‘યોગ અને કોવીડ કટોકટી" વિષય પર યોગીશ્રીનું પ્રેરક વક્તવ્ય

-જ્યોત્સના શાહ Wednesday 08th July 2020 06:58 EDT
 
 

શુક્રવાર ૩ જુલાઇ ૨૦૨૦ના રોજ લંડનના નહેરૂ સેન્ટરના ઉપક્રમે "યોગ અને કોવીદ કટોકટી" વિષય પર વક્તવ્ય અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા યોગાચાર્ય અને આધ્યાત્મિક વડા યોગીશ્રી એમ.એ યોગ પર વિષદ્ વક્તવ્ય રજુ કર્યા બાદ સમાજીક ક્રાંતિ માટે જાણીતા લેખિકા, હ્યમન ટ્રેફીકીંગના વિરોધી અને ગ્લોબલ એન્વોય ઓફ ઇન્ટરનેશનલ બુધ્ધિસ્ટ કનફડરેશન યુ.કે.ના ચેર લેડી મોહિની કેન્ટ નૂન સાથે પ્રશ્નોત્તરી યોજાઇ હતી.

યોગીશ્રીએ "યોગ અને કોવીદ કટોકટી" વિષય પર એમના વક્તવ્યમાં આપણા શાસ્ત્રો : યોગ શાસ્ત્ર, બ્રહ્મ વિદ્યા, ઉપનિષદ અને ગીતાનો ઉપદેશ કઇ રીતે કારગત નીવડે એ બાબત પર પ્રકાશ ફેંકતા જણાવ્યું કે, ગીતાનો વિષાદ યોગ કોવીદ કટોકટી સામે ટક્કર ઝીલવા સુસંગતતા ધરાવે છે. યુધ્ધના મેદાનમાં સામે પક્ષે સ્વજનો, મિત્રોને જોઇ અર્જુનનને રંજ ઉપજે છે અને હતાશા, અસલામતિની ભાવના ઘેરી વળે છે. હથિયાર હેઠાં મૂકી પીછેહઠ કરવાના વિચાર સામે કૃષ્ણએ આપેલ ઉપદેશ સમજવા જેવો છે.

ગીતાના દરેક અધ્યાયના અંતે આવતો શ્લોક "ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભાગવદ્ ગીતા સૂપ નષત્સુ, બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદયોગો નામ પ્રથમોધ્યાય ! માં યોગની વાત આવે છે.

આજે કોવીદ મહામારીને કારણે આપણે સૌ લોકડાઉન થઇ ગયા છે. આ લોકડાઉન આપણને પસંદ નથી પરંતુ આપણી પાસે એનો કોઇ વિકલ્પ નથી. આપણને ઘરમાં પૂરાઇ રહેવાની ફરજ પડી છે. લોકડાઉનનો સરકારી વટહુકમ કોવિદથી રક્ષણ મેળવવા માટે સારો છે. એ કેટલો સમય ચાલશે એની કોઇને ખબર નથી. પરંતુ એનો સામનો કાળજીપૂર્વક સમતા રાખી કરવો જ રહ્યો. આપ એકાંતવાસમાં નહિ પરંતુ રજા પર ઉતરી ગયા છો એમ માની લો. અને એનો સદુપયોગ કરો.

યોગ દ્વારા મગજ પર કાબૂ મેળવી લો. કોવીદના હલકા ચિહ્નોમાં યમ-નિયમ મદદરૂપ થઇ શકે છે. યમમાં માનસિક અને શારિરિક સ્વચ્છતાની વાત આવે છે. આપણે હાથ જોડી નમસ્કાર કરીએ છીએ એ યોગ છે. હજારો વર્ષોથી ઇશ્વરનો આભાર માનવા આપણે હાથ જોડીએ છીએ.

