લંડનઃ હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ દ્વારા રવિવાર 16 ઓગસ્ટના રોજ ગર્વપૂર્વક ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. ચેરપર્સન નિર્મળાબહેન પટેલ અને સમર્પિત કમિટી સભ્યોની આગેવાનીમાં ઉજવણીનો કાર્યક્રમ વેમ્બલીના સ્ટેનલી એવન્યુસ્થિત એલ્પર્ટોન કોમ્યુનિટી સ્કૂલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કિંગના પ્રતિનિધિ મે સિમ લી, ભારતીય હાઈ કમિશનના શિશધરન મીના, GLA મેમ્બર કૃપેશ હિરાણી, કાઉન્સિલરો, કોમ્યુનિટી અગ્રણીઓ, પ્રતિનિધિઓ, અને યુકેમાંથી વ્યાપક કોમ્યુનિટી સભ્યોએ ઉપસ્થિત રહી એકતાનું પ્રદર્શન કરાવ્યું હતું.
દીપપ્રાગટ્ય અને ધ્વજારોહણ સાથે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. આ પછી, એકતા અને ગૌરવની ભાવના સાથે એકત્ર લોકો સમક્ષ ભારતના વિવિધ રાજ્યો અને શ્રીલંકા દ્વારા ભારતની સમૃદ્ધ વિરાસતને દર્શાવતા દેશભક્તિના લોકગીતો અને નૃત્યોની રજૂઆતો ઉપરાંત, પ્રેરણાદાયી સંબોધનો કરાયાં હતાં. ઈવેન્ટના સમાપને ડિનરનું આયોજન કરાયું હતું.
ઈવેન્ટ દરમિયાન, હિન્દુ કાઉન્સિલ(બ્રેન્ટ)ની દીર્ઘકાલીન સેવા અને સમર્પિતતાની કદર સ્વરૂપેકમિટીના સભ્યોમાં એક-કચ્છ સોશિયલ એન્ડ કલ્ચરલ સોસાયટીના અશ્વિનભાઈ હાલાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. ચેરપર્સન નિર્મળાબહેન પટેલે જણાવ્યું હતું કે સાચી નેતાગીરી મોટા ભાગે નોંધ નહિ લેવાયેલા નાયકોનું સન્માન કરે છે અને તેમના યોગદાનને બિરદાવવું તે આનંદની વાત છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો, પરફોર્મર્સ, વોલન્ટીઅર્સ તેમજ આ ઉજવણીને ભવ્ય સફળતા અપાવવામાં કામ કરનારા ઉદાર સ્પોન્સરો પ્રતિ આભારની હાર્દિક લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.


