હિન્દુ કાઉન્સિલ, યુકે દ્વારા નેપાળના પુરગ્રસ્તો માટે પ્રાર્થના

Wednesday 09th September 2026 06:33 EDT
 
 

લંડનઃ હિન્દુ કાઉન્સિલ, યુકે દ્વારા નેપાળના વિનાશક પૂર અને ભૂસ્ખલનોનો ભોગ બનેલા લોકો માટે પ્રાર્થના યોજવામાં આવી હતી. હિન્દુ કાઉન્સિલ યુકેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને એક્ઝિક્યુટિવ મેમ્બરોએ વિનાશક પૂર અને ભૂસ્ખલનોના સમાચારોથી દુઃખ અનુભવ્યું હતું.

હિમાલય પર્વતોમાં ગ્લેસિયર તૂટી પડવાથી નેપાળ-તિબેટ સરહદે ત્રિશુલા નદીમાં ભારે પૂર આવ્યું હતું. પૂરના ધસમસતા જળપ્રવાહમાં સંખ્યાબંધ ગામો તણાઈ જવા સાથે ભારે જાનહાનિ થઈ હતી અને સંખ્યાબંધ લોકો લાપતા છે. પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન, ભગવાન શિવના નિવાસ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા કેટલાક બ્રિટિશ હિન્દુઓની પણ ભાળ મળી રહી નથી.

હિન્દુ કાઉન્સિલ, યુકે દ્વારા નેપાળના લોકો તેમજ બ્રિટિશ હિન્દુ પ્રવાસીઓ અને તેમના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ અને દિલસોજી વ્યક્ત કરવા સાથે તેમની સલામતી માટે પ્રાર્થના પણ કરાઈ હતી. અસરગ્રસ્ત સમુદાયોને મુશ્કેલ સમયમાં તેમના જીવનના પુનઃનિર્માણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કરાઈ હતી.

સમગ્ર ભારત ઉપખંડમાં માનવતાવાદી ભૂમિકાએ આપદાગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિટીઓ માટે બચાવ અને રાહતના કાર્યોમાં લાંબા સમયથી સંકળાયેલી હિન્દુ ચેરિટી ફાઉન્ડેશન અને સેવા યુકે સંસ્થાઓને ઉદાર હાથે દાન આપવાની અપીલ પણ કરવામાં આવી છે. આ દાન માટે www.justgiving.com/campaign/sewauk-nepalfloodsappealનો સંપર્ક કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter