‘આપણા સંસ્કાર અને સંસ્કૃતિને બચાવવા માટે બાળપણને સાચવવું પડશે’

એસજીવીપી - છારોડી ગુરુકુલના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની સી.બી. પટેલને ત્યાં પધરામણી

Wednesday 02nd July 2025 05:49 EDT
 
 

લંડનઃ ગુજરાતના પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાન અને એસજીવીપી-છારોડી ગુરુકુલના નામે જાણીતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના અધ્યક્ષ પ.પૂ. સ્વામી માધવપ્રિયદાસજીએ વીતેલા સપ્તાહે લંડન વિચરણ દરમિયાન પ્રિય આત્મિક એવા પ્રકાશક-તંત્રી સી.બી. પટેલના નિવાસસ્થાને પધરામણી કરીને સત્સંગ કર્યો હતો.
સહજ, સરળ, સત્કાર્યોથી સંપન્ન, જ્ઞાન અને જ્ઞાનાધીશને ધારણ કરનારા સ્વામી માધવપ્રિયદાસજી એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ હોવા ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે, સમાજસેવા ક્ષેત્રે અને પર્યાવરણ જતનના ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી પ્રસંશનીય યોગદાન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સી.બી. પટેલ સ્વામીશ્રી સાથે વર્ષોજૂનો સંબંધ ધરાવે છે. આ સંબંધના નાતે સ્વામીશ્રીએ અતિ વ્યસ્ત કાર્યક્રમ છતાં પણ સંતગણ સાથે સી.બી. પટેલના ઘરે પધરામણી કરી હતી.
સારી વસ્તુ આપણને મળે તો પ્રિયજનોને વહેંચવાનો વણલખ્યો શિરસ્તો નિભાવતા સી.બી.પટેલે પણ આ પ્રસંગે પ્રિયજનોને આમંત્ર્યા હતા. સ્વામીશ્રી સાથે તેમના દ્વારા નિત્ય પૂજાતા ઠાકોરજી હતા. આ પ્રસંગે ઠાકોરજીનું સ્તવન-પૂજન થયું. સ્વામીશ્રીનું ભાવપૂજન થયું અને પધારેલા અતિથિઓનો સત્કાર-પરિચય થયા હતા. આ પ્રસંગે શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી વેલજીભાઇ વેકરિયાએ પૂ. સ્વામીશ્રીનો વિશદ્ પરિચય આપ્યો હતો. બાદમાં સ્વામીશ્રીએ યજમાન અને મહેમાન સાથે સુંદર અને રોચક સત્સંગ કર્યો હતો.
સી.બી. પટેલની લાગણીને માન આપીને સ્વામીશ્રીએ સત્સંગની સાથે સાથે તેમના દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે સ્વામીશ્રીએ કહ્યું કે, આજે આપણા સૌનો પ્રયાસ માનવતાના દીવડા પ્રગટાવવાનો છે. આપણો ધર્મ સર્વે ભવન્તુ સુખિનની મંગલ ભાવના શીખવે છે. જ્યારે કેટલાક ધર્મો માત્ર માનવીને જ સુખના અધિકારી માને છે. કેટલાક ધર્મો પોતાના ધર્મનું પાલન કરનારાને જ જીવવાનો અધિકાર માને છે, જ્યારે ભારતીય ઋષિમુનિઓ માનવીની સાથે સૃષ્ટિની તમામ રચનાઓ પશુપંખી, વૃક્ષો, સરોવરો, નદી, તળાવ આદિક સર્વેની સુખાકારીની કામના કરે છે. આપણે આપણી સંસ્કૃતિને સાચવવાનો પૂર્ણ પ્રયાસ કરવો જોઈએ, જેની શરૂઆત ઘરથી થાય છે. આજે માનવીના મન સૂકાં રણ જેવા થતા જાય છે. સતત મશીનો સાથે કામ કરનારો માનવ રોબોટ જેવો થતો જાય છે. હૈયાના હેતને જાળવી રાખવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે આધુનિકતા આપણી માનવતાને ભરખી ન જાય તેના માટે શું કરવું જોઈએ? એ વિચાર આજથી 75 વર્ષ પહેલા ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કર્યો. તેમણે વિચાર્યું. સંસ્કાર અને સંસ્કૃતિને બચાવવા માટે બાળપણને સાચવવું પડશે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલા બે મંત્રોને એમણે જીવન મંત્ર બનાવ્યા. તે મંત્રો હતાઃ ‘પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત્સુકૃત મહત્’ અને ‘સર્વજીવ હિતાવહ સેવા પ્રવૃત્તિ’.
એસજીવીપી ગુરુકુલનો જ્ઞાનયજ્ઞ
આ પ્રસંગે પ.પૂ. સ્વામીશ્રી માધવપ્રિયદાસજીએ સંસ્થા દ્વારા થઈ રહેલા શૈક્ષણિક, સામાજિક તથા પર્યાવરણલક્ષી સેવાકાર્યોને ટૂંકમાં વર્ણવ્યા હતા. અમે ભગવાન શ્રી સ્વામિનારાયણના સંદેશ અને પૂજ્ય ગુરુદેવ દ્વારા આરંભાયેલા સેવાયજ્ઞને અત્યારે આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એમ કહીને સ્વામીશ્રીએ ઉમેર્યું હતું કે આજે એસજીવીપી ગુરુકુલની પાંચ શાખાઓ છે. મુખ્ય શાખા (અમદાવાદ સ્થિત) છારોડી ગુરુકુલ છે. ત્યાં એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કુલ ચાલે છે. ભારતની સર્વોત્તમ સ્કુલમાં ત્રીજા નંબરે રહેલી આ સ્કુલમાં ભારત ઉપરાંત વિશ્વના 20 દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવ્યા છે. અહીં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય છે. જેમાં ઋષિકુમારો ચારેય વેદોનો અભ્યાસ કરી રહ્યા છે. આજે સમસ્ત ભારતમાં સામવેદના ગણ્યાગાંઠ્યા વિદ્વાનો બચ્યા છે ત્યારે આ પાઠશાળામાં નવ ઋષિકુમારો સામવેદનો અભ્યાસ કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે અહીં 200 ઉપરાંત ઋષિકુમારો વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યા છે. અહીં અભ્યાસ કરી ચૂકેલા ઋષિકુમારો આજે ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ પ્રસારી રહ્યા છે.
અમદાવાદના મેમનગર ગુરુકુલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ કરવા આવેલા 500 વિદ્યાર્થીઓ એક દિવસનો એક રૂપિયો લવાજમ ભરીને માત્ર 360 રૂપિયામાં અભ્યાસ કરી રહ્યા છે. દ્રોણેશ્વર ગુરુકુલમાં ગામડાંના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ભગવદ્ કૃપાથી ત્યાં 1100 ઉપરાંત વિદ્યાર્થીઓ છે. અહીં ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ વિનામૂલ્યે અભ્યાસ કરી રહી છે. આ જ ગુરુકુલમાં 500 દીકરીઓ વિનામૂલ્યે અભ્યાસ કરી શકે તેવા છાત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે.
સમાજસેવાની ઝળહળ જ્યોત
એસજીવીપી દ્વારા હોલિસ્ટીક હોસ્પિટલનું સંચાલન થઇ રહ્યું છે. અહીં એલોપથી, આયુર્વેદ અને યોગનો સમન્વય થયો છે. અહીં તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ માનવ સેવાના પરમ હેતુથી ઉભી કરાઇ છે. આ સંસ્થા દ્વારા ઉનાળામાં ચંપલ વિતરણ થાય છે. આ વર્ષે 10,000 જોડી ચંપલનું વિતરણ થયું. તો કેરીની સિઝનમાં કેસર કેરીનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે 7,000 કિલો કેસર કેરી વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, હોસ્પિટલ તથા દરિદ્રનારાયણને અર્પણ કરવામાં આવી છે.
સમાજસેવા જ નહીં, પર્યાવરણના જતન-સંવર્ધન માટે પણ સતત પ્રયાસ થઈ રહ્યા છે. આજ સુધીમાં લાખો વૃક્ષોનું વાવેતર અને જતન થયું છે. દુષ્કાળની સંભાવનાને ટાળવા માટે 1000 ચેકડેમનું નિર્માણ કરાયું છે. હજારો કુવાઓનું રિચાર્જ કરાયા છે. આજે ખેડૂત વર્ગ રાસાયણિક ખેતીથી મુક્ત થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેના પ્રયાસ ચાલી રહ્યો છે.