સામાજિક રીતે એકબીજાથી અંતર રાખવાથી આધ્યાત્મિક સાધનમાં ધ્યાન વધુ કેન્દ્રિત કરી શકાય છે. વ્યક્તિનો મૂડ સુધારવામાં એ મદદરૂપ થાય છે. મંત્રોનો પણ પ્રભાવ છે. મન અને શરીરને સ્વસ્થ રાખવામાં યોગ-સાધના-પ્રાર્થના વગેરે આશીર્વાદ સમાન છે.

પ્રાણાયામથી ઓક્સિજન શરીરમાં પહોંચે છે જેથી શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. કોવીદમાં ફેફસાંની નબળાઇને કારણે કટોકટીભરી સ્થિતિ ઉભી થાય છે જે ટાળવા પ્રાણાયામ બહુ જરૂરી છે. જો કે એની યોગ્ય પધ્ધતિ બહુ ઓછા લોકો જાણે છે. એ બરાબર જાણી એનો અમલ કરવો.

બહારના જંક ફુડનો ત્યાગ અને ઘરે બનાવેલ તાજો સંપૂર્ણ આહાર, કસરત અને સામજિક દૂરી એ કોવીદને નાથવા માટેના પરિબળો છે. એમ જણાવતાં અપૂર્ણતાને પૂર્ણ કરવા ઉપનિષદનો મંત્ર ટાંક્યો,"ઓમ પૂર્ણમદ: પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમૂદચ્યતે ! પૂર્ણસ્ય, પર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે!! હકારાત્મક અભિગમ અપનાવો.

લેડી મોહિની કેન્ટ નૂને યોગીશ્રીના વક્તવ્ય માટે સત્સંગ ગૃપ અને લીલી ફાઉન્ડેશનનો તથા નહેરૂ સેન્ટરના ડાયરેક્ટર અમીષ ત્રિપાઠીનો અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર માની પ્રશ્નોત્તરીનો દોર શરૂ કર્યો. હાલ લાખો લોકોએ પોતાની રોજગારી ગુમાવી નબળી પડેલ આર્થિક સધ્ધરતા કઇ રીતે પાછી આવશે અને ભાવિ શું? બાળકોને વ્યસ્ત રાખવા શું કરવું? સુસાઇડ તરફ જતા લોકોને કઇ રીતે બચાવવા...વગેરેના ઉત્તરોમાં યોગીશ્રીએ કહ્યું,

થોડો સમય તકલીફનો રહેશે, ધીરે ધીરે બધું થાળે પડતું જશે. અત્યારે માનવધન બચાવવાનો પ્રશ્ન છે. પાણી, પર્યાવરણ શુધ્ધિ, પૃથ્વી અને કુદરતના રક્ષણ માટે જાગ્રતતા કેળવવાની બહુ જરૂર છે. આજના જમાનામાં અદ્યતન ટેકનોલોજી આશીર્વાદરૂપ છે

એના ઉપયોગથી એકબીજાનો સંપર્ક કરી શકાય છે. વિવિધ માહિતી મેળવી શકાય છે. સામૂહિક કે વ્યક્તિગત સ્વરૂપે સત્સંગ, સંગીતનો લાભ લઇ શકાય છે. મ્યુઝીક થેરાપી અજમાવો. માનવતાનો પ્રચાર-પ્રસાર કરો. કરૂણાભાવ જાગ્રત કરો. બાળકોને એમના શોખના વિષયોમાં પ્રવૃત્ત કરો. મા-બાપે પણ એમની સાથે જોડાવવું જોઇએ.

કમળની અગત્યતા દર્શાવતા જણાવ્યું કે, જળકમળવત્ જેમ બનો. આવા પરિસંવાદો જીવનશૈલી સુધારવામાં સહાયરૂપ નીવડે છે. આજે ઘણી બધી સંસ્થાઓ ટેકનોલોજીના માધ્યમથી જાતજાતની પ્રવૃત્તિઓમાં પરોવાઇ સમાજના સભ્યોની એકલતા દૂર કરવા સક્રિય બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter