લંડનઃ ગત મહિને રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ ડ્રામા ખાતે ફેસ્ટિવલ ઉત્સવનું અતુલનીય વેચાણ પ્રદર્શન કરાયાના પગલે કાર્ડિફની અગ્રેસર ઈન્ડિયન આર્ટ્સ એન્ડ કલ્ચર કંપની સમર્પણ દ્વારા રંગ,સંસ્કૃતિ અને સર્જનાત્મકતાથી છલકાયેલાં સાઉથ વેલ્સ ઓડિટોરિયમમાં ચાર પ્રકારના સાઉથ એશિયન ક્લાસિકલ ડાન્સના વિશિષ્ટ પ્રદર્શન સાથે નવું સીમાચિહ્ન રચાયું હતું. પ્રત્યેક પરફોર્મન્સ અનોખું હતું અને ઓડિયન્સ દ્વારા ‘ભારે પ્રેરણાદાયી’ અને ‘ભારતીય શાસ્ત્રીય નૃત્યનાં વિવિધ રસને એક જ બેઠકે નિહાળવાની અમૂલ્ય તક’ના ઉદ્ગારો સાથે સાંજને વધાવી લેવાઈ હતી.
સંસ્થાના ડાયરેક્ટર લીના મેનને જણાવ્યું હતું કે,‘આ ઈવેન્ટમાં સમર્પણનું ભારતીય સંસ્કૃતિના ઉચ્ચસ્તરીય પ્રદર્શન, ભાવિ પેઢીના ઉછેર અને વિવિધ સંસ્કૃતિઓના ઓડિયન્સીસ સાથે સેતુરુપ બની રહેવાનું મિશન પ્રતિબિંબિત કરાય છે. પ્રાપ્ત પ્રતિભાવોથી પ્રતિપાદિત થાય છે કે ઉત્સવ (UTSAV) અમારા માટે ફેસ્ટિવલથી પણ વિશેષ છે. તે સાંસ્કૃતિક સંવાદ, ઊજવણી અને વેલ્સમાં સાઉથ એશિયન કળાની પ્રત્યક્ષતા તરફનું આગેકદમ છે.’
આ ફેસ્ટિવલ પછી, સમર્પણ સાઉથ વેલ્સમાં ઈવેન્ટ્સ, વર્કશોપ્સ, કોમ્યુનિટીઓ સાથે સંપર્કના પ્રોજેક્ટ્સ અને ક્લાસીસની ઓટમ/વિન્ટર સીઝનમાં ભારતીય કળાની મશાલ આગળ લઈ જવાનું કાર્ય કરતું રહેશે. આ પ્રકારના કાર્યક્રમો સાઉથ વેલ્સ અને બાકીના યુકેમાં ઓછાં જાણીતાં કળાપ્રકારો અને સંસ્કૃતિઓના મંચન અને ઊજવણીના હિસ્સારૂપ છે. સમર્પણની પ્રવૃત્તિઓ અને કાર્ય વિશે જાણકારી ફેલાવી તમે તેને સપોર્ટ કરી શકો છો.


