લંડનઃ હનુમાન હિન્દુ મંદિર દ્વારા ભવ્ય અન્નકૂટ સાથે એકતા, સમર્પણ અને સંવાદિતાની ભાવના સાથે વિવિધ આસ્થાની કોમ્યુનિટીને નિકટ લાવવા પાંચ દિવસ સુધી દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. સનાતન ધર્મની પરંપરામાં નિરાશા પર આશા અને અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીકરૂપે સેંકડો પરંપરાગત દીવડા સાથે લંડનસ્થિત હનુમાન મંદિર ઝગમગી ઉઠ્યું હતું. આ ઊજવણીઓમાં પ્રખ્યાત પૂજારીઓ પવનભાઈ દત્તા (સામવેદ) અને જીતુભાઈ દવે (શુક્લ યજુર્વેદ) દ્વારા વેદિક ક્રિયાકાંડ સાથે 56 પ્રકારની શાકાહારી વાનગીઓ સાથે વૈષ્ણવ પરંપરાના અન્નકૂટ અને ગોવર્ધન પૂજા મુખ્ય રહ્યા હતા.
મંદિરના ચેરમેન અને ટ્રસ્ટી, ઊચ્ચ વેદિક પૂજારી જીતુભાઈ દવેએ દિવાળી, અન્નકૂટ અને ગોવર્ધન પૂજાના આધ્યાત્મિક મહત્ત્વ વિશે સંક્ષિપ્ત સંબોધનમાં કૃતજ્ઞતા, રક્ષણ અને દિવ્ય સેવાનાં મૂલ્યો પર ભાર મૂક્યો હતો. આ ઈવેન્ટમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલ, હન્સલો ફ્રેન્ડ્સ ઓફ ફેઈથના ચેરમેન ડો. ચરણજિત સિંહ, મેટ પોલીસ હેટ ક્રાઈમ કોઓર્ડિનેટર અને ફેઈથ લાયેઝન ઓફિસર (વેસ્ટ એરિયા) PC પીટર ટ્રુમેન સહિત કોમ્યુનિટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતરધર્મીય એકતાની ઉષ્માસભર શુભચેષ્ટામાં અહમદિયા મુસ્લિમ વિમેન્સ એસોસિયેશન (યુકે)ના સભ્યોએ મિત્રતા અને આપસી આદરની સાચી ભાવના સાથે દિવાળીની શુભેચ્છા પાઠવવાં મંદિરની મુલાકાત લીધી હતી.
જાહેર જનતા માટે 1:00 PM થી 7:00 PM સુધી અન્નકૂટના દર્શન ખુલ્લા રખાયા હતા તેમજ દર કલાકે આરતી કરવામાં આવી હતી. સેંકડો ભક્તો અને મુલાકાતીઓને આવકારવામાં આવ્યા હતા. ઈવેન્ટના સમાપને તમામ ઉપસ્થિત સભ્યોને પવિત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.


