ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીના આશીર્વાદથી ભુજ મંદિર યુકેના પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજ (યુકે)નો મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 1થી 7 ઓગસ્ટ દરમિયાન ખૂબ જ ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવાયો.
નુતન મંદિરનું વાસ્તુપૂજન 21 જુલાઈના રોજ અને 22 જુલાઇના સાંજે જુના મંદિરમાં સંભારણા સભા થઇ હતી. 23 જુલાઇએ જુના મંદિરમાં બિરાજતા ભગવત્ સ્વરૂપો પાલખીમાં બેસાડી વાજતે ગાજતે નવા મંદિરે પધરાવવામાં આવ્યા હતા. શિવજીભાઈ કરસન કેરાઈ પરિવાર નૂતન મંદિર મહોત્સવના વિજયધ્વજના યજમાન બન્યા હતા.
31 જુલાઇના સવારે શાસ્ત્રી દિનેશભાઈ શુક્લાના આચાર્યપદે શ્રીવિષ્ણુયાગનો પ્રારંભ કરાવાયો હતો. સાંજે શ્રીમદ્ સત્સંગીજીવન ગ્રંથની પોથીયાત્રા નીકળી હતી. 1 ઓગસ્ટે સવારે મહંત સ્વામી, જાદવજી ભગત, બાલકૃષ્ણ સ્વામી, કેશવજીવન સ્વામી, શાંતિપ્રિય સ્વામી, દેવપ્રકાશ સ્વામી, પરમહંસ સ્વામી અને ટ્રસ્ટીઓ દ્વારા ઉત્સવનું દીપ પ્રાગટ્ય કરાયું હતું. વિદ્વાન વક્તા પુરાણી સ્વામી શ્રીપ્રકાશ દાસજીએ શ્રીમદ્ સત્સંગીજીવન કથાનો પ્રારંભ કરાવ્યો હતો. ઉત્સવના ત્રીજા દિવસે 3 ઓગસ્ટે 1008 આચાર્યશ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે નયનરમ્ય શ્રી ઘનશ્યામ મહારાજ મધ્ય મંદિરમાં અને ચિત્ર પ્રતિમાઓ ભાઈઓના મંદિરમાં શ્રીસહજાનંદ સ્વામી, શ્રીનર-નારાયણદેવ, શ્રીરાધાકૃષ્ણદેવ આદિ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. આરતીના યજમાન ધનજીભાઈ દેવરાજ કારા પરિવાર બન્યો હતા. શ્રી ઘનશ્યામ મહારાજના શિખર ઉપર ધજા હિતેશભાઈ પરબત ભુડીયા પરિવાર, બહેનોના મંદિર ઉપર શિખરની ધજા રામજીભાઈ જાદવા વેકરીયા પરિવાર અને ભાઈઓના મંદિરના ઉપર ભીમજીભાઇ કલ્યાણ વેકરીયા પરિવારના યજમાન પદે ધજા લહેરાવાઇ હતી.
4 ઓગસ્ટે મહાપૂજા કરાઇ હતી. રાત્રે ભવ્ય અને દિવ્ય રાસોત્સવ રચાયો હતો. 6 ઓગસ્ટના રોજ યુકેના હરિભક્તો ઠાકોરજીની શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા. ઓલ્ડહામના ઇતિહાસમાં આ સૌથી લાંબી શોભાયાત્રા હતી. 7000થી વધુ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. મંદિરે પહોંચતા ઐતિહાસિક ઉછમણી થઇ હતી. જેમાં મંદિરનો મુખ્ય ગેટ દેવરાજભાઈ પરબત હાલારીયા પરિવાર, માર્બલ ગેટ પર ધજા દિનેશભાઈ રૂડા ચોથાણી પરિવાર, મુખ્ય પ્રવેશદ્વાર ઓલ્ડહામ યુવકો, બહેનોના મંદિરનો પ્રવેશદ્વાર શ્રી સ્વામિનારાયણ યુવક અને યુવતી મંડળી-યુકે જ્યારે પુરુષોના મંદિરનો પ્રવેશદ્વાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ-યુકેના ટ્રસ્ટીઓના યજમાનપદે કરાયું હતું. ફઈબા ભોજનાલયનું ઉદ્ઘાટન માવજીભાઇ વિશ્રામ ખીમાણી તથા વાલજીભાઈ કેસરા હાલાઇ પરિવાર દ્વારા કરાયું હતું.
પારાયણ દરમિયાન રોજ સાંજ સવાર શ્રીનરનારાયણદેવ પૂજન ઓલ્ડહામના બાળકો દ્વારા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. ઉત્સવમાં ઓલ્ડહામના ભક્તોની સેવા તો હતી જ પણ બોલ્ટન, વિલ્સડન, હેરો, ઇસ્ટ લંડન, વુલવિચ, કાર્ડિફ આદિક મંદિરના હરિભક્તો તરફથી પણ ખૂબ મોટી સેવાઓ પ્રાપ્ત થઈ હતી. ઉત્સવ દરમિયાન પાંચ દિવસ મેડિકલ ચેકઅપ પ્રોજેક્ટ્ રાખેલ હતો. તેમજ ભૂજ શ્રીનરનારાયણ દેવને 200 વર્ષ થતા હોય અને ઓલ્ડહામ મંદિરને 45 વર્ષ થતા હોય 250 ગરીબ હોમલેસ લોકોને રોજ મહાપ્રસાદ અપાયો હતો અને છેલ્લે આ ઉત્સવમાં નાની મોટી સેવા કરનાર સેવકોને ઓલ્ડહામ મંદિરના પ્રમુખ હિતેશભાઈ પરબત ભુડીયા તથા મંત્રી વિનોદભાઈ પરબત વેકરીયા દ્વારા આવકાર સાથે આભાર માન્યો હતો. પ્રોજેક્ટ મેનેજર સુરેશભાઈ પ્રેમજી ગોરસિયાએ સ્થાનિક રાજકીય મહેમાનોનો આવકાર કર્યો હતો.
ભુજ મંદિર યુકેનું આ પ્રથમ સોપાન આટલું બધું સફળ થયું છે ત્યારે આગળના દિવસોમાં ચોક્કસ કચ્છના વિદેશમાં વસ્તા હરિભક્તોની સેવામાં વધુ ઉપયોગી બનશે આવી વાત ભુજ મંદિર યુકેનાં પ્રમુખ કે. કે. જેસાણીએ પોતાના વક્તવ્યમાં કરી હતી.