લંડનઃ હાર્ટફુલનેસના વૈશ્વિક માર્ગદર્શક દાજી (કમલેશ ડી. પટેલ) 15થી 20 ઓક્ટોબરના ગાળામાં લંડનની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાતમાં વેલબીઈંગ, સસ્ટેનિબિલિટી, પાર્લામેન્ટ, આંતરધર્મીય સંવાદ અને શિક્ષણના ક્ષેત્રોને આવરી લેવાયા હતા. જાહેર જનતા, પાર્લામેન્ટેરિયન્સ, એકેડેમિક્સ, બિઝનેસ અગ્રણીઓ, ધાર્મિક સમુદાયો અને સિવિલ સોસાયટીના 1400થી વધુ સભ્યો કાર્યક્રમોમાં સામેલ થયા હતા.
હાર્ટફુલનેસ યુકે દ્વારા સાઉથઈસ્ટ લંડનના બેક્સલીહીથ ખાતે 44 એકરના સસ્ટેનિબિલિટી અને કોમ્યુનિટી ઈનિશિયેટિવને આકાર અપાઈ રહ્યો છે. ભારતના હૈદરાબાદમાં 1400 એકરમાં ફેલાયેલા હાર્ટફુલનેસના વડા મથક કાન્હા શાંતિ વનમની જેમ બેક્સલીહીથ ઈનિશિયેટિવમાં હરિયાળી જગ્યાઓ, પર્યાવરણીય જીર્ણોદ્ધાર અને બાયોડાઈવર્સિટી, વેલબીઈંગ, એજ્યુકેશન, વોલન્ટીઅરીંગ અને કોમ્યુનિટીને સામેલ કરવાની કલ્પના છે.
દાજી 16 ઓક્ટોબરે બેક્સલીહીથ ઈનિશિયેટિવની જગ્યા પર સ્થાનિક વોલન્ટીઅર્સ અને ડાર્ટફોર્ડના સાંસદ જિમ ડિક્સન, કાઉન્સિલર રાગ્સ સાંધુ, બેક્સલીના ડેપ્યુટી મેયર કાઉન્સિલર ફ્રેઝર બ્રૂક્સ સહિત કોમ્યુનિટી પ્રતિનિધિઓને મળ્યા હતા. 17 ઓક્ટોબરે ધ્યાન, સંગીત અને ચિંતનના કાર્યક્રમ અવેકનિંગ ધ લાઈટ વિધિનમાં 1400થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. દાજી સાથે વાતચીત અને સામૂહિક ધ્યાનના કાર્યક્રમમાં કોમનવેલ્થના પૂર્વ સેક્રેટરી જનરલ બેરોનેસ પેટ્રિસિયા સ્કોટલેન્ડ, હર્ટ્સમીઅરના લોર્ડ ક્રિશ રાવલ, બ્લૂમ્સબરીના લોર્ડ ઉદય નાગારાજુ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મેહૂલ સંઘરાજકા MBE અને યુએન ઓફિસ ફોર આઉટર સ્પેસ એફેર્સના ડાયરેક્ટર આરતી હોલ્લા-મેઈની સહિતના મહાનુભાવોએ ભાગ લીધો હતો. લોર્ડ રાવલ અને બેરોનેસ પેટ્રિસિયાએ હાર્ટફુલનેસના કોમ્યુનિટી કાર્યો વિશે વાત કરી હતી.
દાજીના ધ પાવર ઓફ પેરેડોક્સ, અષ્ટાવક્ર મહાગીતા અને ધ હાર્ટ ઓફ જૈનિઝમ પુસ્તકોને બેરોનેસ સ્કોટલેન્ડ, લોર્ડ નાગારાજુ, ડો. મેહૂલ સંઘરાજકા અને આરતી હોલ્લા-મેઈનીની હાજરીમાં લંડનમાં રીલિઝ કરાયા હતા. દાજી લોર્ડ રાવલ દ્વારા આયોજિત પાર્લામેન્ટરી સંવાદમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. એકેડેમિક્સ, ઈન્ડસ્ટ્રી, ફીલાન્થ્રોપી, જાહેર જીવન અને જૈન સમુદાયના આશરે 24 વરિષ્ઠ મહાનુભાવો સાથેના અન્ય ખાનગી કાર્યક્રમમાં હૈદરાબાદ ખાતે હાર્ટફુલનેસના વિશ્વસ્તરીય યુનિવર્સિટી ઈનિશિયેટિવ HARI (હાર્ટફુલનેસ એકેડેમી ઓફ રિસર્ચ એન્ડ ઈનોવેશન) વિશે વિચારગોષ્ઠિ યોજાઈ હતી.


