સોલ્ટ લેક સિટી (યુએસ)ઃ બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી સંસ્થાના વરિષ્ઠ સંતગણે અમેરિકામાં મોર્મન ખ્રિસ્તી ધર્મગુરુઓ સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. તેમજ વિવિધ ચર્ચ સ્થાનોની મુલાકાત લીધી હતી.
અમેરિકા વિચરણ દરમિયાન પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી, પૂ. વિવેકમૂર્તિદાસ સ્વામી, પૂ. શુકમુનિદાસ સ્વામી વગેરે સંતોએ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ, લેટર ડે સેઇન્ટસ્ ફર્સ્ટ પ્રેસિડેન્સીના મુખ્ય સભ્યો ડેલીન એચ. ઓક્સ અને હેન્રી બી. આયરિંગ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સાથે સાથે જ સંતગણે વિવિધ ચર્ચ સ્થાનો જેવા કે, વેલ્ફેર સ્ક્વેર પર ડેઝેરેટ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ઐતિહાસિક ટેમ્પલ સ્ક્વેર પર કોન્ફરન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી.
મોર્મન ચર્ચ તરીકે વિશ્વભરમાં જાણીતા ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ, લેટર ડે સેઇન્ટસ્ વિશ્વમાં 160 દેશોમાં ફેલાયેલું છે અને 30 હજાર મંડળો સાથે આશરે 1.7 કરોડનો બહોળો અનુયાયી વર્ગ ધરાવે છે. ફર્સ્ટ પ્રેસિડેન્સી વતી સંતોને ભાવપૂર્વક આવકારવામાં આવ્યા હતા. આ મુલાકાતમાં વિશ્વમાં શાંતિ, સંવાદિતા, સૌહાર્દ સ્થપાય તે માટે પ્રેરક ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં કવોરમ ઓફ ટવેલ્વ અપોસ્ટલ્સ્ના એલ્ડર ડેવિડ એ. બેડનાર, એલ્ડર પેટ્રિક કીરોન, આફ્રિકા ક્ષેત્રના પ્રમુખ એલ્ડર એન્થોની ડી. પર્કિન્સ અને ચર્ચ કોમ્યુનિકેશન વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એલ્ડર મેથ્યુ એસ. હોલેન્ડ ઉપસ્થિત હતા.
વિશ્વમાં વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચે વૈશ્વિક સંવાદિતા, સહ-અસ્તિત્વના પ્રેરક ઉદાહરણરૂપ બની ચૂકેલા બીએપીએસ હિન્દુ મંદિર - અબુ ધાબી વિશે જાણીને ચર્ચ પ્રતિનિધિઓ વિશેષ પ્રભાવિત થયા હતા.