હિન્દુ સંસ્કૃતિનો આધારસ્તંભ છે મંદિરો, શાસ્ત્રો અને સંતોઃ સાધુ પ્રેમવત્સલદાસજી

સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના પુસ્તકનું વિમોચન

Wednesday 09th August 2023 09:40 EDT
 
 

લંડનઃ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે રવિવારે મંદિરના દસમા પાટોત્સવની ઉજવણી પ્રસંગે કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવનકવન આધારિત ‘Idol of Sainthood Sadguru Shastri Shree Anandpriyadasji Swami’ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે એબીપીએલ ગ્રૂપના પબ્લિશર / એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ અને ‘ગુજરાત સમાચાર’ના ગ્રૂપ એડિટર મહેશભાઈ લિલોરિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પુસ્તકના લેખક સાધુ પ્રેમવત્સલદાસજીએ સી.બી. પટેલના સેવાયજ્ઞ-જ્ઞાનયજ્ઞને બિરદાવતા જણાવ્યું હતું કે, યુરોપમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં અને તેના પ્રચાર અને પ્રસાર કરવામાં તેમનું ખૂબ જ મહત્વનું પ્રદાન છે. 51વર્ષથી તેઓ ‘ગુજરાત સમાચાર’ના માધ્યમથી પ્રશંસનીય સમાજસેવા કરી રહ્યા છે. તેમની આ સેવાને બિરદાવતા ભારતના વડાપધાન અને રાષ્ટ્રપતિ દ્વારા પણ તેમને સન્માનિત કરીને એવોર્ડ અર્પણ કરાયો છે. સી.બી. પટેલના આ ભગીરથ કાર્યને અત્યારે મહેશભાઈ સાથ અને સહકાર આપીને આગળ ધપાવી રહ્યાં છે, તે પ્રશંસનીય છે.
આ પ્રસંગે સી.બી. પટેલે હરિભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે, આપણા આ સંતો એ સંસ્કૃતિની ધરોહર છે, તેઓ વારંવાર લંડન આવીને આપણા યુવાનોને સત્સંગના રંગે રંગે છે, તેના થકી જ આપણી સંસ્કૃતિ ટકી રહી છે. ‘ગુજરાત સમાચાર’માં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી તેમના લેખો દ્વારા અનેક વર્ષોથી યુવાનોને પ્રેરણા આપી રહ્યાં છે, અને આજે તેમના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે જાણી મને ખૂબ જ આનંદ થાય છે.’
આ પ્રસંગે પુસ્તકના લેખક સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિરો, શાસ્ત્રો અને સંતો છે. આવા શાસ્ત્રો જ આપણી સંસ્કૃતિનું પોષણ અને સંવર્ધન કરે છે. આ પુસ્તકમાંથી શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કેવું જીવન જીવ્યા? અને તેમણે કેવો આદર્શ જીવનસંદેશ આપ્યો છે, તે જાણવા મળે છે. આ જીવનસંદેશની સાથે સાથે સ્વામીજીના દર્શન થાય તે માટે વિવિધ ફોટોગ્રાફ્સ પણ અંકિત કરવામાં આવ્યા છે તો આ પુસ્તક સહુ કોઇએ અવશ્ય વાંચવું જોઈએ અને તેમાં આપેલ જીવનસંદેશને આપણે જીવનમાં ઉતારવો જોઈએ.
આજના માણસો ફેસબુકમાં જેટલો રસ ધરાવે છે તેટલો રસ ધાર્મિક બુકો વાંચવામાં ધરાવે અને તે પ્રમાણે તેનું જીવન જીવવા લાગે તો તે સુખી - સુખી થઈ જાય. તેથી આપણા જીવનને આદર્શ બનાવવા માટે અને સુખી થવા માટે નિત્ય ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ અને તે પ્રમાણે વર્તન કરવું જોઈએ.
અંતમાં કુમકુમ સંસ્થાના શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ સી.બી. પટેલ અને મહેશભાઇનું હાર પહેરાવીને સન્‍માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પુસ્તક પ્રકાશિત કરવામાં માયાબેન ડી. પીંડોરીયા અને ધનુબેન કે. હાલાઈએ આર્થિક યોગદાન આપ્યું છે. સમગ્ર કાર્યક્રમનો દેશવિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર - કુમકુમ યુટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter