તીર્થધામ સારંગપુરમાં રવિવાર - આઠ માર્ચના રોજ પ.પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ‘રંગો રંગો મહંતજી રંગો’ થીમ અંતર્ગત ફૂલદોલ રંગોત્સવ (પુષ્પદોલોત્સવ) ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ પ્રતિ વર્ષ ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં ધામધૂમપૂર્વક ઊજવતાં એ જ પરંપરા મહંત સ્વામી મહારાજે જાળવી રાખી છે. આ ઉત્સવનો લાભ લેવા પધારેલા દેશ-વિદેશના 75 હજાર જેટલાં આબાલવૃદ્ધ હરિભક્તો-ભાવિકોથી બીએપીએસ સારંગપુર મંદિરનું વિશાળ પરિસર અને વિદ્યામંદિરના વિશાળ પ્રાંગણમાં રચવામાં આવેલ ઉત્સવ સ્થળ ઊભરાઈ ગયું હતું. સભાપ્રવેશ વખતે તમામ હરિભક્તોને પ્રસાદરૂપે ફૂડપેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉત્સવ માટે 7.5 લાખ ચોરસ ફૂટ જમીન પર વિશાળ સભામંડપ અને ઉત્સવને અનુરૂપ 125 ફૂટ લાંબો, 40 ફૂટ પહોળો અને 40 ફૂટ ઊંચો ભવ્ય મુખ્ય મંચ બનાવાયો હતો. મંચની પિછવાઈમાં ભગવાન સ્વામિનારાયણ અને તેઓની આધ્યાત્મિક ગુણાતીત ગુરૂપરંપરાની તેમજ રંગોત્સવની સ્મૃતિ કરાવતાં દ્રશ્યો અત્યંત દર્શનીય હતા.


