સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા હિન્દુ અધિકારોનો એજન્ડા રજૂ

Wednesday 25th November 2026 05:35 EST
 

લંડનઃ સ્કોટિશ પાર્લામેન્ટમાં સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા 4 નવેમ્બરે ગાર્ડન લોબીમાં આયોજિત પ્રથમ દિપાવલી રિસેપ્શનમાં ચૂંટાયેલા રાજકીય અને કોમ્યુનિટી અગ્રણી પ્રતિનિધિઓ સ્કોટલેન્ડમાં હિન્દુઓ સામે અવરોધો દૂર કરવા અને સેવાને ઉજવવા એકત્ર થયા હતા. ફાઉન્ડેશને પાર્લામેન્ટરી દિવાળી રિસેપ્શનમાં હિન્દુ અધિકારોનો એજન્ડા રજૂ કર્યો હતો. હિન્દુ ટેમ્પલ ઓફ સ્કોટલેન્ડ, ડુન્ડી હિન્દુ મંદિર, ઓમ હિન્દુ મંદિર અને મોહનજી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ અને રાજકીય પ્રતિનિધિઓ દ્વારા દીપપ્રાગટ્ય વિધિ કરવામાં આવી હતી.

સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશન (SHF)ના ચેરપર્સન ડો. રિચા સિન્હા MBEની નેતાગીરી હેઠળના રિસેપ્શનમાં હિન્દુવિરોધી નફરતના ઉપાય અને ધાર્મિક સમાવેશિતા તેમજ સ્કોટલેન્ડને હિન્દુઓના યોગદાન સંબંધિત કામગીરીની રજૂઆત કરાઈ હતી. ડો. રિચા સિન્હાએ દિવાળી 2025થી દીવાળી 2026ના ગાળામાં સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશનના કાર્યોની સમીક્ષા રજૂ કરી હતી. આ સાથે રજૂ કરાયેલી ફિલ્મમાં સ્કોટિશ હિન્દુ મેનિફેસ્ટો, સ્કોટલેન્ડમાં ચાય એન્ડ હસ્ટિંગ્સ ઈવેન્ટ્સ તેમજ રાજકીય ચર્ચામાં યુવા હિન્દુઓના પાર્ટિસિપેશનને દર્શાવાયા હતા.

સમગ્ર સ્કોટલેન્ડના જીવનને સેવા, ઈનોવેશન અને એન્ટરપ્રાઈઝનું યોગદાન આપનારા લોકોને SHF વાર્ષિક દિવાળી એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. પાર્લામેન્ટરી સ્પોન્સર્સમાં સ્કોટિશ પાર્લામેન્ટના મેમ્બર્સ (MSPs) હીધર એન્ડરસન, આદમ હાર્લે, ડન્કન મેસ્સી અને પૌલ સ્વીનીનો સમાવેશ થયો હતો. રાજકીય મહેમાનોમાં ઈક્વલિટી મિનિસ્ટર સિમિતા કુમાર તેમજ સાથી MSPs ક્લેર બેકન, માર્ટીન ડે, મારી ટોડ, એન્જેલા કોન્સ્ટન્સ, ક્રિસ્ટેન ઓસ્વાલ્ડ, રોસ ગ્રીર અને એલિસન થ્યુલિસ, માઈકલ મારા, એલેક્સ કોલે-હેમિલ્ટન તેમજ કાઉન્સિલર જેમ્સ આદમ્સનો સમાવેશ થયો હતો.

ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનિટી નફરતવિરોધી પાંચ હિમાયતીઓ વિશાલ શર્મા, જયજિત દાસ, આકાંક્ષા સાડેકર ચૌહાન, કુલદીપ શુક્લા અને સુભાષ શેટ્ટીને બિરદાવાયા હતા. ઈન્ટરફેઈથ સ્કોટલેન્ડ સાથે ચાવીરૂપ કડી તરીકે ક્રિસ્ટોફર ગ્રીનવૂડની ભૂમિકાને પણ બિરદાવાઈ હતી. SHF દ્વારા સાત્વિક અને જૈન આહારને અપનાવતા લોકો માટે આહારની સામગ્રી, તૈયારી અને હેરફેર માટે સ્પષ્ટ માહિતીની જરૂરિયાત સંતોષવા સૂચિત સ્કોટિશ સાત્વિક સર્ટિફિકેશન સ્ટાન્ડર્ડની રજૂઆત પણ કરવામાં આવી હતી.

સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશન એન્યુઅલ દિવાળી એવોર્ડ્સમાં મહુયા બેનરજીને ગાઈડિંગ સ્ટાર એવોર્ડ, અબીર કૂકરેજાને રાઈઝિંગ સ્ટાર એવોર્ડ, અર્ણવ અંચનને શૂટિંગ સ્ટાર એવોર્ડ તેમજ શેફ અજય કુમારને બિઝનેસ એવોર્ડ એનાયત કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter