આણંદઃ સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર તથા આર્ષશોધ સંસ્થાન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આણંદ ખાતે 12 માર્ચને શનિવારે ‘માનવજીવનના કુશળ શિલ્પીઃ પ્રમુખસ્વામી મહારાજ’ વિષય પર વિશેષ સેમિનાર યોજાયો હતો. પ્રમુખ સ્વામીના જીવન વિશે ગ્રંથ શ્રેણીના લેખક ડો. પૂ. આદર્શજીવનદાસ સ્વામીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે જેમ ભારતમાં દેખાતો સૂર્ય, ચંદ્ર વગેરે ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના છે તેમ ભાગવત, ઉપનિષદો વગેરે ગ્રંથોમાં જે વિવિધ ગુણો વર્ણવ્યા છે તે તમામ ગુણોના ધારક પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજમાં હતા. આથી જ સ્વામીશ્રી માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં પરંતુ સમગ્ર વિશ્વના હતા.
તેમણે ઉમેર્યું કે માનવ જીવનનું ઘડતર જરૂરી છે. પરંતુ તે અઘરૂં છે કારણ કે માનવી પાસે માંગણી, લાગણી, સ્વભાવ અને પોતાની આવડતો છે. માનવજીવનનું ઘડતર કરવાના કાર્યની અપેક્ષા શિક્ષક અને સંત પાસે રખાય છે. માનવજીવનને ઘડવાનો સંત પાસે જ ભરોસો છે. તેને પ્રમુખ સ્વામી મહારાજે સવાસો ટકા સાબિત કર્યો. ગમે તેવી નિષ્ફળ વ્યક્તિમાં સફળ વ્યક્તિ બનવાની શક્યતા રહેલી હોય છે તે પ્રમુખસ્વામી મહારાજે માનવ જીવનના ઘડતર માટે અથાગ પુરષાર્થે પૂરવાર કર્યો છે.
આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે સરદાર પટેલ યુનિવર્સિટીની પ્રત્યેક કોલેજોમાં આવા કાર્યક્રમો રાખવા જોઇએ તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ. ડો. પ્રો નિરંજનભાઇ પટેલ ક્રાર્યક્રમના અધ્યક્ષપદે, પ્રથમ વક્તા તરીકે ડો. પૂ. આદર્શ જીવન સ્વામી તથા દ્વિતીય વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂ્ર્વ ઉપકુલપતિ ડો.પ્રો. મહેશચંદ્ર યાજ્ઞિક, અતિથિ વિશેષ તરીકે ચરોતર મોટી સત્તાવીશ કેળવણી મંડળ, ચારુસેટ આણંદના જોઇન્ટ સેક્રેટરી વિપુલભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.