ચિન્મય મિશન સંસ્થાના ગ્લોબલ હેડ, પરમ પવિત્ર સ્વામી સ્વરૂપાનંદજીએ રામનવમીના દિવસે ઉત્તર લંડનના હેન્ડનમાં નવા જીર્ણોદ્ધાર કરાયેલ 'ચિન્મય કીર્તિ' ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.
તકતીના અનાવરણ પછી ગણેશસ્થાપના અને તે પછી ભગવાન રામની વિશેષ પૂજા કરવામાં આવી હતી. સ્વામી સ્વરૂપાનંદજીએ નવા, આધુનિક હોલમાંથી ઉષ્માભર્યું સંબોધન કરતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ CMUK ના મુખ્ય કેન્દ્રનું સંપૂર્ણ કાયાકલ્પ છે. સ્વામી ચિન્મયાનંદજીના ઉપદેશો હેઠળ આ કેન્દ્રમાં છેલ્લા 17 વર્ષથી વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. ભગવદ ગીતા પર અંગ્રેજીમાં વર્ગો માટે આ કેંદ્ર એક પ્રેરણાદાયી જગ્યા છે. ઉપનિષદો, વેદિક ગ્રંથોના અભ્યાસ સાથે જ બાળકો અને કિશોરો માટેના સંસ્કૃત અને ભક્તિ સંગીતના વિશેષ વર્ગો સંચાલિત થાય છે.
આ પ્રસંગે નિવાસી આચાર્યા બ્રહ્મચારીણી શ્રીપ્રિયા ચૈતન્યા, MP હેંડન, ડેપ્યુટી મેયર બર્નેટ ડો મૈથ્યુ ઓફ્ફોર્ડ, કાઉંસિલર સાઇરા ડોન, અશિયન વોઇસ અને ગુજરાત સમાચારના એડિટર ઇન ચીફ સી બી પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રગણ્ય લોકો હાજર હતા.
ઉલ્લેખનીય છે કે, ચિન્મય મિશન યુકે ટ્રસ્ટ દ્વારા 2020 માં ‘ચિન્મય કીર્તિ’ રિનોવેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. £2.5 મિલિયનનો રિનોવેશન પ્રોજેક્ટ, જે હનુમાન જયંતિ 2021 ના રોજ શરૂ થયો હતો તે 12 મહિનામાં પૂર્ણ થયો અને હવે રામ નવમીએ ઉદઘાટન કરવામાં આવ્યું.
ચિન્મય મિશનની સ્થાપના 1953 માં વિશ્વવિખ્યાત વેદાંત શિક્ષક, પવિત્ર સ્વામી ચિન્મયાનંદજીના ભક્તો દ્વારા કરવામાં આવી હતી. વર્તમાન વૈશ્વિક વડા સ્વામી સ્વરૂપાનંદજી ચિન્મય વિશ્વ વિદ્યાપીઠના ચાન્સેલર છે, જે પૂર્વ અને પશ્ચિમની શ્રેષ્ઠતાને જોડે છે. તેઓ ચિન્મય ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ (CIRS) ના પણ અધ્યક્ષ છે. સ્વામી સ્વરૂપાનંદજીના માર્ગદર્શન હેઠળ, ચિન્મય મિશન સમગ્ર વિશ્વમાં સતત આગળ વધી રહ્યું છે અને આજે વિશ્વભરમાં 300 થી વધુ કેન્દ્રો છે.