સારંગપુરઃ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં વધુ એક ઐતિહાસિક ‘ભાગવતી દીક્ષા (સંત દીક્ષા) મહોત્સવ’ અત્યંત ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. બુધવારે યોજાયેલા આ ઐતિહાસિક પ્રસંગે 33 નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પ.પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સંત દીક્ષા પ્રદાન કરાઇ હતી. આ યુવાનોએ બે વર્ષ પૂર્વે પાર્ષદી દીક્ષા પ્રાપ્ત કરી હતી.
દીક્ષિત થયેલા આ 33 યુવાનો ભૌતિક અને શૈક્ષણિક રીતે અત્યંત સમૃદ્ધ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જેમાં 13 એન્જિનિયર્સ, 11 ગ્રેજ્યુએટ્સ, 3 માસ્ટર્સ ડિગ્રી ધારક, 1 ડોક્ટર, 1 આર્કિટેક્ટ અને અન્ય ઉચ્ચ અભ્યાસ ધરાવતા 4 યુવાનોનો સમાવેશ થાય છે. આ નવદીક્ષિત સંતોમાં કેનેડામાં ઉછરેલા 4 NRI યુવાનોનો પણ સમાવેશ થાય છે. તેઓએ પોતાની ઉજ્જવળ કારકિર્દી અને ભૌતિક સુખોને તિલાંજલિ આપીને ભારતીય સંસ્કૃતિની મહાન ત્યાગ પરંપરા અપનાવી છે. આ યુવાનોનું સમર્પણ આજના ભૌતિકવાદી યુગમાં સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.
દીક્ષા મહોત્સવનો પ્રારંભ વહેલી સવારે વૈદિક મહાપૂજા વિધિથી થયો હતો. દીક્ષા સમારોહ અંતર્ગત વરિષ્ઠ સંતોએ નવદીક્ષિતોને કંઠી, ઉપવસ્ત્ર અને પાઘ ધારણ કરાવી હતી તેમજ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા કરી હતી. ત્યારબાદ, મહંત સ્વામી મહારાજે નવદીક્ષિત સંતોને ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ (અર્થાત્: હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું)નો ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઐતિહાસિક સભામાં દીક્ષાર્થી પાર્ષદોના પિતાશ્રીઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા અને માતાઓનું વરિષ્ઠ મહિલા અગ્રણીઓ સન્માનિત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે આ પ્રસંગના બે દિવસ પૂર્વે મહંત સ્વામી મહારાજે 29 યુવાનોને પાર્ષદી દીક્ષા આપી હતી. ભાગવતી દીક્ષા સાથે મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે અત્યાર સુધીમાં કુલ 352 યુવાનો દીક્ષિત થયા છે. આ સાથે જ BAPS સંસ્થાના સંતોની કુલ સંખ્યા 1234ના આંકડા પર પહોંચી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં માન્યતા ધરાવતી BAPS સંસ્થાના આ ઉચ્ચ શિક્ષિત સંતો એક પણ દિવસની રજા કે કોઈપણ પ્રકારના વેતન વિના સમગ્ર જીવન ગુરુની આજ્ઞા મુજબ સેવા અને ભક્તિમાં વિતાવે છે.


