સી.બી. પટેલનું સન્માન કરતા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઇ વિઠલાણી

Tuesday 03rd October 2023 08:51 EDT
 
 

લંડનઃ વિશ્વભરમાં વસતાં લોહાણા સમુદાયની મુખ્ય સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઇ વિઠલાણીએ તાજેતરમાં તેમની યુકે મુલાકાત દરમિયાન 23 સપ્ટેમ્બરના રોજ ગ્રીમ્સ ડાય્ક હોટેલમાં વિશેષ ભોજન સમારોહનું આયોજન કર્યું હતું. ગુજરાત સમાચાર દ્વારા ગુજરાતી સમાજની અવિરત સેવાના 50 વર્ષ પૂર્ણ થયા છે તે પ્રસંગે શ્રી સી.બી. પટેલને સન્માનવા માટે આ શાનદાર સમારોહ યોજાયો હતો. જેમાં સમગ્ર યુકેમાંથી લોહાણા સમાજના મોભીઓ અને વેપાર-ઉદ્યોગ સાહસિકોએ હાજરી આપી હતી.

લોહાણા સમુદાયની સેવા અર્થે દુનિયાભરમાં ફરતા રહેતા શ્રી સતીષભાઇએ તેમની અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલા આઇટી અને ડિજિટલ મીડિયા, મેટ્રિમોનિયલ, રિક્રૂટમેન્ટ, બિઝનેસ ડેવલપમેન્ટ, ટ્રાવેલ - ટુરિઝમ, પર્યાવરણ, શિક્ષણ, હેલ્થકેર સહિતના અનેક પ્રોજેક્ટ્સ અંગે વિશદ્ જાણકારી આપી હતી. તેમણે માર્ચ 2023માં કમ્પાલામાં યોજાયેલી ઇન્ટરનેશનલ લોહાણા બિઝનેસ ફોરમ (એલઆઇબીએફ)ને મળેલી શાનદાર સફળતાનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સમિટમાં વિશ્વભરમાંથી લોહાણા બિઝનેસમેન, પ્રોફેશનલ્સ અને યુવા ઉદ્યોગસાહસિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
બીજી એલઆઇબીએફ 2024 આવતા વર્ષે ભારતમાં 18થી 21 જાન્યુઆરી દરમિયાન યોજાશે તેવી માહિતી આપતા શ્રી સતીષભાઇએ જણાવ્યું હતું કે આગામી આયોજનમાં વિશ્વભરમાંથી અંદાજે 30 હજાર જ્ઞાતિજનો ભાગ લેશે તેવો અંદાજ છે. એલઆઇબીએફ માટે આમંત્રણ આપવા માટે શ્રી સતીષભાઇ ખુદ જુદા જુદા દેશોની મુલાકાત લઇ રહ્યા છે.

શ્રી સતીષભાઇ કહ્યું હતું કે લોહાણા સમાજની પ્રશંસનીય સેવા કરનાર શ્રી સી.બી. પટેલનું સન્માન કરવાનો મને અવસર મળ્યો છે તે મારા માટે અત્યંત આનંદની વાત છે. સાથે સાથે જ તેમણે શ્રી સી.બી. પટેલ અને ગુજરાત સમાચારને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના વ્યક્ત કરી હતી.

લોહાણા સમાજ દ્વારા ઉષ્માપૂર્ણ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા શ્રી સી.બી. પટેલે કહ્યું હતું કે લોહાણા સમાજ નાણાં કેવી રીતે કમાવા એ તો જાણે છે સાથે સાથે જ આ નાણાં ક્યાં અને કેવી રીતે વાપરવા તે પણ જાણે છે. આ સમાજ સદાચારી અને સખાવતી છે. સાથે મળીને કઇ રીતે આગળ વધી શકાય તેનું લોહાણા સમાજ શ્રેષ્ઠ ઉદાહરણ છે.’

આ પ્રસંગે લોર્ડ ડોલર પોપટ, પ્રદિપભાઈ ધામેચા, સુભાષભાઇ ઠકરાર, નરેન્દ્ર ઠકરાર, એલસીએનએલ પ્રમુખ મીનાબહેન જસાણી, એલસીયુકે પ્રમુખ ભરતભાઇ સોઢા, પન્નાબહેન રાજા, અશોકભાઇ રાચ્છ તેમજ વરિષ્ઠ લોહાણા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત સમાચારની સુવર્ણ જ્યંતી પ્રસંગે પ્રકાશિત અને સુભાષભાઇ ઠકરાર દ્વારા સંપાદિત ‘આઈઝ ઓફ ટુમોરો’ લોહાણા અગ્રણીઓને ભેટ આપવામાં આવ્યું હતું. તો ડો. લલિતભાઇ સોઢા દ્વારા પણ એક પુસ્તક પણ મહેમાનોને ભેટ અપાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. લલિતભાઇ સોઢા દ્વારા કરાયું હતું. આ પ્રસંગે જાણીતા ગાયિકા માયા દીપકે સૂરિલા કંઠે રામ સ્તુતિ રજૂ કરીને મહેમાનોની પ્રસંશા મેળવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter