સરદાર કથાઃ લંડનની ધરતી પર જીવંત બની અખંડ ભારતના શિલ્પીની જીવનગાથા

Wednesday 01st October 2025 06:52 EDT
 
 

લંડનઃ આપણે સહુ રામકથા - શિવકથા - હનુમાનકથા વિશે જાણીએ છીએ, અને કદાચ તેને સાંભળી પણ હશે, પરંતુ વીતેલા સપ્તાહે લંડનના આંગણે સરદારકથાનો નોખો - અનોખો, પણ સ્તુત્ય કાર્યક્રમ યોજાઇ હતો. કાર્યક્રમના કેન્દ્રસ્થાને હતા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ. બ્રિટનમાં કાર્યરત ગુજરાતી સંસ્થાઓને એકતાંતણે બાંધતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO)-યુકે અને ગુજરાતની મોખરાની સામાજિક સંસ્થા સરદારધામના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં અખંડ ભારતના નિર્માતાના જીવનકવનની અજાણી કે ઓછી જાણીતી એવી પ્રેરણાદાયી વાતો રજૂ કરાઇ હતી. આજની ભારતીય યુવા પેઢીને સરદાર પટેલના પ્રેરણાદાયી જીવનથી માહિતગાર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે સરદારકથાનો આ પ્રયોગ શરૂ કરનાર શૈલેષભાઇ સગપરિયાએ એટલી સુંદર અને રસપ્રદ રજૂઆત કરી હતી કે લોકોનો દિલોદિમાગ પર સરદાર સાહેબ છવાઇ ગયા હતા. હેય્ઝમાં આવેલા નવનાત સેન્ટરમાં યોજાયેલા બે દિવસના આ કાર્યક્રમને અપેક્ષા કરતાં પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો. લોકો સરદારકથા સાંભળવા માટે દૂર દૂરથી હેય્ઝ પહોંચ્યા હતા અને સતત ચાર કલાક સુધી સંપૂર્ણ એકાગ્રતા સાથે કથાનો લાભ લીધો હતો. સરદારકથાનો લ્હાવો લેવા ગુજરાતીઓ એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કે હોલ નાનો પડ્યો હતો. આ પ્રસંગે હેરોના મેયર અંજનાબહેન પટેલ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર કથાનું શ્રવણ કર્યું હતું. કથાના પ્રથમ દિવસે વક્તા શ્રી શૈલેષભાઈ સગપરિયાએ સરદાર વલ્લભભાઈ પટેલના બાળપણ, વિદ્યાર્થીજીવન તથા લંડન નિવાસ દરમિયાનના અનેક પ્રસંગોને જીવંત કર્યા હતા. પહેલા મોટાભાઈને બેરિસ્ટર બનાવવા માટે લંડન મોકલ્યા અને પછી પોતે પણ લંડન અભ્યાસ માટે પહોંચ્યા તે સંસ્મરણો દ્વારા સરદાર સાહેબના જીવનમાંથી આપણે શું શીખવું જોઈએ તેની પ્રેરણાદાયી વાતો રજૂ કરી. બે દિવસ સતત ચાર-ચાર કલાક ચાલેલી કથા દરમિયાન શ્રોતાઓએ પૂર્ણ એકાગ્રતાથી તેનો લાભ લીધો હતો.
પ્રેરક ઘટનાઓની જીવંત અનુભૂતિ
વક્તાશ્રી શૈલેષભાઈ સગપરિયાએ કથા દરમિયાન બારડોલી સત્યાગ્રહની વિગતવાર વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે આ સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલે શક્તિકરણનું કેટલું મહત્વપૂર્ણ કાર્ય કર્યું અને ખેડૂતોના મજબૂત મનોબળ માટે કેટલાં પ્રયત્નો કર્યા હતા. બારડોલી સત્યાગ્રહ દરમિયાન બનેલી પ્રેરક ઘટનાઓને તેમણે જીવંત રીતે રજૂ કરી હતી, જે કથાના શ્રોતાઓ માટે અદ્ભુત અનુભૂતિ બની હતી. જ્યારે ભારતના ભાગલા અને 562 રજવાડાઓના એકીકરણની વાત આવી ત્યારે લોકો ભાવવિભોર થયા હતા.
વક્તા શૈલેષભાઇએ રાજવીઓની સમર્પણ ગાથાઓ તેમજ સરદાર સાહેબના દીકરી મણિબેન પટેલના સમર્પણની વાત રજૂ કરી, જે સાંભળીને શ્રોતાઓની આંખો ભીની થઈ ગઈ. સરદારધામ યુનિવર્સિટીના એક વિભાગને મણિબેન પટેલ નામકરણ કરવાની જાહેરાત પણ આ પ્રસંગે કરવામાં આવી હતી.

આ કથાએ ખાસ કરીને યુવા પેઢીને બહુ પ્રભાવિત કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના બાળપણ, વિદ્યાર્થીજીવન અને લંડનમાં વસવાટના પ્રસંગોને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા હતા. તેમના પ્રેરણાદાયી જીવનકથન દ્વારા દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે દરેક પળમાંથી શીખ મેળવી શકીએ.
સરદાર કથાના શ્રોતાઓમાં એક યુવા દંપતી ખાસ ઉદાહરણરૂપ છે. તેઓ ત્રણ કલાકની મુસાફરી કરીને બે દિવસ સુધી કથાનો લાભ લેવા પહોંચ્યા હતા, કારણ કે માતા ગર્ભવતી હતી. યુવા દંપતી ઇચ્છતું હતું કે ગર્ભમાં રહેલા તેમના બાળકને પણ સરદારની વાતો સંભળાવવા ઇચ્છતા હતા. ઈંગ્લેન્ડની ધરતી પર સરદાર સાહેબની કથાને માણવા માટે લોકોમાં જે પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો, શ્રોતાઓમાં જે શ્રદ્ધા અને એકાગ્રતા જોવા મળી હતી તેને ધ્યાનમાં લઇને આયોજકોએ ભવિષ્યમાં ફરી વખત સરદાર કથાનું આયોજન કરવા ખાતરી આપી હતી.
એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણનો સંકલ્પ
આ પ્રસંગે સરદારધામ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા એ જણાવ્યું કે લંડન ખાતે સરદારધામ અને NCGO-યુકે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે સરદારકથાનું આયોજન થયું, જેમાં શ્રોતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેનો આનંદ છે. સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને, સૌએ મળીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ માટે સંકલ્પ લીધો. સરદારધામનો સંદેશ એ છે કે વ્યક્તિગત નહીં, પરંતુ સામૂહિક ભાવનાથી ભારતને વિકસિત અને વિશ્વ ગુરુ બનાવવા માટે દરેકે પ્રયત્ન કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે લંડન અને બ્રિટનની આ ભૂમિ પરથી અનેક મહાનુભાવો શિક્ષણ લઈને ભારતની સ્વતંત્રતામાં યોગદાન આપવા જોડાયા હતા. જેમાં મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, સરોજિની નાયડુ જેવા અગ્રણી સ્વતંત્ર સેનાનીઓનો સમાવેશ થાય છે.
વક્તા અને લેખક શૈલેષ સગપરિયા
ઉલ્લેખનીય છે કે સરદાર કથાના વક્તા શૈલેષભાઇ સગપરિયાએ વોટ્સએપના માધ્યમે ‘આજની વાર્તા’ નામથી ટૂંકી, રસપ્રદ અને બોધપ્રદ વાર્તાઓ પીરસી દેશ-પરદેશના ગુજરાતીઓમાં આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાત સરકારના સિનિયર ક્લાસ વન અધિકારી તરીકે સેવાઓ આપી ચૂકેલા શૈલેષભાઇ યુવા પેઢીના માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને નાત-જાતના ભેદભાવ વગર નિઃસ્વાર્થ ભાવે માર્ગદર્શન અને પ્રેરણા આપીને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ બની રહ્યા છે. સૌરાષ્ટ્રના મોવિયા જેવા નાના ગામમાં સામાન્ય પરિવારમાં જન્મ લેનારા શૈલેષભાઇએ કુટુંબને મદદરૂપ થવા અભ્યાસ સાથે ખેતરમાં મજૂરી કરી, ઓફિસબોય તરીકે કામગીરી કરી, હીરા પણ ઘસ્યા, અને સાથે જાતને પણ ઘસીને ઊજળી બનાવી. આથી તેઓ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને હાલ પૂ. મહંત સ્વામી મહારાજના કૃપાપાત્ર બની શક્યા છે. જોકે નબળી આર્થિક પરિસ્થિતિ તેમના અભ્યાસમાં અડચણરૂપ બની શકી નહીં અને એમ.કોમ. બાદ તેઓ GPSC દ્વારા લેવાયેલી ક્લાસ વનની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે આવ્યા હતા. તેમની બોધકથા કહેવાની રીતે એટલી સરળ અને રસપ્રદ છે કે સાક્ષરો તેમને વાર્તાના પર્યાય તરીકે ઓળખાવે છે. વિવિધ વિષયો પર તેમનાં 33 પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. એમના લખાયેલાં પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પણ કરાયું છે. તેમના મોટાભાગના પુસ્તકો બેસ્ટસેલર થયા છે અને બધાની મળીને લાખો નકલો વેચાઈ ચૂકી છે. શૈલેષભાઇ એક કુશળ વક્તા પણ છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં તેમના વ્યાખ્યાનો અને સેમિનારો યોજાતા રહે છે.

કાર્યક્રમના અંતે મહેમાનો અને શ્રોતાઓને રંગોલી સ્વીટ સેન્ટરનું સ્વાદિષ્ટ અને લિજ્જતદાર ભોજન માણ્યું હતું. સમગ્ર આયોજનના પ્રચાર-પ્રસારની સંપૂર્ણ જવાબદારી પ્રિન્ટ મીડિયા પાર્ટનર ગુજરાત સમાચાર અને Asian Voice સમાચાર સાપ્તાહિકોએ સંભાળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter