લંડનઃ સેન્ડીએ લિમિટેડ દ્વારા ગોલ્ફની રમત સાથે નેટવર્કિંગ અને ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ માટે ફંડ એકત્ર કરવા બુધવાર 30 એપ્રિલ 2025ના રોજ પિનેર હિલ ગોલ્ફ કલ્બ ખાતે આખા દિવસનો ઈવેન્ટ યોજાયો હતો જેમાં, સુગરો, લિન્ડ્ટ, HSBC અને માર્ક એન્થની ગ્રૂપ સહિત સપ્લાયર્સ, સાથીદારો અને ઈન્ડસ્ટ્રીના અગ્રેસરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ ગોલ્ફની રમત અને સ્વાદિષ્ટ ભોજન સાથે ઈનામ વિતરણ અને ચેરિટી માટે નાણા એકત્ર કરવા હરાજીના કાર્યક્રમોને પણ માણ્યા હતા.
સેન્ડીએ લિમિટેડના સીઈઓ અને સ્થાપક સંજીત માણેકે જણાવ્યું હતું કે, ‘આ ઈવેન્ટ આપણને સહુને સાથે લાવનાર ભાગીદારીઓ, સહકાર અને સહભાગી સફળતાઓની ઊજવણી વિશે હતો. દરેક વ્યક્તિ હરિયાળાં મેદાનમાં ઉતરી એકબીજા સાથે જોડાય, વિચારોની આપ-લે કરે તેમજ બિઝનેસ અને ગોલ્ફની નમૈત્રીપૂર્ણ રમત મારફત આપણને સાંકળતા સંબંધોને મજબૂત બનાવે તે નિહાળવાનું ઘણું સારું લાગ્યું. અને ખરેખર, આ બધું સારા ઉદ્દેશ માટે જ હતું.’
પ્રોફેશનલ ગોલ્ફર અને ઉભરતા સિતારા જેક કેલીએ પ્રાથમિક શીખનારાને પાયાની ટેક્નિક્સ શીખવી હતી અનુભવી ખેલાડીઓએ સૂર્યપ્રકાશમાં 9 -હોલની રમત માણી હતી. જેક કેલીને પ્રોફેશનલ યાત્રામાં સ્પોન્સર કરવામાં સેન્ડીએ ગૌરવ અનુભવે છે. લોકોએ હળવાશપૂર્ણ દિવસ માણ્યો હતો અને ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ સાથે સંપર્ક જમાવ્યો હતો. વિશ્વાસુ FMCG સપ્લાયર્સ વતી સ્વાદિષ્ટ ઉત્પાદનો સાથેની SANDEA ગુડી બેગ્સ પણ ઉપસ્થિત લોકોને આપવામાં આવી હતી.
સેન્ડીએ હોલસેલ લિમિટેડને સુગરો યુકે દ્વારા કોમ્યુનિટી એન્ડ ચેરિટી ચેમ્પિયન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવેલ છે જેને કેપી સ્નેક્સ દ્વારા સ્પોન્સર કરાયો હતો. આ એવોર્ડ બિઝનેસથી પણ આગળ વધી તફાવત સર્જવા અને સમાજને પરત કરવાની પ્રતિબદ્ધતાનું સન્માન છે. સેન્ડીએ દ્વારા કોમ્યુનિટી ઈનિશિયેટિવ્ઝને જીવંત બનાવવા બદલ ટીમ અને પાર્ટનર્સ પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સેન્ડીએ હોલસેલ લિમિટેડ માર્કેટમાં અગ્રણી, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્ઝ (FMCG), ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ્સ (OTT), કોસ્મેટિક્સ અને ટોઈલેટરીઝ માટે વિશ્વાસુ હોલસેલર છે.