નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે 60થી વધુ મૌલવીઓ અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કરી હતી, જેમાં બંને પક્ષોએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (એઆઈઆઈઓ)ના વડા ઉમર અહેમદ ઈલિયાસીએ જણાવ્યું હતું. આરએસએસે પણ આ બેઠકને સકારાત્મક ગણાવી હતી અને કહ્યું કે, દેશના હિતમાં સમાજના બધા જ વર્ગો સાથે વ્યાપક ચર્ચા યોજવાની સતત ચાલતી પ્રક્રિયાના ભાગરૂપે આ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો હેતુ દેશના હિતમાં બધા જ લોકો સાથે મળીને કેવી રીતે કામ કરી શકે તેના માર્ગો શોધવાનો હતો.
ઈલિયાસીએ જણાવ્યું કે, સંઘના વડા ભાગવત સાથેની બેઠક લગભગ સાડા ત્રણ કલાક ચાલી હતી. આ બેઠકમાં વિવિધ મદરેસાના 60થી વધુ ઈમામ, મુક્તી અને મોહતામિમ્સે હાજરી આપી હતી. હરિયાણા ભવનમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું. ઈલિયાસીએ કહ્યું કે, રાષ્ટ્રીય એકમાત્ર માધ્યમ ચર્ચા છે. ચર્ચા-હિતોના મુદ્દાઓ પર મુક્તપણે ચર્ચા કરવા માટે આ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે મંદિરો અને મસ્જિદો, ઈમામો અને પુજારીઓ તથા ગુરુકુળ અને મદરેસાઓ વચ્ચે સંવાદ સ્થાપિત થવો જોઈએ. ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠન અને આરએસએસ સાથે મળીને કામ કરશે તે અંગે સર્વસંમતી હતી. કોઈપણ વિવાદનો ઉકેલ લાવવાનું વાટાઘાટોથી જ ગેરસમજોને દૂર કરી શકાય છે, નફરતનો અંત લાવી શકાય છે અને પારસ્પરિક સંકલન સ્થાપી શકાય છે તથા પારસ્પરિક વશ્વાસ ઊભો કરી શકાય છે.