માતૃભાષાની સેવામાં ‘ગુજરાત સમાચાર’નું આગવું યોગદાન
સ્વામીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાત સમાચારના માધ્યમથી આદરણીય સી.બી. પટેલે માતૃભાષાની ખૂબ જ અદકેરી સેવા કરી છે. માતૃભાષા થકી જ સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મ સચાવાતા હોય છે. યુકેમાં એશિયનો કરતાં ભારતીયો અલગ છે તેવી આગવી ઓળખ ઉભી કરવામાં સી.બી. પટેલનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. સી.બી. પટેલના આ મહત્વપૂર્ણ યોગદાનના કારણે જ અમને સી.બી.નું વ્યક્તિત્વ ગમે છે અને વારંવાર મળવાનું મન થાય છે.’
સી.બી. પટેલે સંત પધરામણીના આ અવસરે એનસીજીઓના ચેરમેન વિમલજીભાઈ ઓડેદરા, એનસીજીઓના પૂર્વ સેક્રેટરી જીતુભાઈ પટેલ, સુભાષભાઇ ઠકરાર-ઓબીઇ, મનુભાઈ ગાજપરીયા (કિંગ્સ કિચન), જીગરભાઈ શાહ, ગોવિંદભાઈ કેરાઈ, રવજીભાઈ હિરાણી, વેલજીભાઈ વેકરિયા વગેરે સહિતના મિત્રો-શુભેચ્છકોને સંતદર્શન તથા સત્સંગનો લાભ લેવા બોલાવ્યા હતા. આ સર્વે મિત્રો સંગાથે સ્વામીજીએ સામાજિક તથા ધાર્મિક વિષયો અંગે રસપ્રદ ચર્ચાઓ કરી હતી.
‘ધર્મ વાતોનો નહીં, આચરણનો વિષય છે’
સુભાષભાઇ ઠકરાર-ઓબીઈએ આ પ્રસંગે સરસ સવાલ કર્યો હતો કે, હિંદુ ધર્મ વિશે પ્રવચનો - ચર્ચાઓ ખૂબ થાય છે પણ સમાજ હિંદુ ધર્મથી દુર કેમ થતો જાય છે? સ્વામીશ્રીએ માર્મિક ટકોર કરતા કહ્યું હતું કે, અન્ય ધર્મોના અનુયાયીઓ પોતાના ધર્મને જેટલા વફાદાર છે એટલા હિંદુઓ છે? શું હિંદુઓની જીવનપદ્ધતિ હિંદુ જીવનને અનુરૂપ રહી છે? આ મુદ્દાઓ અંગે હિંદુઓએ મનોમંથન કરવાની જરૂર છે.
પ્રશ્નના સમાધાનરૂપે સ્વામીશ્રીએ જણાવ્યું કે, મહાપુરુષોએ કહ્યું છે કે ધર્મ એ વાતોનો વિષય નથી. ધર્મ આચરણનો વિષય છે. પારિવારિક જીવન હોય, સામાજિક ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર હોય, વાતો કરતાં વર્તનનો પ્રભાવ વિશેષ પડતો હોય છે. સંતાનોને સંસ્કારી બનાવવા હોય તો માતાપિતાએ ઘરમાં સંસ્કારી વાતાવરણ ઉભું કરવું પડે છે. બાળકો બહુ હોંશિયાર હોય છે. તે આપણા વાણી અને વર્તનના ભેદને તરત પારખી લેતા હોય છે. એ જ રીતે સુજ્ઞ સમાજ પણ ઉપદેશકના વાણી અને વર્તનની ઝીણવટથી નિરીક્ષણ કરતા હોય છે. આ તો દિવાથી દિવો પ્રગટે તેના જેવી વાત છે.
