સ્લાઉઃ શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા સ્લાઉમાં શનિવાર 28 જૂન, 2025ના રોજ રથયાત્રાના ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ પરંપરામાં પ્રાચીન અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતી રથયાત્રાની આનંદપૂર્ણ ઊજવણીમાં હજારો ભાવિકો અપ્ટોન કોર્ટ પાર્ક ખાતે ઉમટ્યા હતા. દેશભરમાંથી 1000 ઉપરાંત, ભક્તો ભજન અને કીર્તન, હરિ બોલના ઉચ્ચાર અને શંખનાદો સાથે ભગવાન જગન્નાથજીના રથને ખેંચવા આવ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
દર વર્ષે ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પૂરીના ગુંડીચા મંદિરની યાત્રાએ નીકળે છે. આ વર્ષે સાઉથોલના શ્રી રામ મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી અને અપ્ટોન કોર્ટ પાર્ક થઈ સ્લાઉ હિંદુ મંદિર ખાતે પહોંચી હતી. અહીં ભગવાનની મૂર્તિઓ 8 દિવસ સુધી રોકાણ કરશે. આ પવિત્ર યાત્રા દિવ્યતા, એકતા અને સમાનતાનું પ્રતીક છે. વિશ્વમાં એક માત્ર ઊત્સવ છે જ્યાં મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ યાત્રાએ નીકળે છે અને તમામ ભક્તો સાથે એકરૂપ બને છે.
રથોના શુદ્ધિકરણની વિધિ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનના ડેપ્યુટી હાઈ કમિશનર સૂજિત ઘોષ તથા શ્રી રામ મંદિર સાઉથોલના ટ્રસ્ટી અને કાર્યકારી ચેરપર્સન અરુણ ઠાકુરના હાથે કરાઈ હતી. વિન્ડસરના સાંસદ મિ. જેક રેન્કિન, સ્લાઉના ડેપ્યુટી મેયર મિ. નીલ રાણા, સ્લાઉના કાઉન્સિલર મિ. સુભાષ મોહિન્દ્રા, શ્રી રામ મંદિર સાઉથોલના ટ્રસ્ટીઓ જય શર્મા અને બાલમુકુંદ જોશી, સ્લાઉ હિંદુ મંદિરના ચેરપર્સન વિનોદ કુમાર પણ રથને ખેંચવામાં જોડાયા હતા. આ ઉપરાંત, ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન પ્રકાશ છાબરીઆ, ફિલાન્થ્રોપિસ્ટ મિસિસ રીટા હિન્દુજા-છાબરીઆ, યુકે બેન્કના સીઈઓ લોકનાથ મિશ્રાએ પણ સ્થાનિક લોકોની સાથે ઉત્સાહપૂર્વક ઊજવણીમાં ભાગ લીધો હતો. સ્થાનિક હિન્દુ સંસ્થાઓએ પણ રથયાત્રાની સફળ ઊજવણીમાં એકતા પ્રદર્શિત કરી હતી. ઈવેન્ટમાં પરંપરાગત વાનગીઓ, ક્રાફ્ટ્સ અને ધાર્મિક ચીજવસ્તુઓના સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.
શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) 2021થી યુકેમાં રથયાત્રા ઉત્સવનું આયોજન કરે છે. ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ શ્રી રામ મંદિર, કિંગ સ્ટ્રીટ, સાઉથોલ ખાતે રખાઈ છે અને તેમનું નિયમિત પૂજન-અર્ચન કરવામાં આવે છે. SJSUK લંડન અથવા તેની આસપાસ ભગવાન જગન્નાથજીનું વિશાળ મંદિરનું નિર્માણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. SJSUKના ચેરપર્સન ડો. સહદેવ સ્વેઈનના જણાવ્યા મુજબ ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યો વિકસે અને ભાવિ પેઢીઓમાં વિસ્તરે તે માટે લંડન એરિયામાં ભગવાન જગન્નાથજીના કાયમી મંદિરના નિર્માણની કલ્પના છે. ટ્રેઝરર ભક્તા પાંડા, આઉટરીચ મેમ્બર સુકાંત સાહુ સહિત સક્રિય સભ્યોએ જણાવ્યું હતું કે SJSUK સમગ્ર વર્ષમાં યુકે અને ભારતમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઈવેન્ટ્સના આયોજનો ઉપરાંત, સામાજિક-શૈક્ષણિક ઈવેન્ટ્સ, કોમ્યુનિટી આધારિત પ્રોજેક્ટ્સ, હેલ્થ અને સ્વાસ્થ્ય કલ્યાણ પ્રોજેક્ટ્સ ચલાવે છે.