લંડનઃ સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે ઈન્ટરનેશનલ ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દોઢ કલાકના આ કાર્યક્રમમાં ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનની ઊજવણી કરતા નૃત્ય, ઉપદેશ અને નાટ્ય પરફોર્મન્સીસનો સમાવેશ થયો હતો.
નેહરુ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ કુમારના સંબોધન સાથે સાંસ્કૃતિક ઊંડાણની સાંજનો આરંભ થયો હતો.નૃત્યકારો રોજા એરુકુલ્લા અને ડો. શ્રીરેખા પિલ્લાઈએ કુરુક્ષેત્ર અને વિશ્વરૂપમના પરફોર્મન્સીસ સાથે કુરુક્ષેત્રના રણમેદાનને જીવંત બનાવ્યું હતું. જ્યારે લક્ષ્મી આવીન, મંજુ સુનિલ અને રાગસુધા વિન્જામુરિની નૃત્ય પ્રસ્તુતિએ ગીતાના 18 અધ્યાયના સત્વને ઝીલી લીધું હતું. ઓડિયન્સે સુશીલ રાપ્ટાવર દ્વારા યુયુત્સુની એકોક્તિને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી હતી.
વર્તમાનમાં ગીતાજીની સુસંગતતા વિશે ઊંડા–પૂર્વકની ચર્ચામાં મેજર મુનિશ ચૌહાણે પ્રાદેશિક એકતાની વાત કરી હતી, જ્યારે લેખક રિતેશ નિગમે માનસિક સ્વાસ્થ્યની ચર્ચા કરી હતી. બ્રહ્મ બોધિએ સમગ્ર બ્રહ્માંડનું સ્વરૂપ દિવ્ય નૃત્ય સમાન હોવા વિશે ચિંતન કર્યું હતું. ડો. લતા ગોવડાએ વિષ્ણુ સહસ્રનામના મહત્ત્વ વિશે જણાવ્યું હતું . મંજુ સુનિલના સમૃદ્ધ સાંસ્કૃતિક તાણાવાણા દ્વારા કર્ણની પીડા સંદર્ભે મોહિનીઅટ્ટમની હૃદયસ્પર્શી રજૂઆત કરાઈ હતી.રાગસુધા વિન્જામુરિએ તમામ સંસ્કૃતિઓના સંદર્ભે ગીતાજીની શાશ્વત અસર વિશે મર્મસ્પર્શી ચિંતન રજૂ કર્યું હતું.
વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિ સાથેના કાર્યક્રમે ભારે પ્રસંશા હાંસલ કરી હતી અને ઉપસ્થિતોએ વિદ્વતા, કળાકૌશલ્ય અને ઊંડી આધ્યાત્મિક સમજના સમન્વયને વધાવ્યો હતો. ડો. સ્નેહલતાએ જણાવ્યું હતું કે, ‘ભગવદ્ ગીતાના વિચારને કેન્દ્રમાં રાખી સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી. નૃત્યકારોની ભાવભંગિમા, અભુવ્યક્તિ તેમજ યુયુત્સુના પરફોર્મન્સમાં અદ્ભૂત વક્તૃત્વકળા જોવા મળી છે. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ ધરોહરને જાળવી રાખવા અને પ્રસારવા બદલ સંસ્કૃતિ સેન્ટરને સલામી આપવી જોઈએ.’


