હવે બુજુમ્બુરા તરીકે ઓળખાતું ઉસુમ્બુરા, લેક તાંગાન્યિકાના ઉત્તરપૂર્વ કિનારે શાંતિથી વસેલું હતું, જ્યાં જળ અને ભૂમિ અતિ ધીમા લયમાં મળતાં હતાં. રુઆન્ડા-ઉરુંડી પર બેલ્જિયન ટ્રસ્ટીશિપના અંતિમ વર્ષો,૧૯૪૦ના દાયકાના મધ્યભાગમાં, તે શહેર કરતાં વધુ એક સામ્રાજ્યના કાળજીપૂર્વક સુવ્યવસ્થિત આઉટપોસ્ટ જેવું લાગતું હતું.
સંસ્થાનવાદી દિનચર્યા, વેપારના તાલ અને સરોવરની સ્થિર હાજરીથી ઘડાયેલું જીવન ધીરે ધીરે વહેતું હતું. કાર્ગો બોટ આવતી અને જતી, કિનારાઓ પર ખજૂરના વૃક્ષો હલતાં રહેતાં અને દિવસો અહીં રવસનારાઓને આરામ આપતી એક આશ્વાસનજનક નિયમિતતા સાથે વીતતા રહેતા હતા.
આ નાનકડી દુનિયામાં ભારતીય અને એશિયન પરિવારોએ શિસ્ત, આસ્થા અને સમુદાયના મૂળ પર જીવનનું નિર્માણ કર્યું હતું. દુકાનો વહેલી ખુલતી હતી, દરરોજ દિવસની શરૂઆત પ્રાર્થનાથી થતી અને ઘણી વખત કામની સ્થળની ઉપર કે પાછળ બંધાયેલા સાદાં અને વ્યવહારુ ઘરો, પરિવારિક જીવન નિર્વાહસ્થળ વચ્ચેની સીમાઓને અસ્પષ્ટ કરી દેતાં હતાં. સંયુક્ત પરિવાર સામાન્ય હતા, વડીલોનું આદર-સન્માન કરાતું અને નિર્ણયો સામૂહિક રીતે લેવાતા હતા. બાળકો બહુભાષી અને બહુસાંસ્કૃતિક વાતાવરણમાં મોટાં થતાં, એક સમયે એક કરતાં વધુ દુનિયામાં સંબંધ બાંધવાનું શીખતાં. અમે સંખ્યામાં થોડાં હતા અને એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં; ઊજવણીઓ, દુઃખો અને ઉત્સવો કદી પણ ખાનગી ન હતાં, પરંતુ અમને સાંકળી રાખતી સહિયારી-સહભાગી પળો હતા.
આ ગાઢપણે સંકળાયેલાં શહેરમાં જ મારો જન્મ 1943માં થયો. તે સમયે ઉસુમ્બુરામાં માંડ પંદર હિંદુ પરિવારો હતા, જેનાથી સમુદાયનું જીવન અત્યંત નિકટપૂર્ણ અને ગાઢપણે સંકળાયેલું બન્યું હતું. મારા માતા-પિતા જુથાલાલ પુંજાણી અને કમલાગૌરીએ પાંચ દીકરીઓ અને બે દીકરાઓને શાંત શિસ્ત અને અડગ મૂલ્યો સાથે ઉછેર્યાં હતાં.
મારા ભાઈ અમૃતલાલ જુથાલાલ પુંજાણી અને તેમનો પરિવાર પણ અહીં જ જન્મ્યા હતા. અમારું ઘર સ્વાભાવિક રીતે એક હળવામળવાનું સ્થળ,– પૂજા, તહેવારો, વાતચીત અને સહિયારા ભોજનનું કેન્દ્ર બની રહ્યું હતું, જ્યાં ભારતીય વેપારી સમુદાયના ઘણા લોકોને આવકાર મળતો હતો.
1950ના દાયકામાં મારા પિતાની જીવનયાત્રાએ નિર્ણાયક વળાંક લીધો. એક કંપનીમાં ક્લાર્ક અને બુકકીપરની નોકરી ગુમાવ્યા પછી તેમણે પોતાનો ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તેમને મળેલી દુકાન માત્ર એક ખુલ્લી જગ્યા જેવી – જૂની, નબળી છતવાળી અને યોગ્ય સીલિંગ વગરની હતી. આમ છતાં, પુનઃ શરૂઆત માટે તે પૂરતી હતી. મારાં પેરન્ટ્સ અને ભાઈએ મળીને દુકાન ચલાવી, સ્થાનિક રીતે મળી શકે તે માલ વેચ્યો. દુકાન ક્યારેય ખરેખર બંધ થતી નહિ. મારી માતા મધરાત્રિએ પણ બારણે ટકોરા પડે તો ઊઠી જતાં, માત્ર બે સિગારેટ જેટલી નાની વસ્તુ વેચવા માટે પણ તૈયાર રહેતાં. કોઈ પણ પ્રયત્ન નાનો ન હતો અને કોઈ ગ્રાહકને ક્યારેય પાછો વાળવામાં આવતો નહિ.
નમ્ર શરૂઆતથી કરાયેલો બિઝનેસ અથાગ મહેનત, શિસ્ત અને ઈમાનદારીથી ધીમે ધીમે વધ્યો. નાના પાયે શરૂ કરાયેલી દુકાન ફળ, કરિયાણા, તમાકુ, સોય અને નાના શહેરમાં જરૂર પડે તે બધો ઘરગથ્થુ માલસામાન વેચતી સફળ દુકાનમાં ફેરવાઈ ગઈ. એક-એક ગ્રાહક સાથે ધીરજપૂર્વક વિશ્વાસ બંધાયો અને લોકમુખ થકી પ્રતિષ્ઠા ફેલાતી ગઈ. સમયાંતરે, પિતાજીએ ભારતમાંથી માલસામાનની આયાત શરૂ કરવા સાથે વિશ્વાસ અને વિસ્તરણનો નવો અધ્યાય ખુલ્યો.
કામકાજના લાંબા કલાકો અને ભારે જવાબદારીઓ હોવાં છતાં, પિતાજીને નવી કારોનો શોખ રહ્યો– તેઓ દર થોડા વર્ષે કાર બદલતા: મર્સિડીઝ, ઇમ્પાલા, ઓપેલ – દરેક કાર પ્રગતિ અને અડગતાનું શાંત પ્રતીક બની રહી. સાંજે ભોજન પછી પરિવાર ઘણી વખત જમીન પર બેસીને દિવસની કમાણી ગણતો, આંકડા, વાર્તાઓ અને સામૂહિક પ્રયાસનો સંતોષ વહેંચાતો.
ઉસુમ્બુરામાં જીવન સાદા આનંદ આપતું રહ્યું. સિનેમા એકમાત્ર વાસ્તવિક મનોરંજન હતું અને અમે ઘણી વખત તાજ સિનેમામાં ફિલ્મો જોતા, જેના માલિક શહેરના જાણીતા અને લોકપ્રિય વ્યક્તિ તાર મહમ્મદ હતા. સિનેમા અમારા ઘરથી માત્ર થોડા મીટર દૂર હતું અને બહાર જવાનું હંમેશાં વિશેષ લાગતું હતું. ક્રિસમસની ઊજવણીનો રોમાંચ અને નવા વર્ષના આતશબાજીથી રંગીન આકાશ શહેરને થોડા સમય માટે ઝળાહળાં કરી દેતું. એરપોર્ટ માત્ર એક ખુલ્લાં મેદાન જેવું હતું, છતાં વિમાનો આવતાં અને જતાં, જે અમને યાદ અપાવતા કે નાના સંસ્થાનવાદી શહેરમાં પણ વિશ્વ કદી સંપૂર્ણ પહોંચની બહાર ન હતું.
શિક્ષણની તકો મર્યાદિત હતી અને ઈંગ્લિશ કે ગુજરાતીમાં શિક્ષણ ઉપલબ્ધ ન હોવાથી હું ફ્રેન્ચ માધ્યમની શાળામાં અભ્યાસ કરતી હતી. 12 વર્ષની વયે મેં દાર એસ સલામમાં અભ્યાસ ચાલુ રાખવાં ઘર છોડ્યું હતું. આ ચાર દિવસની મુસાફરી તે સમયે અત્યંત લાંબી લાગતી હતી, પરંતુ તે સ્વતંત્રતાની તરફનું મારું પ્રથમ પગલું હતું
મુસાફરી અમારા જીવનમાં સતત દોર રહ્યો હતો. અમે આસપાસના નગરો અને પ્રદેશોમાં જતાં, તાંગાન્યિકા સરોવરના કિનારે સાંજ વીતાવતાં અને વીકેન્ડમાં નજીકના શાંત સ્થળોમાં જતાં રહેતાં હતાં. આ મુસાફરીઓ – આજના ધોરણે સીધીસાદી લાગે તો પણ – એક બાળપણને ગતિ, જવાબદારી અને સંકળાઈને રહેવાના સંબંધોથી ભરપૂર બનાવનારી હતી.
1963માં મારાં લગ્ન દાર એસ સલામમાં જશવંત જેઠાલાલ કલ્યાણજી નાકેર સાથે થયાં તેની સાથે મારાં જીવનનાં નવા અધ્યાયનો આરંભ થયો. મારી સાથે હું ઉસુમ્બુરાના પરિવાર, અડગતા અને સમુદાયનો ચિરસ્થાયી અર્થ શીખવનારાં વર્ષો, રચનાત્મક વર્ષોથી ઘડાયેલાં મૂલ્યો, સ્થિતિસ્થાપકતા અને સંસ્મરણો લઈ આવી હતી.


