સચિનના સાસુ અન્નાબેલ મહેતા MBE ઈલકાબથી સન્માનિત

Wednesday 21st June 2017 06:36 EDT
 
 

લંડન,મુંબઈઃ ક્રિકેટના ભગવાન સચિન તેંડૂલકરના સાસુ અને સામાજિક કર્મશીલ અન્નાબેલ મહેતાને ભારતમાં કચડાયેલાં વર્ગોની સેવાની કદરરુપે ક્વીન્સ બર્થડે ઓનર્સ લિસ્ટમાં MBE ઈલકાબથી સન્માનિત કરવામાં આવ્યાં છે. અન્નાબેલ બ્રિટિશ નાગરિક છે. તેમને આ વર્ષના ઉત્તરાર્ધમાં બકિંગહામ પેલેસ ખાતે એવોર્ડ એનાયત કરાશે.

બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનની યાદીમાં જણાવાયું હતું કે,‘ભારત અને મુંબઈમાં કચડાયેલાં સમુદાની સેવા માટે અન્નાબેલ મહેતા અને તેમની NGO અપનાલય દ્વારા ૪૦ વર્ષથી કરાયેલી કામગીરીની નોંધ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે લીધી હતી. પોતાની કોમ્યુનિટીઓને નોંધપાત્ર સેવા આપનારા લોકોની કદર કરવા કિંગ જ્યોર્જ પાંચમાએ ૧૯૧૭માં ‘ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર’ ઈલકાબો શરૂ કરાવ્યા હતા. અન્નાબેલની સંસ્થાએ દેવનાર નજીક આશરે ૬૦૦,૦૦૦ લોકોની વસ્તી ધરાવતી શિવાજીનગર સ્લમ કોમ્યુનિટી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અપનાલય અહીં આરોગ્ય સંભાળ, લિંગ, શિક્ષણ અને જીવનનિર્વાહ સહિતના મુદ્દાઓ પર કામ કરે છે. અન્નાબેલ ભારત અને યુકે વચ્ચે જીવંત સેતુનું ઝળહળતું ઉદાહરણ છે.’

અન્નાબેલ ઓનલાઈન ડોનેશન પ્લેટફોર્મ ‘GiveIndia’ના બોર્ડમાં પણ છે. તેમનો જન્મ ૧૯૪૦માં બર્મિંગહામમાં થયો હતો અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સામાજિક વહીવટ ક્ષેત્રની તાલીમ મેળવી હતી. અહીં જ તેમની મુલાકાત ભારતીય આનંદ મહેતા સાથે થઈ હતી, જે લગ્નમાં પરિણમી હતી. તેમની પુત્રી ડો. અંજલિ મહેતાના લગ્ન સચિન તેંડૂલકર સાથે થયા છે. અન્નાબેલ ૧૯૬૬માં ભારત રહેવા આવ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter