અમદાવાદઃ એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અમેરિકા સ્થિત સ્વામિનારાયણ સનાતન મંદિર-સવાનાહ દિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. અહીં દિવ્ય – ભવ્ય કેમ્પસ નિર્માણ થઈ રહ્યું છે. સનાતન ધર્મના દેવ–દેવીઓની સાથે, દ્વાદશ જ્યોતર્લિંગની સ્થાપના પૂર્વ થઈ ચૂકી છે. તાજેતરમાં 11થી 13 એપ્રિલ દરમિયાન છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે દશાવતાર ભાવપ્રતિષ્ઠા, હનુમાનજી ભાવપ્રતિષ્ઠા, અમરનાથજી ભાવપ્રતિષ્ઠા ભવ્ય રીતે સંપન્ન થઈ હતી.
ગુરુકુળ સવાનાહ સર્વ માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શને આવે છે અને ભારતીય પરંપરાનું જતન – પોષણ કરી રહ્યા છે. નાના નાના બાળકોમાં સંસ્કાર સિંચનનું કાર્ય થઈ રહ્યું છે. ગુરુકુળના આ વિશાળ પરિસરમાં સરોવરની મધ્યમાં તથા ચોતરફ દિવ્ય સ્થાનોના નિર્માણ થયા છે અને વિવિધ દેવતાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તાજેતરમાં હનુમાન જયંતીના પાવન પ્રસંગે સ્વામીજીના સાનિધ્યમાં દેવોનો પાટોત્સવ તથા પ્રતિષ્ઠા ઊજવાયો હતો. સરોવરના કિનારે વિશાળ પ્રાંગણમાં રમણીય કુટિરોમાં દશાવતાર પ્રતિષ્ઠિત થયા હતા.
વિશાળ હનુમાનજીની ધ્યાનસ્થ પ્રતિમાની પ્રતિષ્ઠાથી કેમ્પસની દિવ્યતામાં વધારો થયો છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સવાનાહ તથા આસપાસના શહેરોમાં ખૂબ મોટી સંખ્યામાં સુંદરકાંડ તથા હનુમાન ચાલીસાના પાઠ થયા હતા.
આ પ્રસંગે સમસ્ત અમેરિકામાંથી મોટી સંખ્યામાં પધારેલા ભક્તોએ સંધ્યા સમયે દશાવતાર તથા હનુમાનજીની સમૂહ આરતી કરી ત્યારે વાતાવરણ દિવ્ય બન્યું હતું. સાથે સાથે ફાયર અને લાઈટ – સાઉન્ડ શોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે દેવો સમક્ષ વિશાળ અન્નકૂટ તથા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ફળાહાર ધરાવાયો હતો. નાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. સંતો, ઋષિકુમારો તથા સ્વયંસેવકોની સેવાથી આ મહોત્સવ સફળ રહ્યો હતો.