અમદાવાદના મણિનગર સ્થિત સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 34મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો, જેના દર્શનાર્થે સેંકડો ભાવિકો ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અન્નકૂટ એટલે અન્નનો પર્વત... ભગવાનને અન્નકૂટ ધરાવવાની પરંપરા દ્વાપરયુગથી ચાલી આવી છે. સાંપ્રત સમયમાં મંદિરોમાં નૂતન વર્ષે અને મંદિરના પાટોત્સવ પ્રસંગે અન્નકૂટ ધરાવવામાં આવે છે. અન્નકૂટ એ ભક્તોના હૃદયના ભાવ અને સમર્પણનું પ્રતિક છે.
કુમકુમ મંદિર ખાતે અન્નકૂટમાં જે વિવિધ પકવાન અને ફરસાણો ભગવાનના ચરણે ધરાવાયા હતા તે બહેનોએ પોતાના હસ્તે મંદિરમાં આવીને બનાવ્યા હતા અને ભગવાનની સમક્ષ થાળમાં ગોઠવવાની સેવા સંતોના માર્ગદર્શન અનુસાર બાળકો અને યુવાનો દ્વારા કરવામાં આવી હતી. આ રીતના ઉત્સવો ઉજવવાથી ભગવાન સાથે જોડાણ થાય છે અને તન, મન અને ધનથી સેવા કરવાથી જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તેથી સમૈયા-ઉત્સવમાં અવશ્ય સેવા કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.


