લંડન, લેસ્ટર, માંચેસ્ટર વગેરે સહિત બ્રિટનભરમાં જ્યાં જ્યાં જૈનોની વસ્તી છે ત્યાં ત્યાંની જૈન સંસ્થાઓએ પોતપોતાની રીતે પર્યુષણ પર્વની આરાધના રૂડી રીતે કરી. નાના-મોટા સૌએ યથા શક્તિ તપશ્ચર્યા કરી ભૂખ પર વિજય મેળવ્યો.
મન, વાણી, વચન પર કાબૂ મેળવવા સાથે ભગવાન મહાવીરે પ્રબોધેલ બોધને નવનાત હોલમાં દર્શના દીદી અને પૂર્વી દીદીએ ખૂબ જ સરસ રીતે ઊડાણ પૂર્વક સમજ આપી. ક્રોધની કૂરૂપતા અને માઠાં પરિણામ.
સત્ય વચન બોલવામાં પણ વાણી કેવી હોવી જોઇએ? સત્ય કહેવામાં વાણીમાં કઠોરતા, કર્કશતા ન હોવી જોઇએ. મર્મકારી ભાષાનો પ્રયોગ ન થવો જોઇએ. મોંમાંથી નીકળેલ શબ્દોની અસરકારકતા સમજાવતાં કહ્યું કે, મોમંથી સારા શબ્દો નીકળે તો તીર્થ સમાન બની જાય છે અને બંદુકની ગોળી જેવા કટુ વચન વિનાશકારી બની જાય છે. દા.ત. પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલી અહંકારમાં રાચતા હોય છે ત્યારે એમની બહેન બ્રાહ્મી ખૂબ જ વિવેકસભર ભાષામાં ભાઇને કહે છે, ‘ગજ હેઠે ઉતરો મારા વીરા’ આ ગજરાજ એટલે અહંકારરૂપી હાથી પરથી નીચે ઉતરવાની બહેનના માર્મિક શબ્દોની તાકાત કેટલી મહાન છે જે ભાઇને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. અને રાજા દુર્યોધનને દ્રૌપદી કહે છે, “આંધળાના દિકરા આંધળા જ હોય’ જેને કારણે મહાભારત સર્જાય છે. ૨૪ ઓગષ્ટે વિશ્વ ગુજરાતી ભાષા દિન નિમિત્તે એનું મહત્વ સમજવું રહ્યું.
કવિ નર્મદને ય યાદ કરી લઇએ:
એ વિચારે ફુલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી’
શ્રાવકે હંમેશા વિવેકને કેન્દ્ર સ્થાને રાખવાનો છે. સાવધ્યકારી ભાષાનો ઉપયોગ કરવાથી પાપનો બંધ થતો નથી. વાત-વાતમાં, હસતા-હસતાં બોલાયેલા શબ્દો ભવોભવ ભોગવવા પડે છે. આમ વાણીમાં મધુરતા ને વિવેકની વાત સોંસરવી ઉતરી જાય એવી રીતે સમજાવી. સંવત્સરીના આગલા દિવસે પોતાની ભૂલોનો એકરાર કરી મનને નિર્મળ બનાવવાની વાત છે. જગતના સર્વ જીવોના કલ્યાણના ભાવ આપણે સૌ ભાવીએ એવી શુભ કામના.