‘કવિતા ઉત્સવ’ થકી ઋતુરાજ વસંતને આવકાર

- રેખા લલિત શાહ Tuesday 02nd April 2024 09:38 EDT
 
 

લંડનઃ વેમ્બલીના માંધાતા યૂથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશનની ગુજરાતી શાળાના બધા જ વિદ્યાર્થીઓએ શનિવાર 23 માર્ચના રોજ ઋતુરાજ વસંતને આવકારતો ‘કવિતા ઉત્સવ’ આનંદઉલ્લાસથી ઉજવ્યો હતો. શાળાના અધ્યક્ષ પ્રભાબહેન જીવણે સહુને આવકાર્યા હતા તો સંસ્થાના પ્રમુખ મિનલબહેન કુંદનભાઇ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓએ સમૂહમાં ભાવથી પ્રાર્થના ગાઈ હતી.
ભારતીય રીતરિવાજો બાળકો અનુભવે અને અપનાવે તેવા ઉમદા ઉદ્દેશ સાથે યોજાતા આ કાર્યક્રમમાં નાના ભૂલકાંઓથી માંડીને જીસીએસસીના વિદ્યાર્થીઓએ રંગમંચ પર આવીને સુંદર કૃતિઓ રજૂ કરીને મહેમાનોની ભરપૂર પ્રશંસા મેળવી હતી.
આ પ્રસંગે રજૂ થયેલી નવી-જૂની કવિતાઓ જેવી કે, ‘જુઓ રૂડો ઋતુરાજ આવ્યો..., ‘તારા ધીમા ધીમા આવો...’, ‘હું ચમકારા કરતી વીજળી... વગેરે સાંભળીને વાલીઓ અને બધાં જ પ્રેક્ષકો આનંદિત થઈ ગયા હતા. સાથે સાથે, વસંત વિશે અને માતૃદિન નિમિત્તે, દીકરો-દીકરી વિશે વિદ્યાર્થીઓએ વાંચી સંભળાવ્યું હતું. આ ઉપરાંત સૌએ ઉખાણાંની પણ મજા માણી હતી.
આ કાર્યક્રમ રજૂ કરવાનો સંસ્થાનો ધ્યેય એ છે કે કવિતાના માધ્યમથી બાળકોના શબ્દ ભંડોળમાં વધારો થાય અને રંગમંચ પર ઉભા રહીને આ રીતે કૃતિઓ રજૂ કરવાનો મોકો મળતાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય.
કાર્યક્રમના અંતે પ્રમુખ મિનલબહેને સૌને સંબોધતાં ગુજરાતી ભાષા, સંસ્કાર સંસ્કૃતિ જાળવી રાખવાનો સંદેશો આપ્યો હતો અને સૌને ગૌરવથી જણાવ્યું કે તેઓ પોતે પણ એક સમયે આ શાળાના વિદ્યાર્થિની રહી ચૂક્યાં છે!
આ પ્રસંગે ઉપાધ્યક્ષ યશુબહેન કુંદનભાઈએ દિલથી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની સફળતામાં અનેકનું યોગદાન છે એમ કહીને તેમણે સહુ કોઇને બિરદાવ્યા હતા. તેમણે રંગમંચની - વસંત ઋતુને શોભે તેવી - સુંદર સજાવટ કરવા બદલ શિક્ષિકા જાનકીબહેનનો સવિશેષ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે જાનકીબહેન પોતે પણ એક સમયે આ શાળામાં ભણતાં હતાં!
આ શાળાનો પ્રારંભ કરવામાં મહત્ત્વનું યોગદાન આપનારા ભૂતપૂર્વ અધ્યક્ષ એવા પૂ. ચંદ્રકળાબહેન નારણભાઇ આગામી થોડાક જ દિવસમાં એમના આયુષ્યનું શાનદાર 90મું વર્ષ ઉજવવાના હોવાથી તેમને ખૂબ જ પ્રેમ અને પ્રશંસાથી વધાવી લેવાયા હતાં. કાર્યક્રમના અંતે સમૂહમાં ભારતના રાષ્ટ્રગીતનું ગાન કરીને વતનપ્રેમ વ્યક્ત કરાયો હતો.
આ પ્રસંગે નાસ્તાની પણ વ્યવસ્થા કરાઇ હતી, જે રેખાબહેન ભાનુભાઈ પટેલ અને લીલાબહેન રતિભાઇ પટેલ તરફથી હતી. સમાજના ડે સેન્ટર વિભાગના રસોઇ કરતા બહેનોએ સૌ માટે સ્વાદિષ્ટ નાસ્તાની તૈયારી કરી હતી.
વાલીઓએ તેમજ અમુક ભૂતપૂર્વ શિક્ષકોએ પણ આ કાર્યક્રમ માટે ઉદાર હાથે દાન કર્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના હોદ્દેદારો દ્વારા સહુ કોઇનો અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter