‘મંદિરમાં ભગવાનનો વાસ છે, આ મંદિર બધાને માટે છે’ઃ મહંત સ્વામી મહારાજ

જોધપુર મંદિરનો લોકાર્પણ સમારોહ સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રેરણાદાયી વક્તવ્ય અને ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ સાથે સંપન્ન

Wednesday 01st October 2025 05:54 EDT
 
 

જોધપુરઃ રાજસ્થાનના જગવિખ્યાત પર્યટનસ્થળ જોધપુરમાં ત્રણ દિવસથી ચાલી રહેલો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લોકાર્પણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુવારે રંગેચંગે સંપન્ન થયો હતો. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં યોજાયેલા લોકાર્પણ સમારોહનો મુખ્ય હાર્દ હતોઃ ‘મંદિરનું સમાજને પ્રદાન’. આ મંદિર નિર્માણના કાર્યને સફળ બનાવવા છેલ્લા સાત વર્ષથી સંતો અને જોધપુરના હજારો હરિભક્તો દિનરાત પરિશ્રમ કરી રહ્યા હતા. તેમણે અનેકવિધ મુશ્કેલીઓ વેઠીને, આર્થિક અને શારીરિક સમસ્યાઓને ગણકાર્યા વગર રાજસ્થાનની શાન સમા સુંદર કલાત્મક અને અદભુત મંદિર કાર્યને પૂર્ણ કર્યું છે.
લોકાર્પણ સમારોહમાં પૂ. આદર્શજીવન સ્વામીએ જોધપુરના મંદિર નિર્માણની ‘ઇતિહાસ ગાથા’ વક્તવ્ય રૂપે પ્રસ્તુત કરી હતી. પૂજ્ય મુનિવત્સલ સ્વામી એ ‘આ મંદિર જ્ઞાનનું કેન્દ્ર છે’ વિષયક જ્ઞાનસભર વક્તવ્યનો લાભ આપ્યો હતો. સદગુરુ વિવેકસાગર સ્વામીએ આ મંદિર દ્વારા ભક્તિ ગંગાની ભગીરથી કેવી રીતે વહેશે વિષયક ભક્તિમય વક્તવ્યથી પ્રેરિત કર્યા. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ આવા મંદિરોના નિર્માણ દ્વારા કેવા સેવાકીય કાર્યો થઈ રહ્યા છે તેની માહિતી આપતા સહુને સેવાકાર્ય માટે પ્રેરિત કર્યા હતા.
લોકાર્પણ સમારોહમાં મુખ્ય અતિથિરૂપે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી તેમજ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અશ્વિની વૈષ્ણવજીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સેવાકીય અને લોકકાર્યની પ્રશંસા કરી હતી. ગજેન્દ્રસિંહ શેખાવતજીએ સનાતન સંસ્કૃતિના પોષણમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે સનાતન સંસ્કૃતિના પોષણમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું અનેરું પ્રદાન છે. આ પ્રસંગે ઓડિયો વિઝ્યુલના માધ્યમ દ્વારા ‘મંદિરનું સમાજને પ્રદાન’ વિષયક પ્રસ્તુતિઓ દર્શાવવામાં આવી હતી.
લોકાર્પણ સમારોહના અંતિમ ચરણમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, ‘આ મંદિર બધાનું મંદિર છે, જે-જે અહીં દર્શને આવશે તેમને સુખ-શાંતિ પ્રાપ્ત થશે. આજે ભગવાન અહીં બેસી ગયા છે.’
મંદિર લોકાર્પણ સમારોહનો લાભ લેવા માટે આજે જોધપુરનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સમારોહના અંતિમ ચરણમાં ભગવાનને આરતી અર્ધ્ય અર્પણ કરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter