નોર્થ લંડનના સ્ટાનમોરસ્થિત સ્વામિનારાયણ મંદિર ૨૮ મે 2022ના શનિવારે ‘ભજન અને ભોજન’ના અનોખા ચેરિટી ઈવેન્ટ સાથે ઝળાહળાં થઈ ઉઠ્યું હતું. શ્રી સનાતન ભજન મંડળ અને ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન યુકેની આ સહિયારી પહેલ હતી. વિશ્વ હંગર ડે 2022 – વિશ્વ ક્ષુધા દિન નિમિત્તે અક્ષય પાત્ર યુકે દ્વારા ભારતમાં અને યુકેમાં બાળકો અને જરૂરિયાતમંદોની સહાયાર્થે ફંડરેઈઝિંગ ઈવેન્ટ કરવામાં આવ્યો હતો. અગ્રણી ગાયક વિકેશ ચાંપાનેરીએ ‘રાધા માધવ કુંજ વિહારી’ ભજનથી આરંભ કરી કેટલાક યાદગાર ભજનોની રમઝટ બોલાવી ઓડિયન્સને રોમાંચિત કરી દીધું હતું.
આયોજકો હરજી વરસાણી, ભરત શિવાજી અને સુરેશ વાગ્જિઆનીએ જણાવ્યું હતું કે વૃદ્ધો સહિત આટલા બધા પરિવારોને જોઈને ભારે આનંદ થયો હતો. અક્ષય પાત્ર યુકેના CEO ભવાની સિંહ શેખાવતે જણાવ્યું હતું કે,‘ ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન યુકે દ્વારા વિશ્વના સૌથી મોટા મધ્યાહ્ન ભોજન કાર્યક્રમનું સંચાલન થાય છે જેમાં દરરોજ 1.8 મિલિયનથી વધુ બાળકોને સેવા અપાય છે. યુકેમાં આ ચેરિટી વિવિધ પ્રકારના લોકો અને મુખ્યત્વે બાળકોને દરરોજ સરેરાશ 3500થી વધુ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. વિશ્વમાં સૌથી મોટો અમારો આ કાર્યક્રમ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને સુંદર રીતે સાથે લાવે છે. એકત્ર કરાયેલાં ભંડોળના 81 ટકાથી વધુ રકમ પ્રયક્ષપણે અમારા ભોજન કાર્યક્રમોને ફાળવાય છે. કોમ્યુનિટી અને અમારા વોલન્ટીઅર્સ તરફથી મળતા સતત સહકાર બદલ અમે તેમના આભારી છીએ.’


