સનાતન ધર્મના મૂલ્યો અને માનવજીવનની સાર્થકતા

પૂ. સાહેબદાદાની નિશ્રામાં યોજાઇ ભવ્ય સત્સંગ સભા

Wednesday 01st July 2026 05:43 EDT
 
 

તાજેતરમાં અનુપમ મિશન-ડેનહામ ખાતે ગોસ્વામી 108 પરમ શ્રદ્ધેય શ્રી દ્વારકેશલાલજી મહારાજ પધાર્યા હોવાથી પ.પૂ. સાહેબદાદાના દિવ્ય સાંનિધ્યમાં એક ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સનાતન હિન્દુ ધર્મના પ્રખર અનુયાયી અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ની ભાવના હૃદયમાં રાખનારા અગ્રણી શ્રેષ્ઠી શ્રી પ્રદીપભાઈ ધામેચા, વલ્લભનિધિ યુકેના ચેરમેન અને હિન્દુ સનાતન મંદિરના મુખ્ય સ્થાને બિરાજમાન શ્રી નરેન્દ્રભાઈ ઠકરાર તેમજ શ્રીજી ધામ હવેલી - લેસ્ટરના ટ્રસ્ટીઓ શ્રી અશોકભાઈ પટેલ અને શ્રી અશ્વિનભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનુપમ મિશનના સંતો, ટ્રસ્ટીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સભાના પ્રારંભે ભાવિશાબહેને સ્વાગત ઉદબોધન કર્યા બાદ ગોસ્વામી 108 પરમ શ્રદ્ધેય શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું પૂજન અને પુષ્પમાળાથી અભિવાદન કરાયું હતું. જ્યારે અનુપમ સુરવૃંદ દ્વારા સુંદર કીર્તન પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
ગોસ્વામી 108 પરમ શ્રદ્ધેય શ્રી દ્વારકેશલાલજી મહારાજે પોતાના આશીર્વચનોમાં જણાવ્યું કે, ઈશ્વરની લીલાઓ અકળ હોય છે. જન્મ અને મૃત્યુ વચ્ચે વહેતી વિચિત્ર ધારા એટલે જીવન. સભામાં જીવન અને મૃત્યુના મર્મ પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે, મનુષ્યનો જન્મ ક્યારે, ક્યાં અને કઈ અવસ્થામાં થશે કે તેનું મૃત્યુ કઈ ક્ષણે અને કઈ પરિસ્થિતિમાં થશે તેનું કોઈ માપદંડ આપણી પાસે નથી. રાજા ભર્તૃહરિના શ્લોકોને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, જેમ નદી ક્યાંથી નીકળીને કયા પહાડો અને પથ્થરોમાંથી પસાર થઈને ત્રિવેણી સંગમ સુધી પહોંચશે તે
નદીને પોતે પણ ખબર નથી હોતી, તેમ જીવન પણ એક અસ્ખલિત વિચિત્ર ધારા છે, જેના દરેક મોડને ઈશ્વર સિવાય કોઈ કશું જાણતું નથી.
જીવનનું અંતિમ ગંતવ્ય એ સ્મશાન
અને નંદ મહોત્સવનો ગૂઢ અર્થ
કથા-વાર્તાઓમાં ગવાતા નંદ મહોત્સવના પ્રસંગ ‘હાથી દીયે, ઘોડા દીયે ઓર દીયે પાલખી...’નો ગૂઢ આધ્યાત્મિક અર્થ સમજાવતા તેઓએ જણાવ્યું હતું કે:
• ‘હાથી’ એ આપણો વિરાટ ભૂતકાળ છે. માણસ જ્યારે ઉંમરના અંતિમ પડાવે પહોંચે છે ત્યારે તેનો ભૂતકાળ હાથી જેવો વિશાળ દેખાય છે.
