ભારતમાં કોરોનાનો ભયાનક કહેરમાં હોસ્પિટલો ઉભરાય છે, ઓક્સીજન અને વેન્ટીલેટર મશીનોની જરૂરત ઉભી થઇ છે એવી કટોકટીભરી પરિસ્થિતિમાં ગુજરાતને માથે તાઉ-તે વાવાઝોડા રૂપી કુદરતી આફત ઉતરી આવી છે જેમાં દીવ અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઇ છે. સોમવારથી શરૂ થયેલા આ વિનાશક વાવાઝોડામાં સૌરાષ્ટ્રના ગ્રામ્યવિસ્તારોમાં લોકો ઘરબાર વિહોણા બન્યા છે ત્યારે યુ.કે.ના દિવ્યસેવા ફાઉન્ડેશનના ટ્સ્ટી ભારતીબેન બીપીનભાઇ કંટારીયા પરિવારે સાવરકુંડલા નજીક જીરા અને અમરેલીના બાબરામાં ઘરવિહોણા થયેલા લોકો માટે ૨૦૦ ઘર બાંધી આપવાની તૈયારી બતાવી ઉત્તમ સેવાકાર્ય કર્યું છે. અત્રે નોંધનીય છે કે બાબરા ગામ એમના માતુશ્રી કાન્તાબેનનું જન્મસ્થળ છે અને સોમવારે એમની બીજી પૂણ્યતિથી હોવાથી આ સદકાર્ય કર્યું છે જીરા એ એમના પૂજ્ય પિતાશ્રી રામબાપાનું માદરે વતન છે.