બહેનોના યોગદાનને માત્ર આર્થિક દૃષ્ટિએ ના મૂલવીએ
સુપ્રસિદ્ધ કચ્છી ઉદ્યોગપતિ મનુ રામજીએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે, બહેનોને જોઈએ એવો અવસર આપવામાં આવતો નથી. તો જીગરભાઇ શાહે પણ આ મંતવ્યને સમર્થન આપતાં કહ્યું હતું કે આર્થિક વિકાસમાં બહેનોનો રોલ હજુ જોઈએ તેટલો નથી. મહેર સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ વિમલજીભાઈ ઓડેદરાએ એ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી કે આજે દિવસે દિવસે ડિવોર્સના પ્રશ્નો વધતા જાય છે.
આ મુદ્દાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા સ્વામીશ્રીએ જણાવ્યું કે, આ પ્રશ્નને માત્ર આર્થિક વિકાસની દૃષ્ટિએ ના મૂલવવો જોઈએ. આ પ્રશ્નને અનેક એંગલથી જોવાની જરૂર છે. બહેનો શિક્ષણ, ઉદ્યોગ-ધંધા વગેરે વિવિધ ક્ષેત્રોમાં ખૂબ આગળ વધે એ અવશ્ય ઈચ્છનીય છે, પરંતુ એક કામ એવું છે કે જે પુરુષ ક્યારેય કરી નહીં શકે. પરમેશ્વરે બહેનોને એક અણમોલ ભેટ આપી છે અને એ છે માતૃત્વ. બીજી ભેટ છે - પ્રેમ અને વાત્સલ્યભર્યું હૃદય. આજના કહેવાતા બૌદ્ધિકોએ માતૃત્વ અને સંતાનોને સંસ્કાર આપવાના કાર્યોને સાવ સાધારણ માન્યું છે.
બીજી વાત એ છે કે, પંખી ઉડી ઉડીને માળે આવે એમ અમારી દ્રષ્ટિ તો ફરી ફરીને શિક્ષણ ઉપર આવે છે. આપણે આપણા સંતાનોને પૈસા કેમ કમાવવા અને ઉત્તમ ભોગ સામગ્રી કેમ ભેગી કરવી એ શીખવ્યું છે, પરંતુ જીવનની સર્વાંગીણ સફળતાના પાઠ શીખવવામાં ઊણા ઉતર્યા છીએ. જીવનમાં ધૈર્ય, સાહસ, સમજણ, સહનશીલતા, એકબીજાની લાગણીઓને આદર આપવો, એકબીજાની લાગણીઓનું સન્માન કરવું વગેરે અનેક જીવનમૂલ્યોને શીખવવામાં ઊણા ઉતર્યા છીએ.
આપણે પરિવારની જ વાત કરીએ તો, પરિવારમાં અનેક સભ્યો છે. દરેકના રૂચિ, સ્વભાવ, વિચાર અલગ અલગ છે. વિખ્યાત તત્વચિંતક ખલિલ જિબ્રાન કહે છે કે પારિવારિક જીવનને સુખી કરવું હોય તો પરસ્પર એકબીજાની વ્યક્તિગત સ્વતંત્રતાનો સ્વીકાર અને સન્માન કરવા જોઈએ. સંતાનોને પણ આપણી રૂચિ પ્રમાણે ઢાળવા કરતા એમાં જે શક્યતાઓ છે એને વિકસવાનો અવસર મળવો જોઈએ. સંતાનોને નાનપણથી શીખવવું જોઈએ કે, જીવનમાં એકસરખી પરિસ્થિતી ક્યારેય રહેતી નથી. ઊંચી-નીચી, સારી-નરસી, સફળતા- નિષ્ફળતા, ધાર્યું થાય ન થાય એવી
સ્થિતિમાં કઈ રીતે જીવવું એના પાઠો બાળકોને નાનપણથી શીખવવાની જરૂર છે.
આ પ્રસંગે એમેઝીંગ ટાઈલ્સવાળા ગોવિંદભાઈએ ટૂંકી, પણ સરસ વાત કરી કે આપણા શાસ્ત્રોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પુરુષાર્થની વાત કરી છે. એમાં ખાલી અર્થ અને કામ મુખ્ય થાય ત્યારે પ્રશ્નો ઊભા થાય છે.
પધરામણીના અંતિમ ચરણમાં યજમાન સી.બી. પટેલે સ્વામીશ્રી તેમજ આ પ્રસંગે ખાસ પધારેલા અતિથિ ગણનો આભાર વ્યક્ત કરતાં પોતાના હૈયાનો આનંદ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter