સંગત સેન્ટરની વોર્મ બેન્કમાં જરૂરીયાતમંદો માટે હૂંફ સાથે ગરમ સ્થળ, ભોજન ઉપલબ્ધ

Wednesday 30th November 2022 05:29 EST
 
 

લંડન: કોરોના મહામારી બાદ કેટલાક અને વિશેષ કરીને વૃદ્ધ લોકો મોંઘવારી, એકલતા, તણાવ, બેચેની અને હતાશાના સતત હુમલાનો સામનો કરી રહ્યાં છે. આ શિયાળામાં હેરો સ્થિત સંગત સેન્ટરે એશિયન તેમજ અન્ય લઘુમતી સમુદાયોના જરૂરીયાતમંદ લોકો માટે એક અલગ પ્રકારની સેવા અંતર્ગત વોર્મ બેન્કનો પ્રારંભ કરાયો છે. આ સેવા પાછળનો મુખ્ય ધ્યેય આ શિયાળામાં લોકોને ગરમાટો અને હૂંફ સાથે સહકાર અને પ્રોત્સાહન આપવાનો છે.
સંગત સેન્ટર ખાતે દિવસની શરૂઆત ગરમ જગ્યામાં ચા-કોફી સાથે થાય છે અને સાંજે ગરમ ભોજન સાથે તેનો અંત આવે છે. સંગત સેન્ટર સવારના 10થી સાંજના 4 કલાક સુધી દરરોજ ગરમ સ્થળની સાથે ભોજન ઉપલબ્ધ કરાવે છે. સંગત સેન્ટરના સીઇઓ શ્રી કાન્તિભાઇ નાગડા એમબીઇ અને તેમની ટીમ દ્વારા સહકાર, સલાહ અને પ્રોત્સાહનની હૂંફ પ્રાપ્ત થાય છે.
સંગત સેન્ટર ખાતે વોર્મ બેન્કનો પ્રારંભ ગયા સોમવારથી કરાયો અને પહેલા જ સપ્તાહમાં 22 વ્યક્તિએ આ સેવાનો લાભ લીધો હતો. જાણીતા ગાયક રાજ ગંભીર બુધવારે વિશેષ હાજર રહ્યા હતા અને બોલિવૂડના યાદગાર સંભારણા સમાન ભૂલે બિસરે ગીત રજૂ કર્યાં હતાં. આ ગીતોએ હાજર રહેલા તમામ લોકોને તણાવ અને ચિંતા વિનાના અન્ય વિશ્વની યાત્રા કરાવી હતી.
સંગત સલાહ કેન્દ્ર સેનક્રોફ્ટ રોડ, હેરો એચએ3 7એનએસ ખાતે આવેલું છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના અસરગ્રસ્તોને સહાય કરવા સંગત સેન્ટરે તેના દરવાજા ખુલ્લા મૂક્યાં છે અને આ શિયાળામાં આસપાસમાં રહેલા ગરીબો અને નિઃસહાય લોકોને ગરમ સ્થળ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. સેન્ટર સલાહ આપવાની સાથેસાથે લોકોને સીધી સહાય પણ કરે છે. સેન્ટર સલાહ અને હિમાયત દ્વારા લોકોને હોમલેસ થતાં બચવામાં મદદ કરે છે. ગરમ ભોજન અને ડ્રિંક્સ ઉપરાંત અહીં લોકો વિનામૂલ્યે આઇપેડનો ઉપયોગ કરી શકે છે. સેન્ટર ખાતે વિકલાંગ લોકો માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે.
સંગત એડવાઇઝ સેન્ટર,
સેનક્રોફ્ટ રોડ, હેરો HA3 7NS
ટેલિફોન : 020 8427 0659


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter