અમદાવાદઃ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખિત શિક્ષાપત્રી ગ્રંથને આગામી જાન્યુઆરીમાં 200 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે તેના ઉપક્રમે રવિવારે ‘સર્વજીવહિતાહ શિક્ષાપત્રી’ વિષય ઉપર દિનેશ હોલમાં સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ માતાપિતાની સેવા કરવી જોઈએ વિષય ઉપર પ્રવચન આપ્યાં હતા. આ પ્રસંગે સહુ સંતો હરિભક્તોએ શિક્ષાપત્રી ગ્રંથનું પૂજન કરીને આરતી કરી હતી.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજે માનસિક તણાવના કારણે દર વર્ષે વિશ્વમાં બે કરોડ માણસો આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કરે છે. આપણે ક્યારેય આત્મહત્યા ન કરવી જોઈએ. જેમ દિવસ અને રાત્રી વારાફરથી આવ્યા જ કરે છે, તેમ જીવનમાં સુખ અને દુઃખ પણ વારાફરથી આવ્યા જ કરે છે. દુઃખ આવે ત્યારે ધીરજ રાખવી જોઈએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે, જે કોઈ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તન કરશે તે આલોક અને પરલોકમાં અવશ્ય સુખી થશે. આપણે હંમેશા સદાચારમય અને વ્યસનમુક્ત જીવન જીવીશું તો સુખી થઈશું.
આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર આપણે માતાપિતાની સેવા જીવનપર્યંત અવશ્ય કરવી જોઈએ. માતાપિતાને ક્યારેય ઘરડાં ઘરમાં મૂકવા ના જોઈએ.
આ પ્રસંગનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. દેશ - વિદેશના હરિભકતો લાભ લઈ શકે તે માટે આ સમગ્ર કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર - કુમકુમની યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ બ્રોડકાસ્ટ કરાયો હતો.