હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમવાર તુલસી જન્મોત્સવ ઉજવાયો

તલગાજરડાથી શરૂ થયેલી પરંપરા અમેરિકા પહોંચી; મોરારિબાપુની હાજરીમાં સમારોહમાં વિદ્વાનો અને નિષ્ણાતોનું સન્માન

Wednesday 26th August 2026 06:07 EDT
 
 

મેસેચ્યુસેટ્સ: રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતી નિમિત્તે ગયા બુધવારે હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં પૂ. મોરારીબાપુની નવ દિવસીય રામકથા ‘માનસ ગુરુ પ્રસાદ’ અંતર્ગત તુલસી જન્મોત્સવ અને ગ્લોબલ એવોર્ડ્સ સમારોહ યોજાયો હતો. તુલસી જયંતીના ઇતિહાસમાં પ્રથમવાર આ પુરસ્કારો ભારતની બહાર, અમેરિકામાં એનાયત કરવામાં આવ્યા હતા.
વર્ષ 2010થી સૌરાષ્ટ્રના તલગાજરડામાં યોજાતી આ પરંપરા અંતર્ગત તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી પુરસ્કારો દ્વારા રામકથા, રામચરિતમાનસ તથા ભારતીય સાહિત્ય અને આધ્યાત્મિક પરંપરાના સંરક્ષણ અને પ્રસાર માટે વિશિષ્ટ યોગદાન આપનારાઓનું સન્માન કરવામાં આવે છે.
જેમાં આ વર્ષે યુસી બર્કલેના પ્રોફેસર સેલી જે. સધરલેન્ડ ગોલ્ડમેન અને રોબર્ટ ગોલ્ડમેન તેમજ ઓસાકા યુનિવર્સિટીના મડોકા કુકઓકાને ‘વાલ્મીકિ પુરસ્કાર’ અપાયો હતો. જ્યારે ‘વ્યાસ પુરસ્કાર’ કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન સ્ટ્રેટન હોલ, ડો. અશ્વિનભાઈ કાંતિલાલ રાજગોર અને દેવી ચિત્રલેખાને એનાયત થયો હતો. આ ઉપરાંત, યૂટી ઓસ્ટિનના પ્રોફેસર રૂપર્ટ સ્નેલ અને પિયુષભાઈ મહેતાને ‘તુલસી પુરસ્કાર’ તથા હાર્વર્ડનાં પ્રોફેસર ડાયના એલ. એકને ‘રત્નાવલી પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પૂ. મોરારીબાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ સન્માન સદીઓ જૂની ભારતીય સાહિત્યિક અને આધ્યાત્મિક પરંપરાને વૈશ્વિક શ્રોતાઓ સાથે જોડવાનો એક પ્રયાસ છે.
કથાના મુખ્ય આયોજક પાવન પોપટે જણાવ્યું કે બાપુ દ્વારા પ્રસારિત સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ તમામ ભૌગોલિક અને સાંસ્કૃતિક સીમાઓથી પર છે. છ દાયકાથી વધુ સમયથી વૈશ્વિક સ્તરે રામકથાનું વાચન કરતા મોરારીબાપુએ આજના આધુનિક યુગમાં રામાયણ અને ગોસ્વામી તુલસીદાસજીના સાહિત્યિક વારસાને નવી ઊંચાઈઓ પર પહોંચાડયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલ આ ઐતિહાસિક કાર્યક્રમે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક્તાના વૈશ્વિક પ્રસારમાં એક નવો અને મહત્ત્વપૂર્ણ અધ્યાય જોડ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter