‘ઓમસિયાત’ઃ પવિત્ર રમઝાન માસમાં અબુધાબીના હિન્દુ મંદિરે યોજાઇ અનોખી ઈન્ટરફેઈથ સાંસ્કૃતિક સાંજ

Wednesday 10th April 2024 05:28 EDT
 
 

અબુધાબીઃ વૈશ્વિક સંવાદિતાના આધ્યાત્મિક રણદ્વીપ બની રહેલા અબુ ધાબીના બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિરમાં પવિત્ર રમાદાન મહિનામાં બીજી એપ્રિલ મંગળવારની સાંજ ઈન્ટરફેઈથ સાંસ્કૃતિક સાંજ ‘ઓમસિયાત’નું આયોજન કરાયું હતું. જેના થકી, આસ્થા, મિત્રતા, એકતા અને આત્મમંથનની ભાવનાને બળ પ્રાપ્ત થયું હતું. વિવિધ ધર્મ અને પશ્ચાદભૂના 200થી વધુ નેતાઓ, કોમ્યુનિટી અગ્રણીઓ અને સભ્યો આ પ્રણેતારુપ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને યુએઈના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયેલા હિન્દુ મંદિરની પશ્ચાદભૂમાં આસ્થા, સંસ્કૃતિ અને સંવાદનો ત્રિવેણી સંગમ રચાયો હતો.
આ પ્રભાવશાળી ઈવેન્ટમાં યુએઈના મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝિસ્ટન્સ શેખ નાહ્યાન બિન મબારક અલ નાહ્યાન, વિદેશ વ્યાપારના મિનિસ્ટર ઓફ સ્ટેટ ડો. થાની બિન અહમદ અલ ઝેયૌદી, ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટના ચેરમેન
ડો. મુઘીર ખામીસ અલ ખાઈલી સહિત દેશના નામાંકિત વ્યક્તિત્વો ઉપરાંત, અબ્રાહામિક ફેમિલી હાઉસના રબી જેફ બર્ગર, રબી લેવી દૂશમાન, ચર્ચ ઓફ સાઉથ ઈન્ડિયાના ફાધર લાલજી એમ. ફિલિપ, બહાઈ કોમ્યુનિટી નેતાઓ સહિત સ્થાનિક ધાર્મિક સમુદાયોના નેતાઓની ઉપસ્થિતિએ આ સાંજને આદર અને સન્માનનું વિશેષ આવરણ ઓઢાવ્યું હતું. ભારતથી અભિનેતા વિવેક ઓબેરોય પણ ઈવેન્ટમાં હાજરી આપવા આવ્યા હતા.
અબ્રાહામિક ફેમિલી હાઉસના રબી જેફ બર્ગરે જણાવ્યું હતું કે, ‘અનેકતામાં એકતા માત્ર સિદ્ધાંત નથી, એ તો જીવનપદ્ધતિ છે જેનું આજની રાત્રે દર્શન થઈ રહ્યું છે. આ ઈવેન્ટ સમજણ અને સન્માન તરફ આપણી સહિયારી યાત્રાનું પ્રતીક બની છે.’
શેખ નાહ્યાને BAPS હિન્દુ મંદિરની પ્રચંડ અસર વિશે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘વિભાજનવાદ, અવિશ્વાસ, અસહિષ્ણુતા અને સંઘર્ષોની ધમકીઓથી ભરેલા આ મુશ્કેલ સમયમાં (BAPS હિન્દુ મંદિર) વિશ્વમાં આશા લઈને આવ્યું છે... આ ઈન્ટરફેઈથ બેઠકના આયોજન માટે અબુધાબીના BAPS હિન્દુ મંદિરને અભિનંદન આપું છું... તમે અરસપરસના શુભ ઈરાદાઓ માટે પ્રશંસા અને આસ્થાઓ પ્રતિ આદરમાં સહભાગી છો. શાંતિ, સંવાદિતા, બંધુત્વ અને સહઅસ્તિત્વના મૂલ્યોને આગળ વધારવાની તમારી પ્રતિબદ્ધતા અને નિષ્ઠા માટે આભાર. સમગ્ર માનવજાતના કલ્યાણ અર્થે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પદ્ધતિઓ સાથે મળીને કામ કરવાનો તમારો મક્કમ નિર્ધાર વાસ્તવિકપણે ઉમદા છે.’ તેમણે વિભાજન અને સંઘર્ષોની દુનિયામાં ભારત અને યુએઈ વચ્ચે વિશિષ્ટ સંબંધ અને મજબૂત સહકાર પર ભાર મૂકવા સાથે સમાન ઉદ્દેશ અને સહકારના મહત્ત્વને પ્રતિપાદિત કર્યું હતું.
અબુધાબી BAPS હિન્દુ મંદિરના વડા બ્રહ્મવિહારીદાસ સ્વામીના શબ્દોએ આ સાંજને વધુ સમૃદ્ધ બનાવી હતી.
તેમણે પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા મંદિરના પ્રેમ, શાંતિ અને સંવાદિતાના સંદેશા પર ભાર મૂકવા સાથે અબુધાબીના શાસક મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, યુએઈની નેતાગીરી અને ઈવેન્ટમાં એકત્ર શુભેચ્છકોનો સપોર્ટ અને ઉદારતા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પૂર્વ સ્પેસ સાયન્ટિસ્ટની લાગણીઓનું પુનઃ વર્ણન કરતા સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, ‘જો ક્યાં પણ એલિયન્સ હોય અને જો એલિયન્સ આ પૃથ્વી પર આવે તો તેઆ વિશ્વના તમામ સંઘર્ષો, યુદ્ધો અને નફરતના સ્મારકોના બદલે આ સંવાદિતાના સ્થાન થકી આપણી પૃથ્વી વિશે વિચારે તે મને ગમશે. અબુધાબીમાં જે થઈ રહ્યું છે તેના પરથી વિશ્વ વિશે વિચારે તે મને ગમશે. વિશ્વમાં સંવાદિતાની નવી રાજધાની અબુ ધાબી છે તેના માટે ગર્વ અનુભવો!’
મંદિરના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરાયેલી ભારતીય અને અરેબિક વાનગીઓના સંમિશ્રણ સ્વરૂપે શાકાહારી સુહુર સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું. શેખ નાહ્યાન સહિતના મહેમાનો ડિનરમાં સામેલ થયા હતા અને એક કોમ્યુનિટી તરીકે સાથે વીતાવેલા સમયનો આનંદ માણ્યો હતો. જે લોકો આ સલૂણી ‘ઓમસિયાતઃ ઈન્ટરફેઈથ સાંસ્કૃતિક સાંજ’માં ઉપસ્થિત રહ્યા હતા તેમને જ નહિ, યુએઈ અને વિશ્વની કોમ્યુનિટીઓના દિલને સ્પર્શી ગઈ હતી. આ સાંજે દર્શાવ્યું હતું કે ઈન્ટરફેઈથ સંવાદિતા
સતત ચાલુ રહેતું મિશન હોવાં છતાં, આજની પળે તો તે હાંસલ થઈ ગયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter