માન્ચેસ્ટરઃ હાર્ટફૂલનેસ દ્વારા આરોગ્ય અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માન્ચેસ્ટરના સ્ટ્રેટફોર્ડ પબ્લિક હોલમાં ધ્યાન અને યોગના સફળ ઈવેન્ટનું આયોજન કરાયું હતું જેમાં, 60થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં ટ્રેફોર્ડના મેયર કાઉન્સિલર એમી વ્હીટે હાજરી આપી હતી જેઓ સતત માન્ચેસ્ટચરમાં હાર્ટફૂલનેસ ઈનિશિયેટિવ્ઝના સમર્થક રહ્યાં છે.
હાર્ટફૂલનેસના પ્રેસિડેન્ટ અને માર્ગદર્શક કમલેશ ડી. પટેલ (દાજી)એ જણાવ્યું હતું કે, ‘આધુનિક જીવનના પડકારોના પ્રત્યાઘાત સ્વરૂપે હાર્ટફૂલનેસ આંતરિક શાંતિ શોધવા વ્યવહારુ પદ્ધતિઓ ઓફર કરે છે. સૌપ્રથમ પગલું અશાંત મન અને હૃદયની હલચલને સ્થિર કરવાનું છે. હાર્ટફૂલનેસની પ્રેક્ટિસ આપણને એવી અવસ્થામાં લાવે છે જ્યાં આપણે કોઈ પણ સંજોગોમાં શાંતિપૂર્ણ બની રહીએ.’
બિનનફાકારી સંસ્થા હાર્ટફૂલનેસ 160 દેશોમાં હૃદય આધારિત ધ્યાન અને યોગપદ્ધતિઓ થકી લોકોને સપોર્ટ કરે છે. વિશ્વભરમાં તેના 5,000થી વધુ ‘હાર્ટસ્પોટ્સ’ અને 500,000 સ્વયંસેવકો સાથે હાર્ટફૂલનેસ પશ્ચાદભૂ અથવા સંજોગોને ધ્યાનમાં લીધા વિના જ તમામ માટે સ્વાસ્થ્યને પ્રાપ્ય બનાવી રહેલ છે.