પોરબંદરઃ સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂ. ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાના સાંનિધ્યમાં શારદીય નવરાત્રિ અંતર્ગત 45મા શ્રી રામચરિત માનસ અનુષ્ઠાન દરમિયાન શ્રીરામ જન્મોત્સવની ઉત્સાહ સાથે ઉજવણી કરાઇ હતી. સાંદીપનિમાં શારદીય નવરાત્રિ મહોત્સવ અંતર્ગત પૂજ્ય ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા સાંદીપનિ યજ્ઞશાળામાં કુમારિકા પૂજન, પોથીપૂજા તેમજ ભાઈશ્રીના પૂજન સાથે બીજા દિવસના અનુષ્ઠાનનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂ. ભાઈશ્રીએ જણાવ્યું કે ગૌસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં કહ્યું છે તે મુજબ શ્રદ્ધા હોય અને સંતોનો સંગ હોય તો જ શ્રીરઘુનાથજીના ચરણોમાં અનુરાગ થાય છે. શ્રી રામચરિત માનસની ત્રણ શર્તો છે જેવી કે વાંચન, શ્રવણ અને સમજણની. આ ત્રણેયની પૂર્તિ સંતોના કૃપાપ્રસાદથી શક્ય બને છે. ભાઈશ્રીએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે મને કોઈ પૂછે આટલા વર્ષોની યાત્રામાં તમને શું પ્રાપ્ત થયું? તો હું કહું કે મને સંતોનો પ્રેમ ખુબ મળ્યો છે. એ જ મોટી સંપત્તિ અને ઉપલબ્ધિ છે.
શ્રી રામ ચરિતમાનસ પાઠ અનુષ્ઠાનની સાથે શ્રી હરિ મંદિરમાં શારદીય નવરાત્રિ નિમિત્તે પ્રતિદિન કરુણામયી માંની ષોડશોપચારની પૂજા સાથે ખુબ જ વિશાળ સંખ્યામાં સાંદીપનિના ઋષિકુમારો દ્વારા શ્રીદુર્ગા સપ્તશતી પાઠનું અનુષ્ઠાન કરાઇ રહ્યું છે.