• ‘ઘોડા’ એ માણસની અશ્વશક્તિ (Horsepower) એટલે કે સક્સેસ મેળવવાની દોડ છે. માણસ સ્થિર થયા પછી વધુને વધુ મેળવવાની દોડમાં ઘોડાની જેમ દોડે છે.
• ‘પાલખી’ એ જીવનનું અંતિમ ગંતવ્ય છે. છેલ્લે જ્યારે આત્મા રૂપી અલબેલીને સાજનના (ઈશ્વરના) ઘરે જવાનું હોય છે, ત્યારે ચાર જણા ખભે પાલખી (નશ્વર દેહ) ઉપાડીને વિદાય કરે છે.
પંચમહાભૂતમાં વિલીન થતો દેહ અને 16 સંસ્કાર
આપણું શરીર પંચમહાભૂતો (પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ)થી બનેલું છે. સંસ્કૃતમાં મૃત્યુ માટે ‘પંચત્વમ્ ગતઃ’ શબ્દ પ્રયોજાય છે, જેનો અર્થ છે કે દેહ પંચમહાભૂતોમાં પાછો ભળી જાય છે. હિન્દુ ધર્મમાં શ્રીમંત સંસ્કાર (ગર્ભાદાન)થી શરૂ કરીને છેલ્લો અગ્નિ સંસ્કાર એ 16 સંસ્કારોની પરંપરા છે, અને જે આ પરંપરાનું પાલન કરે છે તે જ સાચો હિન્દુ છે.
પરમ પૂજ્ય સાહેબદાદાનું દિવ્ય વ્યક્તિત્વ
ગોસ્વામી 108 પરમ શ્રદ્ધેય દ્વારકેશલાલજી મહારાજે વિશેષ જણાવ્યું કે, પરમ પૂજ્ય સાહેબદાદાનું દિવ્ય વ્યક્તિત્વ આ યુગમાં એક અદ્ભુત વિભૂતિ સમાન છે. તેમના જીવનમાં કોઈપણ શરત વગરનું (બિનશરતી) પરિવર્તન છે. તેઓ ચિંતા, શોક કે વ્યથાથી પર રહીને એક નિર્દોષ બાળકની જેમ નિષ્કામ અને નિષ્કપટ હાસ્ય વહેંચે છે. તેમની પારદર્શિતા, પ્રામાણિકતા અને સમર્પણભાવ (Transparency, Honesty, and Dedication) એ સામાન્ય માણસ માટે પ્રેરણારૂપ છે. તેમની પર્સનાલિટી અને કેરેક્ટર બંને એક સમાન અને કાચ જેવા પારદર્શક છે. પશ્ચિમી જગતમાં અને ભારતમાં પણ સ્મશાન અને અંતિમ વિધિ માટે જે આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ક્રેમેટોરિયમનું નિર્માણ કરાયું છે, તે વિશ્વભરમાં એક ક્રાંતિકારી સંકલ્પ સમાન છે. અંતમાં તેમણે પૂજ્ય હિંમત સ્વામીજી, શ્રી સતીશભાઈ, શ્રી પ્રદીપભાઈ, શ્રી નરેન્દ્રભાઈ અને ભાવિશાબહેનની સેવાને બિરદાવી હતી.
સંત ભગવંત સાહેબદાદાના આશીર્વચન
આશીર્વાદ પ્રદાન કરતા સંત ભગવંત સાહેબદાદાએ જણાવ્યું કે, પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ પધાર્યા તેનો હૈયામાં ઘણો આનંદ છે. યોગીજી મહારાજ અને દ્વારકેશલાલજી મહારાજ જેવા સંતોના આશીર્વાદ એ આપણા જીવનનું મુખ્ય ભાથું છે. આજે તેમના પગલાં પાડવાથી ક્રેમેટોરિયમના નિર્માણ કાર્યમાં વેગ આવશે. ભક્તની ફરજ છે કે, ગુરુ જે કાર્ય કરે તેમાં ભક્તોએ ટીકા-ટિપ્પણી કરવાને બદલે તે કાર્યમાં જોડાઈ જવું જોઈએ. ગુરુ અને પ્રભુના કાર્યમાં જે સાથ આપે છે, તેને વગર સાધને વૈકુંઠ, ગોલોક કે અક્ષરધામનો અધિકાર મળી જાય છે. સભાને અંતે મહાપ્રસાદ લઈ સહુ વિસર્જિત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter