‘ગુજરાતી મારી મા છે, હિન્દી માસી છે ને રૂપાળી-દેખાવડી અંગ્રેજી મારી પાડોશી છેઃ ભાગ્યેશ જ્હા

Saturday 09th July 2022 08:55 EDT
 
 

અમદાવાદ: ‘ગુજરાતી મારી મા છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃતિ મારી દાદી છે અને રૂપાળી - દેખાવડી અંગ્રેજી મારી પાડોશી છે. હું મારી માતૃભાષા ગુજરાતી અને આપણી સંસ્કૃતિ જીવંત રહે તે માટે સતત પ્રયત્નશીલ રહું છું.’ આ શબ્દો છે કવિ - લેખક - વક્તા અને ગુજરાત સરકારના વરિષ્ઠ આઇએએસ (નિવૃત્ત) અધિકારી ભાગ્યેશ જ્હાના. તેમના પુસ્તક ‘પ્રાર્થનાને પત્રો’ના વિમોચન પ્રસંગે યોજાયેલા સમારોહને સંબોધતા કહ્યું હતું કે આ પુસ્તક લખવા પાછળનો મારો એક જ હેતુ હતો કે મારી દીકરીનો માતૃભાષા ગુજરાતી ને આપણા ભારતીય સંસ્કારવારસા સાથેનો નાતો અમેરિકામાં પણ જીવંત રહે. ગુજરાત ટાઇમ્સના ચેરમેન ડો. સુધીર પરીખે તેમના પ્રકાશનના માધ્યમથી મેં પ્રાર્થનાને લખેલા પત્રો હજારો - લાખો દીકરીઓ અને વાચકો સુધી પહોંચાડ્યા અને આપણી માતૃભાષા, સંસ્કારો જીવંત રાખવા સુંદર પ્રયાસ કર્યો છે.’
ગ્લોબલ ગુજરાત ફોરમ (જીજીએફ)ના યુએસએ ગુજરાત ફ્રેન્ડ્સ - અમદાવાદ ચેપ્ટરના ઉપક્રમે 23 જૂને સાંજે ભાગ્યેશ જહાના પુસ્તક ‘પ્રાર્થનાને પત્રો’નું વિમોચન અને પદ્મશ્રી ડો. સુધીર પરીખ (યુએસ)નો સન્માન સમારોહ નારાયણી હાઇટ્સ બેન્કવેટ હોલ રાખે યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઇ ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહના અતિથિવિશેષ પદે ‘નવગુજરાત સમય’ના ગ્રૂપ એડિટર અજય ઉમટ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા.
પુસ્તકનો પરિચય આપતા વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે કહ્યું હતું કે આજે જ્યારે પત્રલેખન લગભગ બંધ થઇ ગયું છે ત્યારે ભાગ્યેશ જ્હાએ અમેરિકા રહેતી દીકરીને નિયમિત અને વૈવિધ્યસભર પત્રો લખીને સાહિત્યની સેવા કરી છે. ભાગ્યેશભાઇએ તેઓના અનુભવો આ પુસ્તકમાં રજૂ કર્યા છે. સાહિત્યજગતના દિગ્ગજ લેખકો, સાહિત્યકારો, કવિઓ સાથે સંવાદ થયેલો છે. ક્યાંક લહેરાતા પવન સાથે વાતો થાય છે તો વેલ - લતાઓ સાથે વાતો કરાઇ છે. ક્યાંક અગાસીમાં બેસીને કે એકાંતમાં હીંચકા પર બેસીને પંખીઓનો કલરવ સંભળાય છે તો વનમાં વૃક્ષો સાથે વાત થઇ છે. દીકરી પ્રાર્થના અને લાખો વાચકો આ ગુજરાતની સંસ્કૃતિ વાંચીને જાણે રૂબરૂ અનુભવી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. આ પત્રો પત્રો ન રહેતા ‘ગુજરાત ટાઇમ્સ’માં કોલમ સ્વરૂપે પ્રગટ થયા અને હવે સેંકડો લોકોને આ પત્રોનો પુસ્તક સ્વરૂપે આસ્વાદ માણવા મળશે તેનો મને રાજીપો છે.
આ પ્રસંગે પરીખ વર્લ્ડવાઇડ મીડિયા લિમિટેડના ચેરમેન અને ‘ગુજરાત ટાઇમ્સ’ - ‘ન્યૂઝ ઇંડિયા ટાઇમ્સ’ તથા ‘દેશી ટોક’ સાપ્તાહિકના પ્રકાશક પદ્મશ્રી ડો. સુધીર પરીખે સન્માનના પ્રતિભાવમાં કહ્યું હતું કે ગુજરાત - ભારત અને અમેરિકાની પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. તમારા બધાના આશીર્વાદ-શુભેચ્છાથી જ મને દરિયાપારના દેશમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવાની પ્રેરણા મળે છે. હું તમારા બધાની વચ્ચે આવીને ખરેખર ગૌરવ અનુભવું છું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘મારી જીવનયાત્રા - મારી કારકિર્દીની શરૂઆત એક ડોક્ટર તરીકે થઇ છે, ભારતે મને અમૂલ્ય ઉચ્ચ શિક્ષણ જ નથી આપ્યું, પણ અન્યની સેવા કરવાની ઇચ્છા - સંસ્કાર આપ્યા છે. મારા સમગ્ર જીવન દરમિયાન પરોપકારી કાર્યો થકી મારી માતૃભૂમિને કંઇક પરત આપવાનો પ્રયાસ કર્યો છે. ભારત-અમેરિકા સંબંધોને મજબૂત બનાવવા માટે મેં શક્ય તેટલું પ્રદાન આપ્યું છે તે વાતનું મને ગૌરવ છે.’ આ પ્રસંગે ડો. સુધીર પરીખની સાફલ્યગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ પ્રદર્શિત કરાઇ હતી.
આ સમારોહમાં વરિષ્ઠ સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા, ડો. બળવંત જાની, ડો.કેશુભાઇ દેસાઇ, વરિષ્ઠમાં દેવેન્દ્ર પટેલ, ગાંધીનગર સાહિત્યસભાના સંજય થોરાત, રમેશ ઠક્કર, પ્રતાપસિંહ ડાભી. કવિ કિશોર જિકાદરા, નેહલ ગઢવી, મનોજ શુકલ, ફિલ્મ કલાકાર, જીતેન્દ્ર ઠક્કર અને પ્રકાશ જાડાવાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પ્રારંભે પરીખ વર્લ્ડવાઇડ મીડિયાના કન્સલ્ટીંગ એડિટર દિગંત સોમપુરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે આભારવિધિ કટારલેખક નીલેશ ધોળકિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રશ્મિ મુન્શીએ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter