યુરોપમાં ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને ગુજરાતી ભાષાના જતનમાં દાયકાઓ લાંબા યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘સી.બી. પટેલ 50 કરતાં વધુ વર્ષોથી યુકે અને યુરોપમાં ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને ગુજરાતી ભાષાને જીવંત રાખવાના મહાકાર્ય-ઉમદા મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમની વિનમ્રતા, ડહાપણ અને સ્વામિનારાયણ સંપ્રદાય અને કુમકુમ મંદિરના સામાજિક અને આધ્યાત્મક ઈનિશિયેટિવ્ઝના પ્રસારને સતત સમર્થન પ્રેરણાદાયી રહ્યા છે.

સી.બી. પટેલે સન્માન પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરતા સી.બી. પટેલે સ્વામિનારાયણ સંપ્રદાય આંદોલનના વૈશ્વિક યોગદાનને હાઈલાઈટ કરી જણાવ્યું હતું કે વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્તમ પ્રદાન રહ્યું છે. લંડનમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના 16થી વધુ મંદિર છે, જેમનું કાર્ય ચારિત્ર્યના ઘડતર અને સમાજના કલ્યાણ-ઊત્થાન પર કેન્દ્રિત રહે છે. તેમણે કહ્યું હતું કે, ‘ગત 10 વર્ષથી ગુજરાત સમાચારના વાર્ષિક દીવાળી વિશેષાંકમાં સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા અગ્રલેખ લખવામાં આવે છે, જે હજારો વાચકોને પ્રેરણા પુરી પાડે છે. કુમકુમ મંદિરની મુલાકાત અને ભગવાન સ્વામિનારાયણ અને સંતોના આશીર્વાદ મેળવવા તે હંમેશાંથી મને દિવ્ય આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરતા રહ્યા છે.’

કુમકુમ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે ભક્તજનોએ અંગત વિકાસ, પારિવારિક સંવાદિતા અને સમાજની સેવા અને ઉત્કર્ષ માટે સામૂહિક સંકલ્પ લીધો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ આનંદપૂર્ણ ઉજવણી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter