સત્ય, પ્રેમ, કરૂણા એ જ માત્ર ઉદ્દેશ

- મીનલ સચદેવ અને મીરા માણેક (ભાવાનુવાદઃ કોકિલા પટેલ - અચ્યુત સંઘવી) Wednesday 24th June 2020 06:54 EDT
 
વ્સાસપીઠ પર બિરાજમાન મોરારિબાપુ 
 

વિશ્વભરમાં રોગચાળો, ધર્મ અને રંગની ભડકેલી ઊઠેલી જ્વાળાઓ વચ્ચે આપણે સહુ સત્ય, પ્રેમ અને કરૂણા સાથે એક થઈએ. આ સમય ઘૃણાને નહિ પરંતુ, પ્રેમને ફેલાવવાનો છે.

સૌ એક થઈને નવા વિશ્વમાં પ્રવેશીએ

આજે આપણું વિશ્વ અલગ પ્રકારની, નવી વાસ્તવિકતામાં પ્રવેશ્યું છે. કોરોના જેવા જીવલેણ રોગચાળાના કારણે સમગ્ર વિશ્વ એકસમાન ઉદ્દેશ સાથે એકસંપ બન્યું છે. બીજી તરફ, પશ્ચિમી જગતના માનસમાં ઉંડે ઉંડે ધરબાઈ ગયેલા રંગ, વર્ણભેદે અને ધર્મના રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેણે આપણને ફરી વિભાજિત કરી દીધા છે. આમ છતાં, ક્રાંતિના સમય અને પરિવર્તનના દ્વારે આપણે જાગૃતતા કેળવી શકીએ છીએ, આપણે બદલાઈ શકીએ છીએ, આપણે જ્ઞાન, કરૂણા અને એકતા સાથે નવા વિશ્વમાં પ્રવેશી શકીએ છીએ. મતભેદો અને અસહમતિઓને કાળજીપૂર્વક સંભાળવામાં આવે તો માનવતામાં નવી રંગપૂરણી કરી શકાય, આપણા મનનો વિસ્તાર કરી શકાય અને ઊચ્ચ મનોવિચાર અને પરિવર્તનનો માર્ગ મોકળો બની શકે.
સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે,‘જે ક્ષણે મને સમજાઈ જશે કે પ્રત્યેક માનવશરીરના મંદિરમાં ઈશ્વર બેઠા છે, તે ક્ષણે હું પ્રત્યેક માનવીની સમક્ષ ભક્તિભાવ સાથે ઉભો રહીશ અને તેનામાં જ ઈશ્વરને નિહાળીશ- તે જ ક્ષણે હું બંધનમાંથી મુક્ત થઈ જઈશ, જે બાંધી રાખે છે તે તમામ બંધનો અદૃશ્ય થઈ જશે અને હું મુક્ત હોઈશ.’ આ શબ્દો તમામ આધ્યાત્મિક અને ધાર્મિક ગુરુઓ-ઉપદેશકોના શબ્દોનો પડઘો
પાડે છે.
જેનો અવાજ સાંભળવામાં આવે છે, જેઓ નેતૃત્વ સંભાળે છે તે સૌએ પરિવર્તન થઈ શકે તેનો માર્ગ મોકળો કરવો જોઈએ અને આ પરિવર્તન કરૂણા-સહાનુભૂતિ સાથે થવું જોઈએ. દલાઈ લામાએ કહ્યું છે કે,‘ કરૂણા એ તો આપણા સમયનો ધરમૂળથી ફેરફાર કરવાનો સિધ્ધાંત છે.’ મોરારીબાપુની તો આખી ફિલોસોફી અને ખાસ કરીને ધર્મ પણ ‘સત્ય, પ્રેમ અને કરૂણા’ છે.

જ્ઞાન અને માહિતી

બદલાતા, નિરાશાજનક સમયમાં લોકો ધર્મ અને અધ્યાત્મનો આશરો લેતા હોય છે, લોકોને પુનઃ પોતાની આસ્થા-ધર્મથી આશા સાંપડે છે. આપણું જ્ઞાન જેમ વધતું જાય તેનાથી આપણી સમજ વિકસવી જોઈએ, તે આપણને એકબીજા વિરુદ્ધ ખડા કરી દે એવું ના હોવું જોઈએ.
આપણે માનવામાં ના આવે એવી ટેકનોલોજીના સમયમાં જીવીએ છીએ જ્યાં દુનિયાભરની સંસ્કૃિત આંગળાના ટેરવાં પર મળી જાય છે, આપણે સોશિયલ મીડિયા મારફત કોઈની પણ અને દરેકની સાથે સંપર્કમાં રહીએ છીએ, આપણે કોઈ પણ આંદોલનનો હિસ્સો બની શકીએ અને પરિવર્તન માટે અવાજ ઉઠાવી શકીએ છીએ. સોશિયલ મીડિયા ખરેખર શક્તિશાળી સાધન છે. આમ છતાં, હકીકત તો એ પણ છે કે સાથોસાથ અગાઉ કરતા ઘણી ઝડપથી રોષને ઉત્તેજન આપી શકાય છે, તિરસ્કાર-ઘૃણા ફેલાવી શકાય છે, ખોટા સંદેશાઓથી ગેરસમજો ઝડપથી પ્રસરાવી શકાય છે.
બદલાવના આ આવેશપૂર્ણ સમયમાં ઈન્સ્ટાગ્રામ જેવી બાબતો આપણા માટે બહારના વિશ્વમાં સક્રિયતાવાદ સાથે જોડાવાની બારી બની ગયેલ છે અને તે અનેક પ્રકારે આપણા વિચારો અને મતને ઘડે છે, આકાર આપે છે. ત્યારે વાસ્તવિકતા સાથે ટકી રહેવાનો, આપણા સત્યોને યાદ કરવાનો અને આપણા સિદ્ધાંતોને વળગી રહેવાનો કોઈ સમય કદી હોય તો તે આ જ વર્તમાન સમય છે.
આજે તો આપણે ગમે ત્યાં પ્રચાર માધ્યમો (ટી.વી.,છાપાં) ઉપર નજર નાખીએ તો બોમ્બમારો થતો જ રહે છે. આપણે ચોતરફથી સતત સમાચારો, જાણકારી અને મંતવ્યોનો આ માહિતીધોધ મેળવતા રહીએ છીએ, તેના પર વિચાર કરીએ છીએ અને તારવણી કરીએ છીએ. આપણે આ બધા વચ્ચેનો તફાવત ઓળખીએ તે જરુરી છે કારણકે તેનાથી જ આપણા આગવા મૂલ્યો અને માન્યતાઓને ટકાવી રાખવામાં મદદ મળશે.

મોરારિબાપુ

આછી દાઢી, ખાદીનાં સાદાં વસ્ત્ર, કાળી શાલ અને હાથમાં માળા સાથે વિનમ્ર અને સજ્જન પુરુષે સૌપ્રથમ ૧૯૭૦ના દાયકામાં ભારતથી યુકેની મુલાકાત લીધી હતી. એ પછીના વર્ષોમાં તો, તેમણે યુકેની ઘણી મુલાકાતો લીધી છે. નવ દિવસના રામકથા પારાયણમાં સમગ્ર યુકેના લાખ્ખો ગુજરાતીઓ અને હિન્દુઓ મોરારિબાપુના મુખેથી રામચરિતમાનસ (રામાયણ)ના પાઠ-ઉપદેશો સાંભળવા જ એકત્ર થતા હતા. રામકથાનો જ આધાર લઈને તેમણે આપણા મૂળ અને ધર્મના ગૌરવને વધુ મજબૂત બનાવ્યા છે. તેમણે એ પણ શીખવ્યું છે કે પ્રેમ અને સ્વીકાર આપણા ધર્મનું મૂળ તત્વ છે. ઈશ્વર તરફ દોરી જતાં અન્ય તમામ માર્ગોને આપણે આદર આપવો જોઈએ. આપણે મસ્જિદ, દેવળ, ગુરુદ્વારા, મંદિર અને ખુદ આપણા અંતરમાં પણ આધ્યાત્મિકતાના સારનો અનુભવ કરી શકીએ છીએ. વાસ્તવમાં, શીખ, મુસ્લિમ, યહુદી અને ક્રિશ્ચિયન સહિત અન્ય ધર્મોના નેતાઓ અને લોકોએ પણ યુકે, ભારત અને સમગ્ર વિશ્વમાં યોજાતી બાપુની ઘણી રામકથાઓની મુલાકાતો લીધી છે અને કથા મંડપોમાં બેસી તેમના ઉપદેશોને સાંભળ્યા છે.
 એટલું જ નહિ, તેમણે એ પણ શીખવ્યું છે કે પ્રેમ અને સ્વીકાર આપણા ધર્મનો તત્વસાર છે. ઈશ્વર તરફ દોરી જતાં અન્ય તમામ માર્ગોને આપણે આદર આપવો જોઈએ. આપણે મસ્જિદ, દેવળ, ગુરુદ્વારા, મંદિર અને ખુદ આપણા અંતરમાં પણ આધ્યાત્મિકતાના સારતત્વને અનુભવી શકીએ છીએ.
ધર્મની સાથે એના નિયમો અને સીમાઓ આવી શકે છે, ધર્મ આપણને બંધનમાં પણ બાંધી શકે છે. આમ છતાં, મોરારિબાપુ ધર્મમાં જ મુક્તિ શોધવા વિશે કહે છે. તેમના આ જ ઉપદેશોથી યુકે અને સમગ્ર વિશ્વમાં તેમના હજારો અનુયાયીઓ આકર્ષાયા છે. તેમની વિનમ્રતા સહુ કોઈને સ્પર્શી જાય છે, તેમણે કદી ગુરુ અથવા સંત હોવાનો દાવો કર્યો નથી અને તેમણે એમ પણ કહ્યું નથી કે તેમનો માર્ગ જ એક માત્ર માર્ગ છે.
તેમનો એક માત્ર મંત્ર સત્ય, પ્રેમ અને કરૂણાનો છે. આ ત્રણ સ્થંભ આધ્યાત્મિકતાના સુંદર ચિત્રપટમાં વણી લેવાયા છે. મોરારિબાપુએ માત્ર શબ્દોથી કહ્યું નથી પરંતુ, કરી બતાવ્યું છે કે બધા વચ્ચે સમાનતાપૂર્ણ અસ્તિત્વ હોવું જોઈએ. સામાન્યપણે ગણતરીમાં ન લેવાતી અથવા અલાયદી રખાતી ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીને પણ સમકક્ષ તરીકે સન્માન આપ્યું છે. તેમણે ગણિકા-રુપજીવિની સમુદાય માટે પણ એક રામકથા અયોધ્યા ખાતે સમર્પિત કરી હતી. તેમણે મુસ્લિમોને પણ હિન્દુઓ સાથે બેસવા આમંત્રણ આપ્યું હતું. તમે કલ્પના કરો કે બાપુ પોતાના વતનમાં એક કાર્યક્રમ દરમિયાન નાની દલિત (દુર્ભાગ્યવશ ભારતમાં આજે પણ જ્ઞાતિપ્રથાનું અસ્તિત્વ છે) બાળાને બોલાવી સેંકડો આમંત્રિતોની ઉપસ્થિતિમાં તેની પાસે આરતી કરાવડાવે છે.ગાંધીજી અને ભારતના કેટલાક મહાન નેતાઓની માફક મોરારિબાપુએ તમામને પ્રેમ કર્યો છે, બધાની સેવા કરી છે અને બધાનો સ્વીકાર કર્યો છે.

પ્રેમ, સુમેળ અને શાંતિની ખોજ

ભારતના મહાન આધ્યાત્મિક સંતોમાં એક અને ‘ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી’ના લેખક પરમહંસ યોગાનંદે કહ્યું હતું કે, ‘આપણે માનવીના સમજણયુક્ત અંતઃકરણ થકી ઈશ્વરીય માર્ગદર્શન સાથે સંયુક્ત વિશ્વની રચના માટે કાર્ય કરવું જોઈએ જેમાં, દરેક રાષ્ટ્રની ઉપયોગી ભૂમિકા હોય. આપણા હૃદયને તિરસ્કાર અને સ્વાર્થીપણાથી મુક્ત અને નિર્મળ બનતા શીખવીએ. આપણે રાષ્ટ્રો વચ્ચે શાંતિ-સુમેળ માટે પ્રાર્થના કરીએ કે તેઓ હાથમાં હાથ મિલાવી ન્યાયપૂર્ણ નવીન સભ્યતાના દ્વારથી આગેકદમ કરતા રહે.’
આ ૨૦૨૦ના વર્ષમાં ક્રિયાશીલ બનવાની હાકલ તો છે, સાથોસાથ આંતરમંથનની પણ હાકલ છે. આપણે માર્ગના પ્રત્યેક કદમ પર આપણને ખુદને પ્રશ્ન કરીએ કે, શું આમાં સત્ય સમાયેલું છે, શું આ પ્રેમથી કરી રહ્યો છું, શું હું કરૂણા સાથે બોલી રહ્યો છું. આપણા કાર્યો, આપણા નિર્ણયો, આપણા વિચારો અને આપણું બોલવાનું આપણે જે સત્યને જાણીએ છીએ તેની સાથે સુમેળ ધરાવે છે કે કેમ તેની ચોકસાઈ રાખવા માટે આ માત્ર ટકોર બની રહેશે. આપણા વિચારો શક્તિશાળી છે.
પ્રેમથી વધુ પ્રેમ ઉદ્ભવે છે, ઘૃણા વધુ ઘૃણા ઉપજાવે છે. આપણા સમગ્ર જીવનમાં આકર્ષણનો નિયમ કામ કરતો રહે છે. આપણે જેની ઈચ્છા રાખીએ છીએ, આપણને જે વધુ જોઈતું હોય, આપણે જેને વ્યક્ત કરવા માગીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો તે જ દિશામાં શક્તિનો પ્રવાહ વહેતો રહેશે. આપણે એકતા, પ્રેમ અને કરૂણા ઈચ્છીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે વિશ્વના ધર્મો અને માનવ સમુદાયો પરસ્પર આદર અને સમભાવથી સહઅસ્તિત્વ જાળવે. વર્તમાન સંજોગોમાં આપણે મજબૂતપણે ઉભા થઈ અને જવાબદારી સાથે કામ કરવું જોઈએ. આપણા પ્રશ્નો-શંકાઓ વધુ સારી રીતે, સત્યતા જાણવા માટે જ હોવાં જોઈએ, નહિ કે તદ્દન ખરાબ વૈચારિક શક્તિને .
આપણો જ્ઞાનપ્રકાશ અને પ્રગતિ અન્યોની સેવા માટે જ હોવાં જોઈએ તેમજ તેમની માન્યતાઓ- આસ્થાને કચડી નાખી તે હાંસલ કરવા ન જોઈએ.
આ કોઈ પ્રગતિ કે વિજય કહી ન શકાય. આખરે, આપણે એ જ સમજવાનું છે કે અન્યોની પડતી થાય ત્યારે આપણી પડતી થાય છે અને જ્યારે અન્યોની ઉન્નતિ થાય છે તેની સાથે આપણી પણ ઉન્નતિ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter