લંડનઃ અનુપમ મિશનની તપોભૂમિ ઇંગ્લેન્ડ ખાતે સંત ભગવંત સાહેબજી સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં સોમવારે કોઈમ્બતુર સ્થિત ઈશા ફાઉન્ડેશનના વિશ્વપ્રસિદ્ધ સદ્ગુરુ પ.પૂ. વાસુદેવ જગ્ગી પધાર્યા હતા. યુવતી મંડળ દ્વારા તેમને સ્વાગત નૃત્ય દ્વારા આવકારવામાં આવ્યા હતા.
પોતાના ઉદ્બોધનમાં શ્રી વાસુદેવજીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે હું મંદિરોમાં જતો નથી, પરંતુ અહીં સાહેબદાદાના પ્રેમના કારણે આવ્યો છું. અહીં મને મારા ઘરે આવ્યો હોઉં તેવી અનુભૂતિ થાય છે. ખૂબ ઉત્સાહ અને આનંદમય વાતાવરણ છે. લગભગ એક કલાક તેમણે હરીભક્તોના પ્રશ્નોત્તર અને ગોષ્ઠિ દ્વારા પોતાના આશીર્વાદ વરસાવ્યા હતા.
સંત ભગવંત સાહેબજીએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે આપ સ્વખંડ આનંદનું સ્વરૂપ છો. ભક્તોને હંમેશાં આનંદપૂર્વક હસાવીને સાધનાની ગંભીર વાતો સહજમાં કરી દો છો તે આપની બ્રાહ્મી સ્થિતિ છે. બ્રહ્મસ્વરૂપ યોગીબાપા આવા આનંદની મૂર્તિ હતા. આજે આપ અહીં પધાર્યા સૌ ભક્તોને આશીર્વાદ આપ્યા એ માટે આપને વંદન છે.
બ્રિટનવાસી ભારતીયો જાણે છે તે પ્રમાણે અનુપમ મિશનની તપોભૂમિ ઉપર યુરોપના પ્રથમ ઓમ ક્રિમેટોરિયમના નિર્માણમાં આરંભ થઈ રહ્યો છે તે સમયે શ્રી વાસુદેવ પધાર્યા હોવાથી આ સ્થાન ઉપર સર્વે ભક્તો સાથે પધારી મંત્રોચ્ચાર સાથે પુષ્પવૃષ્ટિ કરી આશીષ વર્ષા કરી હતી.
આ પ્રસંગે યોજાયેલી સભામાં સતિષભાઈ ચતવાણીએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. જ્યારે ભાવિશાબહેને પરિચય સભાના સંચાલન અને અનુવાદની સુંદર સેવા બજાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું ડીજીટલ માધ્યમ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડમાં રહેતા જગ્ગી વાસુદેવના ભક્ત દિનેશભાઈ અને તાનીબહેનના સહયોગથી આ કાર્યક્રમ ગોઠવાયો હતો. હિંમત સ્વામી, વિનુભાઈ, વિજયભાઈ, મુની, અનિલભાઈ અને ટ્રસ્ટીઓએ તેમનું અભિવાદન કરી ભેટ અર્પણ કરી હતી.